વિલે પાર્લેમાં ૬૭ વર્ષનાં સિનિયર સિટિઝને પોતાની ચેઇન ચોરીને ભાગી જવાનો પ્રયાસ કરનાર ચોરને હિંમત કરીને પકડી પાડ્યો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વિલે પાર્લેમાં રહેતાં ૬૭ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝન મહિલા ગઈ કાલે સવારે બહેનના ઘરેથી પોતાના ઘરે જવા માટે નીકળ્યાં હતાં. એ દરમ્યાન ઘરથી થોડે આગળ જતાં એક ચોરે તેમની ચેઇન ચોરીને ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. ચોરે ચેન ચોરવા મહિલાને જોરદાર ધક્કો મારીને નીચે પાડી દીધાં હતાં. જોકે મહિલાએ ચોરને પકડવા જોરદાર હિંમત દેખાડી હતી.
મહિલાએ તેની પાછળ જઈને ચોર-ચોરની બૂમો પાડતાં કેટલાક લોકોનું ધ્યાન ચોર પર ગયું હતું અને તેમણે તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. આરોપી પર આ પહેલાંના પણ ચોરીના કેટલાક કેસ હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે.
વિલે પાર્લે-ઈસ્ટમાં સાહજી રાજે રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતાં ૬૭ વર્ષનાં કુસુમ ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર ૭ નવેમ્બરે તેઓ તેમનાં બહેન સાથે ગુજરાત દેવદર્શન માટે ગયાં હતાં. ૮ નવેમ્બરે પાછા ફરી તેઓ બહેનના ઘરે જ રોકાઈ ગયાં હતાં. ૯ નવેમ્બરે સવારે ૬ વાગ્યે તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે સુભાષ રોડ પર એક યુવાન બાઇક પર તેમની પાસે આવ્યો હતો અને તેમને આન્ટી કહીને બોલાવ્યાં હતાં, પરંતુ એના પર ધ્યાન ન આપતાં પોતાના ઘર તરફ કુસુમબહેન આગળ વધ્યાં હતાં. ત્યાર બાદ આ યુવાન તેમની પાસે આવ્યો હતો. તેણે તેમના ગળા પર હાથ નાખીને ચેન ખેંચી હતી અને કુસુમબહેનને જોરથી ધક્કો માર્યો એટલે તેઓ નીચે પડી ગયાં હતાં. એકાએક બનેલી ઘટનાથી ન ગભરાતાં કુસુમબહેન ઊભાં થયાં હતાં અને ચોરની પાછળ ગયાં હતાં તેમ જ ચોર-ચોરની બૂમો પાડી હતી.
કુસુમબહેનના અવાજ પર બીજા લોકોની નજર પડતાં તેમણે ચોરને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. વિલે પાર્લે પોલીસે ચોરની તપાસ કરી તેની પાસેથી કુસુમબહેનની ચેન જપ્ત કરી તેમને પાછી આપી હતી.
કુસુમબહેનના પુત્ર પ્રજ્ઞેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી સાથે
બનેલી ઘટના પછી કેટલાક લોકોએ ચોરને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ પહેલાં પણ આ ચોરે અનેક
ગુનાઓ કર્યા હોવાનું અમને જાણવા મળ્યું છે.’
વિલે પાર્લે પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પર આ પહેલાં આશરે ૧૦થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ૩૯ વર્ષનો સુનીલ સકપાળ નામનો આ આરોપી વસઈનો રહેવાસી છે અને ડિલિવરી બૉયનું કામ કરે છે.’

