Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારું સંતાન સંવેદનશીલતાની કઈ શ્રેણીમાં આવે છે એની તમને ખબર છે?

તમારું સંતાન સંવેદનશીલતાની કઈ શ્રેણીમાં આવે છે એની તમને ખબર છે?

29 March, 2019 12:44 PM IST |
યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

તમારું સંતાન સંવેદનશીલતાની કઈ શ્રેણીમાં આવે છે એની તમને ખબર છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્કૂલમાં ફ્રેન્ડને મળેલી પનિશમેન્ટથી તમારા સંતાનને શિક્ષકનો ભય લાગે છે? કોઈ ઝઘડો ચાલતો હોય અથવા કોઈ મોટે-મોટેથી બોલતું હોય તો એ મમ્મીની પાછળ સંતાઈ જાય છે? ટીવી અને ફિલ્મમાં દેખાડવામાં આવતાં દૃશ્યો જોઈ ભાવુક થઈ જાય છે? જૂની-જૂની વાતોને પકડી રાખે છે? કલાકો સુધી ગુમસૂમ બેસી રહે છે? કંઈક વિચાર્યા કરે છે? વારંવાર મૂડસ્વિંગ્સ થાય છે? હઠાગ્રહી છે? જો આમાંથી કેટલાંક લક્ષણો તમારા સંતાનમાં જોવા મળતાં હોય તો સમજી જજો કે તમારું બાળક અતિશય સંવેદનશીલ છે. પેરન્ટ્સે બાળકની અંદરની સંવેદનશીલતાને કઈ રીતે ઓળખવી અને એનો ઉપાય શું એ સંદર્ભે માંડીને વાત કરીએ.

બાળપણ કોઈ પણ વ્યક્તિના જીવનનો નિર્ણાયક તબક્કો હોય છે. આ ઉંમરે અનુભવેલાં કડવાં-મીઠાં સંસ્મરણો જીવનભર માનસપટ પર છવાયેલાં રહે છે. સંવેદનશીલ હોવું સારો ગુણ કહેવાય, પણ અતિશય લાગણીશીલ બાળક ક્યારેક પોતાને હાનિ પહોંચાડે છે. પેરન્ટ્સ માટે બાળ સાઇકોલૉજીને સમજવું ખૂબ અઘરું છે. અમે એને જન્મ આપ્યો છે, એનો ઉછેર કઈ રીતે કરવો એની અમને ખબર પડે છે એવું માનનારા પેરન્ટ્સ પોતાના જ સંતાનનું અહિત કરે છે. વાતે-વાતે રોકટોક કરવી એ તેમનો અધિકાર હોય એમ વર્તે છે. તેમની દૃષ્ટિમાં સંતાનને સાચી શિક્ષા આપવાનો અને એના ઘડતરનો કદાચ આ જ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે, પરંતુ રિસર્ચ કહે છે કે શિષ્ટતાના પાઠ ભણાવવામાં પેરન્ટ્સ માતા-પિતા મટી શિક્ષક બની જાય છે. વાસ્તવમાં આ સમયગાળો શિક્ષક બનવાનો નહીં, પણ શિક્ષા લેવાનો હોય છે.



વિકાસના જુદા-જુદા તબક્કામાં તમારું સંતાન કઈ રીતે વર્તે છે એનું અવલોકન કરી બાળકની સંવેદનશીલતાને સમજી શકાય છે એમ જણાવતાં સ્પેશ્યલ એન્જ્યુકેટર ઍન્ડ સાઇકોથૅરપિસ્ટ તનુજા પ્રેમ કહે છે, ‘સંવેદનશીલ હોવું એટલે શું? મારા અનુભવ અને નિરીક્ષણ પ્રમાણે સંવેદનશીલતા ત્રણ પ્રકારની હોય છે. એક સેન્સિટિવ હોવું, બીજું હાઇપર સેન્સિટિવ હોવું અને ત્રીજું આર્ટિફિશ્યલ સેન્સિટિવ હોવું. બીજાને તકલીફ જોઈને જે દ્રવી ઊઠે એવા બાળકને પ્રથમ શ્રેણીમાં મૂકી શકાય. આવાં બાળકો સામેવાળાની ફીલિંગ્સને જલદીથી સમજી શકે છે અને ઍડજેસ્ટ પણ કરી લે છે. દાખલા તરીકે મમ્મી આખો દિવસ કામ કરતી હોય તો એને બહુ લાગી આવે કે મારી મમ્મીને આરામ નથી મળતો. તેઓ મમ્મીને હેલ્પ કરવા લાગે છે. આવી સંવેદનશીલતાથી કોઈને નુકસાન થતું નથી તેમ છતાં પેરન્ટ્સ તેમને સમજી શકતા નથી.’


એક કેસ સ્ટડી વિશે વાત કરતાં તનુજા કહે છે, ‘ખાધેપીધે સુખી પરિવારની બાર વર્ષની દીકરીને પેરન્ટ્સે બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી. એ જ્યારે બોર્ડિંગમાં ગઈ ત્યારે એના પપ્પાને કૅન્સર હતું. આ વાત તેને કહેવામાં આવી નહોતી. વેકેશનમાં ઘરે આવી તો જોયું કે પપ્પાના ચહેરાનો દેખાવ ફરી ગયો છે. તેણે પૂછપરછ કરી ત્યારે દાદા-દાદીએ કહ્યું કે પપ્પાને મોઢાનું કૅન્સર છે. સંવેદનશીલ હોવાને કારણે તે હર્ટ થઈ. એટલું જ નહીં, ફ્રેન્ડ સાથે આ વાત શૅર કરતાં કહ્યું કે મારે તો મરી જવું છે. મારા પપ્પા મને મારી પ્રિન્સેસ મારી પ્રિન્સેસ કહીને બોલાવતા હતા એ ખોટું હતું. તેઓ મને પ્રેમ કરતા જ નથી. આ કેસમાં આઘાતજનક વાત એ હતી કે પેરન્ટ્સે પણ તેને આ બધી બાબતથી દૂર રાખવા ઑસ્ટ્રેલિયા મોકલી દીધી. પેરન્ટ્સે એ સમજવાનું છે કે સંવેદનશીલ બાળકોની ભૌતિક જરૂરિયાતો કરતાં ભાવનાત્મક જરૂરિયાતો વધુ હોય છે. આવા સંતાનને ઉછેરવું એ પેરન્ટ્સ માટે પડકાર હોય છે.’

હાઇપર સેન્સિટિવ બાળકો એક પ્રકારના ભયથી પીડાતાં હોય છે એવો અભિપ્રાય આપતાં તેઓ આગળ કહે છે, ‘કેટલાંક બાળકો તેમની પર્સનાલિટીને લઈને લાગણીશીલ બની જાય છે. મેદસ્વી બાળકને કોઈ હાથી મેરે સાથી કહીને ચીડવે એ તેને ન ગમે તો સમજી જવું કે તમારું સંતાન પોતાની પર્સનાલિટીને લઈને સંવેદનશીલ છે. કોઈને ચશ્માંના નંબર હોય અને સ્કૂલમાં બધા બૅટરી કહીને બોલાવે ત્યારે મન પર લઈ લે તો સમજવું કે હર્ટ થયો છે. આ પ્રકારની સંવેદનશીલતા ધરાવતાં બાળકો એકલાં રહેવાનું પસંદ કરે છે. તેઓ એક પ્રકારના ભયથી પીડાય છે. તમારું સંતાન લોકોથી ડિસ્ટન્સ કેમ રાખે લે છે એનું સંશોધન કરશો તો સમજાશે કે તેમની સમસ્યા શું છે. પેરન્ટ્સે તેમને સમજાવવું પડે કે ગરબડ તમારા બૉડીમાં છે, તમારામાં નથી. તેમને ફ્લેક્સિબલ બનાવવા કમ્યુનિકેશન એકમાત્ર માર્ગ છે.’


આર્ટિફિશ્યલ સેન્સિટિવિટી માટે વાસ્તવમાં સંવેદનશીલતા શબ્દ જ વાપરવો ન જોઈએ, પણ આ પ્રકારનાં બાળકો પણ હોય છે એ આજના સમયમાં પેરન્ટ્સે સ્વીકારવું પડશે એવો મત વ્યક્ત કરતાં તનુજા કહે છે, ‘આર્ટિફિશ્યલ સેન્સિટિવિટી એ પેરન્ટ્સે જાતે ઊભી કરેલી સમસ્યા છે, જે પેરન્ટ્સ તેમના સંતાનને ઓવર-પ્રોટેક્ટ કરે છે એવાં બાળકો આ કૅટેગરીમાં આવે છે. તેઓ સંતાનને પેમ્પરિંગ કરે છે. એક વાર નાની બાળકીને હેલ્મેટ, ની પૅડ, એલ્બો પૅડ વગેરે પહેરીને રમતાં જોઈ. મેં તેની મમ્મીને પૂછ્યું કે આ શું? તો એ મહિલાએ કહ્યું કે તેને વાગે નહીં અને ચહેરો ખરાબ ન થાય એટલે પહેરાવું છું. અરે, તમે તેને પડવા જ નહીં દો તો ઊભાં થતાં કેમ શીખશે?

ઓવર-પ્રોટેક્ટિવ ચાઇલ્ડમાં આર્ટિફિશ્યલ સેન્સિટિવિટી જોવા મળે છે. તેમને એમ જ છે કે હું સ્પેશ્યલ છું. કોઈ જગ્યાએ તમે તેને લાઇનમાં ઊભા રહેવાનું પણ કહેશો તો રડવા લાગશે કે હું નહીં ઊભો રહું, મારા પગ દુ:ખે છે. આવાં બાળકો આગળ જતાં એટલાં બધાં સંવેદનશીલ બની જાય છે કે મોટાં થઈને બહારની દુનિયામાં ફાઇટ નથી કરી શકતાં. તમારું સંતાન આ શ્રેણીમાં ન આવે એ માટે સૌથી પહેલાં તો તેમને પ્રોટેક્ટ કરવાનું બંધ કરી દો.’

પેરન્ટ્સ આટલું ધ્યાનમાં રાખે

તમારા સંતાનના સંવેદનશીલ સ્વભાવને બદલવાનો પ્રયાસ ન કરો

અન્ય બાળકો માટે સામાન્ય કહી શકાય એવાં કામો પણ તમારા સંતાન માટે સરળ નથી એ વાતનો સ્વીકાર કરો

સંતાનના રૂમમાં સુગંધિત પુષ્પો, રંગબેરંગી ચિત્રો, પુસ્તકો અને મનગમતાં સાધનોની વ્યવસ્થિત ગોઠવણી કરો

તેમના રૂમમાં લાઇટ્સની વ્યવસ્થા પર ધ્યાન આપો. રૂમની અંદર ડિમલાઇટ કે અંધારું ન હોવું જોઈએ

સંવેદનશીલ સંતાનો માટે કડક નિયમો ન બનાવવા જોઈએ, પરંતુ તેમના માટે કેટલીક મર્યાદાઓ સેટ કરી શકાય.

સંતાન દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરો. સમયાંતરે પુરસ્કાર પણ આપો.

સામાન્ય રીતે સંવેદનશીલ બાળકો પોતાની લાગણીને વાચા આપી શકતાં નથી. તેમના માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે એવો માહોલ ઊભો કરો.

તેઓ જ્યારે બોલતાં હોય ત્યારે તેમની સાથે આંખ મિલાવીને વાત કરવી જોઈએ. આમ કરવાથી તેઓ પોતાને સુરક્ષિત અનુભવે છે

સંવેદનશીલ બાળકોનો મૂડ વારેઘડીએ બદલાય છે. એ વખતે પેરન્ટ્સે ગુસ્સો ન કરતાં ધીરજ રાખવી. બદલાયેલા મૂડનાં કારણોની શોધખોળ કરવી

તેમની કોઈ વાત હાસ્યાસ્પદ લાગતી હોય તો પણ મજાક ન કરવી

આ પણ વાંચો : ક્યારેય વિચાર્યું છે ખરું, શું કામ દરેક માટે આપણને ફરિયાદ છે?

દરેક પેરન્ટ્સ સંતાનોના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા આતુર હોય છે. જો તમારું સંતાન કિશોરાવસ્થામાં પ્રવેશી ગયું હોય તો તેમની અંગત વાતો જાણવા દર વખતે ફાંફાં ન મારો. તેમને જાતે બોલવાનો સમય આપો.

તમારા સંતાનની શક્તિ અને ક્ષમતાને બહાર લાવવાના નવા-નવા માર્ગો શોધો.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 12:44 PM IST | | યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK