જોકે નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

ક્રૂ મેમ્બર સહિત કુલ આઠ જણ ઘાયલ થયા હતા
વિઝાગ (વિશાખાપટ્ટનમ)થી મુંબઈ આવી રહેલું એક પ્રાઇવેટ જેટ વિમાન ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટના ટી-૧ના રન-વે પર લૅન્ડ થઈ રહ્યું હતું ત્યારે સ્કિડ થઈ ગયું હતું અને રન-વે પરથી સરકીને બાજુના ઘાસમાં ચાલ્યું ગયું હતું અને ત્યાં પટકાતાં એનો અકસ્માત થયો હતો અને એ સળગી ઊઠ્યું હતું. જોકે નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ક્રૂ મેમ્બર સહિત કુલ આઠ જણ ઘાયલ થયા હતા. વરસાદને લીધે વેધર ખરાબ હોવાને લીધે વિઝિબિલિટી ઓછી હોવાથી આ દુર્ધટના બની હોવાનો પ્રાથમિક અંદાજ છે.
બીએમસીના જણાવ્યા મુજબ મેસર્સ વીએસઆર વેન્ચર્સનું લૅરજેટ ઍરક્રાફ્ટ વીટી-ડીબીએલ વિઝાગથી મુંબઈ આવી રહ્યું હતું. આ નાના એવા જેટ પ્લેનમાં બે ક્રૂ મેમ્બર અને છ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સાંજે ૧૭.૪૫ વાગ્યે મુંબઈ ઍરપોર્ટના ટી-૧ના રન-વે પર એણે જ્યારે લૅન્ડિંગ કર્યું ત્યારે એ સ્કિડ થઈ ગયું હતું અને રન-વેની બાજુના ઘાસ પર ચાલ્યું ગયું હતું. એ પછી એ તૂટી પડ્યું હતું અને ઍર ક્રાફ્ટમાં આગ લાગી હતી. જોકે નાની-મોટી ઈજાઓ સાથે બન્ને ક્રૂ મેમ્બર, છ પૅસેન્જર, પાઇલટ અને કો-પાઇલટ બચી ગયા હતા. તરત જ ફાયર બ્રિગેડનાં ફાયર એન્જિન ત્યાં ધસી ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. ફાયર બ્રિગેડ સહિત ઍરલાઇનના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. ઘાયલોને ક્રિટિકૅર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.