Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત: 70 મિનિટમાં સુરતથી મુંબઈ પહોંચી ગયું હાર્ટ

ગુજરાત: 70 મિનિટમાં સુરતથી મુંબઈ પહોંચી ગયું હાર્ટ

04 November, 2019 07:45 AM IST | સુરત
તેજશ મોદી

ગુજરાત: 70 મિનિટમાં સુરતથી મુંબઈ પહોંચી ગયું હાર્ટ

સુરતથી ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતાં અંગો.

સુરતથી ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતાં અંગો.


રક્તદાન મહાદાન ગણાય છે, પરંતુ એક વાત એ પણ છે કે આજના સમયમાં અંગદાનનું પણ ખૂબ મહત્ત્વ છે, કારણ કે અનેક લોકોના શરીરના અનેક ભાગ બીમારીને કારણે કામ કરવાનું બંધ કરી દે છે અને ત્યારે જો તેમને કોઈ અન્ય વ્યક્તિનું અંગ મળી જાય તો તેને નવું જીવન મળી શકે છે. સુરતમાં ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ઑર્ગન-ડોનેશનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ૨૪મા હૃદયનું દાન કરીને અન્ય વ્યક્તિને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. ઉડિયા સમાજના બ્રેઇન-ડેડ સૂરજ બાબુભાઈ બહેરાના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને ૬ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે. મહત્વનું છે કે સુરતથી મુંબઈનું ૨૬૯ કિલોમીટરનું અંતર ૭૦ મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મૂળ ઓડિશાના અને હાલમાં સુરતના પીપલોદમાં રહેતા તથા બમરોલીમાં લૂમ્સ ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બાવીસ વર્ષના સૂરજ બાબુભાઈ બહેરાનું મંગળવારે ૨૯ ઑક્ટોબરે રાત્રે ૮.૩૦ વાગ્યે સૂરજ જ્યારે લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમ પાસે રસ્તો ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે તેને મહાનગરપાલિકાની બીઆરટીએસ બસે ઉડાડી દીધો હતો, જેમાં સૂરજને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેમાં તે બેભાન થઈ ગયો હતો. સૂરજને તાત્કાલિક પ્રાઇવેટ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેનું સીટી સ્કૅન કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું જાણવા મળ્યું હતું.જોકે ૧ નવેમ્બરે ફરજ પરના ડૉક્ટરોએ સૂરજને બ્રેઇન-ડેડ જાહેર કર્યો હતો. ત્યાર બાદ હૉસ્પિટલના ડૉક્ટરોએ ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરીને સૂરજના બ્રેઇન-ડેડ વિશે માહિતી આપી હતી. ડોનેટ લાઇફની ટીમે હૉસ્પિટલ પહોંચીને સૂરજના પિતા બાબુલી, માતા ગીતાંજલિ, ભાઈ સંન્યાસી, મામા પ્રકાશ અને કૈલાસ તેમ જ અન્ય સગાંવહાલાંઓને ઑર્ગન-ડોનેશનની સમજણ આપીને એનું મહત્ત્વ સમજાવ્યું હતું.


સૂરજનાં માતા-પિતાએ જણાવ્યું કે ‘અમે સામાન્ય પરિવારનાં છીએ. જીવનમાં અમે કોઈ પણ ચીજવસ્તુનું દાન કરી શકીએ એમ નથી. અમારો દીકરો બ્રેઇન-ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનાં અંગોના દાન થકી કિડની, લિવર, હૃદયથી અન્ય દરદીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન કરવા અમે તૈયાર છીએ. અમારા પુત્રના અંગદાનથી અમારો દીકરો પાંચ-સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે એનો અમને સવિશેષ આનંદ છે.’

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં નીલેશ માંડલેવાલાએ SOTTO (State Organ & amp; Tissue Transplant Organisation)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરીને હૃદય, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. ગુજરાતની હૉ‌સ્પિટલમાં હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દરદી ન હોવાને કારણે SOTTOએ ROTTO (રીજનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન) - મુંબઈનો સંપર્ક કર્યો અને ROTTO દ્વારા હૃદય મુલુંડમાં આવેલી ફોર્ટિસ હૉસ્પિટલને ફાળવવામાં આવ્યું.


મુંબઈની ફોર્ટિસ હૉસ્પિટલના ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમે સુરત આવીને હૃદયનું દાન સ્વીકાર્યું. કિડની અને લિવરનું દાન અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના ડૉ. જમાલ રિઝવી અને તેમની ટીમે આવીને સ્વીકાર્યું હતું, જયારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બૅન્કે સ્વીકાર્યું હતું.

સુરતની હૉસ્પિટલથી મુલુંડમાં આવેલી ફોર્ટિસ હૉસ્પિટલમાં હૃદય મોકલવાનું હતું અને એ માટે સુરત શહેર પોલીસના ટ્રાફિક વિભાગની મદદથી ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યું હતું. સાથે  ઍરપોર્ટ ઑથોરિટીની પણ મદદ લેવામાં આવી હતી. તમામની મદદથી સુરતથી મુંબઈ સુધીનું ૨૬૯ કિલોમીટરનું અંતર ૭૦ મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ સુરતની જ ૪૦ વર્ષની મહિલામાં કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે જે મહિલાને હૃદય અપાયું છે તેમનો ૧૦ વર્ષ પહેલાં હૃદયનો એક વાલ્વ બદલવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેના હૃદયની પમ્પિંગક્ષમતા ઘટીને ૧૫થી ૨૦ ટકા થઈ ગઈ હતી. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દરદીઓમાં અમદાવાદની (IKDRC)માં કરવામાં આવ્યું છે.

સુરતથી ૨૪મા હૃદયનું દાન

સુરતથી ડોનેટ લાઇફ દ્વારા હૃદયદાનની આ ૨૪મી ઘટના છે, જેમાંથી ૧૮ હૃદય મુંબઈ, ૩ હૃદય અમદાવાદ, ૧ હૃદય ચેન્નઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા ૩૪૭ કિડની, ૧૩૯ લિવર, ૭ પૅન્ક્રિયાસ, ૨૪ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૨ ચક્ષુઓ મળી કુલ ૭૭૩ અંગ અને ટિશ્યુઓનું દાન મેળવીને ૭૦૯ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 07:45 AM IST | સુરત | તેજશ મોદી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK