Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 38

સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 38

12 May, 2019 12:40 PM IST |
ગીતા માણેક

સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 38

સરદાર

સરદાર


‘આર યુ ઓ.કે. સરદારસાહેબ...’ ડાઇનિંગ ટેબલ પર ચમચો ભરીને સૂપ પીધા પછી ચમચો તેમના હાથમાંથી સરકી પડ્યો. ચમચાના પડવાના અવાજથી ડૉ. સુશીલા નાયરની નજર તેમના પર પડી. સરદારે જમણો હાથ છાતીની ડાબી બાજુએ દાબ્યો હતો. તેમના ચહેરા પર સખત વેદના દેખાતી હતી. તેઓ પસીને રેબઝેબ થઈ ગયા હતા. તબીબ તરીકેના પોતાના અનુભવે સુશીલા નાયરને ચેતવી દીધાં.

મણિબહેનની મદદથી તેમણે સરદારને પથારીમાં સુવડાવ્યા. સરદારના અંગત સચિવ વી. શંકરને તેમણે તરત જ ડૉ. ધાંદાને બોલાવવાની અને જવાહરલાલ નેહરુને જાણ કરવાની સૂચના આપી. પંદરેક મિનિટમાં ડૉ. ધાંદા આવી ગયા અને સખત પીડા અનુભવી રહેલા સરદારને તેમણે તરત જ એક ઇન્જેક્શન આપ્યું. સરદાર ઘેનમાં સરી ગયા.



‘ઇટ વૉઝ અ મૅસિવ હાર્ટઅટૅક...’ ડૉ. ધાંદાએ સુશીલાબહેનને કહ્યું.


એકાદ કલાકમાં જવાહરલાલ નેહરુ તેમની દીકરી ઇન્દિરા અને જમાઈ ફિરોઝ ગાંધી સાથે આવી પહોંચ્યા. મણિબહેન, સુશીલાબહેન, વી. શંકર, ડૉ. ધાંદા, નેહરુ, ઇન્દિરા અને ફિરોઝ ગાંધી પલંગને વીંટળાઈને ઊભાં હતાં. ઘેનનું ઇન્જેક્શન આપવા છતાં સરદાર અર્ધબેભાન અવસ્થામાં બેચેની અને અજંપો અનુભવી રહ્યા હતા. લગભગ ત્રણેક કલાક બાદ સરદારે આંખ ઉઘાડી.

‘મારે બાપુ જોડે જવાનું હતું, પણ એ તો એકલા જ ઊપડી ગયા.’ ગાંધીજીના મૃત્યુ બાદ પહેલી વાર તેમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી.


‘સરદારસાહેબ, અત્યારે તમારે આરામની જરૂર છે. તમે...’

‘તમે મને બચાવ્યો, પણ બાપુને ખબર પડી હોત તો તમને ઠપકો આપત. હું બાપુની સાથે રહેવા જઈ રહ્યો હતો અને તમે મને અટકાવ્યો. બધા કહે છે અને બ્રિજકૃષ્ણને પણ લાગે છે કે મેં બાપુની પૂરી સંભાળ રાખી નહીં...’ ઘેનની અસર હેઠળ સરદારના હૃદયમાં ધરબાયેલું દુ:ખ અને અફસોસ વ્યક્ત થઈ રહ્યાં હતાં. ગાંધીજીની હત્યા માટે ગૃહપ્રધાન તરીકે સરદારે બેદરકારી દાખવી હતી એવો તેમના પર ચારે તરફથી આરોપ થઈ રહ્યો હતો.

‘વલ્લભભાઈ, અત્યારે તમે આરામ કરો. એ બધી વાતો આપણે પછી કરીશું.’ નેહરુએ સરદારને વધુ બોલતાં અટકાવ્યા.

સરદાર ફરી ઘેનમાં સરી પડ્યા.

‘હૃદયરોગનો આ હુમલો કામના બોજને લીધે નહીં, પણ બાપુના મરણને કારણે આવેલો જબરદસ્ત ફટકો હતો.’ ડૉક્ટર ધાંદાથી કહ્યા વિના ન રહેવાયું.

સરદાર પરનું જોખમ ટળી ગયું છે એની ખાતરી થયા બાદ ડૉક્ટર ધાંદા રવાના થયા અને બાકી બધા સભ્યોને પણ સૂચના આપી કે તેમને સદંતર આરામ કરવા દેજો. કંઈ પણ જરૂર પડે તો ફોન કરજો એવું કહીને નેહરુ, ઇન્દિરા અને ફિરોઝ ગાંધી પણ રવાના થયાં. સુશીલાબહેન અને મણિબહેન રાતભર સરદાર પાસે જાગતાં બેઠાં રહ્યાં.

સરદારની કાળજી રાખવામાં મણિબહેને ક્યારેય કોઈ કસર રાખી નહોતી, પણ હવે તેમણે પોતાનો બધો સમય અને શક્તિ સારવારમાં લગાડી દીધી. સુશીલાબહેન પણ સતત તેમની પડખે હતાં. પોતે ડૉક્ટર હોવાને નાતે દવાઓથી માંડીને અન્ય તમામ બાબતો તેમણે પોતાના હસ્તક લઈ લીધી હતી.

‘સરદારસાહેબ, આ શું? અમને હજુ બાપુના ગયાની કળ વળી નથી. તમારે આટલી ઉતાવળ કરવાની નથી.’ ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ પથારીમાં સૂતેલા સરદારના હાથને સ્નેહ અને કાળજીપૂર્વક દાબ્યો. દેવદાસ ગાંધીના ગળે ડૂમો બાઝી ગયો હતો. બાપુ ગયા એની વેદના તમે વહેવા ન દીધી. ઠાંસી રાખેલા આ આઘાતને લીધે જ તમને હૃદયરોગનો હુમલો આવ્યો. સરદારને હાર્ટઅટૅક આવ્યો છે એની જાણ થતાં જ બીજા દિવસે સવારે દેવદાસ ગાંધી આવી પહોંચ્યા હતા. તેમણે સરદારને મીઠો ઠપકો આપ્યો.

બીમારીમાંથી સાજા થઈ રહેલા સરદારે આંખ મીંચકારી સસ્મિત કહ્યું, ‘હજુ કંઈ મોડું નથી થયું. તમારે બાપુને કાગળ પહોંચાડવો હોય તો હું લઈ જઈશ.’

સરદારની બીમારીના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. અનેક પરિચિતો, ઓળખીતા-પાળખીતાઓ સરદારની ખબર કાઢવા આવતા હતા. અમેરિકામાં અભ્યાસ કરતો સરદારનો પૌત્ર બિપિન પણ દાદાને મળવા આવી પહોંચ્યો. બે-ત્રણ દિવસ રોકાયા બાદ સરદારે તેને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ‘હું સમજું છું કે મારી તબિયતના સમાચાર સાંભળી તું દોડી આવ્યો છે, પરંતુ જ્યાં સુધી હું હોદ્દામાં છું તારે કે પરિવારના કોઈ પણ સભ્યે દિલ્હી આવવાનું ટાળવું. ન છૂટકે આવવું પડે તો જ આવવું. હવે બધા પ્રકારના લોકો તારી સાથે સંબંધ બાંધવા પ્રયત્ન કરશે. તમારે બધાએ જ એનાથી ચેતીને ચાલવું.’ પરિવારજનો સાથે સંબંધો કેળવીને પણ કોઈ પોતાની પાસેથી ફાયદો પડાવી જાય એ સરદારને મંજૂર નહોતું.

ડૉક્ટરોએ સરદારને સદંતર આરામ કરવાની સૂચના આપી હતી, પણ દિલ્હીમાં રહીને એ સંભવ નહોતું એટલે તેમને મસૂરી અને પછી દેહરાદૂન આરામ કરવા માટે મોકલી આપવામાં આવ્યા.

€ € €

સરદાર સ્વાસ્થ્ય પાછું મેળવવા આરામ ફરમાવી રહ્યા હતા, પણ અખબારો, ટેલિફોન અને મુલાકાતીઓ પાસેથી મળેલી ખબર પરથી દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા.

સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો છે એ સમાચારથી નિઝામ, લાયક અલી અને કાસિમ રાઝવી જૂથમાં આનંદની લહેરખી દોડી ગઈ હતી. આ મંડળીએ એવું ગૃહીત ધરી લીધું હતું કે સરદાર હવે આ બીમારીમાંથી ઊભા નહીં થાય. જોકે રાજીનામું આપીને લંડન ચાલ્યા ગયેલા, પણ નિઝામની અનેક વિનવણીઓ બાદ પાછા ફરેલા મોન્કટન આ બધા સાથે સહમત નહોતા થતા.

સરદારની બીમારીની ખબર સાંભળી તાનમાં આવી જઈને રાઝવીએ હૈદરાબાદમાં વધુ સ્ફોટક ભાષા વાપરવા માંડી હતી. તેમણે આપેલું ભાષણ અખબારોમાં પ્રસિદ્ધ થયું. ‘મુસલમાનોએ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને આગેકૂચ કરવાની છે. જો જરૂર પડશે તો હિન્દુસ્તાનના સાડાચાર કરોડ મુસલમાનો આપણા ટેકામાં ઊભા થઈ જશે અને દેશભરમાં ધાંધલ-ધમાલ મચાવી દેશે. હવે એ દિવસ દૂર નથી કે બંગાળનો મહાસાગર આપણા નિઝામના પગ પખાળશે...’ માઉન્ટબેટને જ્યારે રાઝવીનાં આવાં આગઝરતાં ભાષણો અંગે મોન્ક્ટન પાસે વિરોધ નોંધાવ્યો ત્યારે પહેલાં તો મોન્કટને બાંયધારી આપી કે તે રાઝવી પાસે માફી મગાવશે, પરંતુ હૈદરાબાદ પહોંચતાં જ મોન્ક્ટન પણ રાઝવીની ચાલતી ગાડીએ બેસી ગયા અને આ ભાષણો રાઝવીએ આપ્યાં જ નથી એવો દાવો બધા જ કરવા માંડ્યા.

સરદારે આ બધાં ભાષણો અંગેના પોતાની પાસે સજ્જડ પુરાવા છે અને લાયક અલી સાથે વાત કરવા માગે છે એવો આગ્રહ સેવ્યો. છેવટે લાયક અલીને દેહરાદૂન સરદારને મળવા માટે આવવું જ પડ્યું.

‘સલામઆલેકુમ સરદારસા’બ. ખૈરિયત તો હૈ?’

‘શાયદ કાસિમ રાઝવી કી દુઆ કબૂલ નહીં હુઈ. લો, હું તો બચી ગયો.’ સરદારે હસતાં-હસતાં જવાબ આપ્યો.

‘નહીં, નહીં, હમારી તો યહી દુઆ હૈ કિ અલ્લાહ આપકો લંબી ઉમ્ર બક્ષે.’ લાયક અલીએ ગળચટ્ટા શબ્દોમાં કહ્યું.

લાયક અલી પોતાનો જ કક્કો ખરો કરાવવા મથતા હતા. હૈદરાબાદ હિન્દુસ્તાનમાં જોડાવા માગતું જ નથી એવી પિપૂડી તેમણે વગાડ્યે રાખી ત્યારે સરદારે કહ્યું, ‘લાયકજી, તમે અને હું સારી રીતે જાણીએ છીએ કે સત્તા કોના હાથમાં છે. મારી તો તમને સલાહ છે કે તમારા એક્ઝાલ્ટેડ હાઇનેસને સમજાવો કે રાઝવી જે કરી રહ્યા છે એનું પરિણામ તેમણે ભોગવવું પડશે. રાઝવી અમને ધમકી આપે છે કે ભારત સરકાર હૈદરાબાદમાં આવશે તો દોઢ કરોડ હિન્દુઓનાં હાડકાં અને રાખ જ જોવા મળશે. મારા વતી નિઝામને ચેતવણી આપજો કે જો આમ જ ચાલ્યું તો નિઝામનું પોતાનું અને તેમના સમગ્ર વંશજોનું ભાવિ જોખમમાં આવી જશે. આ બધું ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય લઈ લો કે તમે શું કરવા માગો છો એટલે તમે અને અમે ક્યાં ઊભા છીએ એની ગતાગમ પડે અને અમે એ પ્રમાણે પગલાં લઈ શકીએ.’ બીમારીમાંથી સાજા થઈ રહેલા સરદારના અવાજમાં મક્કમતા અને ગર્ભિત ધમકી હતી. અત્યાર સુધી લાયક અલીએ માઉન્ટબેટન અને નેહરુની પાસેથી જે ભાષા સાંભળી હતી એનાથી સરદારનો રણકો જુદો હતો. લાયક અલી થથરી ઊઠ્યા.

€ € €

‘મિ. લાયક અલી, આઇ ઍમ શ્યૉર યુ મસ્ટ બી અવેર ધૅટ આઇ ઍમ લિવિંગ ઇન્ડિયા ઇન જૂન. (હું જૂનમાં ભારત છોડીને જઈ રહ્યો છું એ બાબતથી તો તમે વાકેફ હશો જ.) જતાં પહેલાં હૈદરાબાદનો ઉકેલ લાવી દેવા માગું છું. માઉન્ટબેટન જતાં પહેલાં હૈદરાબાદનું સમાધાન કરાવી લેવા માગતા હતા, કારણ કે જો એવું થાય તો તેમના માટે એ ભવ્ય સિદ્ધિ પુરવાર થાય. તેમને જોકે એવો ડર પણ હતો કે ભારત હૈદરાબાદ સામે કોઈ લશ્કરી પગલું ભરે તો પહેલાં ત્યાં હિન્દુઓની કતલ થાય અને પછી ભારતમાં મુસલમાનોની કાપાકાપી ચાલે. આ જ ભય તેમણે નેહરુના મનમાં પણ રોપી દીધો હતો.

‘અમે તો સમાધાન કરવા તૈયાર છીએ ગવર્નર જનરલ સાહેબ, પણ તમારા મુનશી હૈદરાબાદમાં બેઠાં-બેઠાં જુઠ્ઠા અને ભડકાવનારા અહેવાલો મોકલે છે.’ સરદારની ગેરહાજરીમાં લાયક અલી એકદમ રાજાપાઠમાં આવી જતા.

‘ભારત પણ સમાધાન કરવા ઉત્સુક જ છે. તમે ચાર બાબતો કરો એવી અમારી અપેક્ષા છે. રઝાકારો પર અંકુશ મૂકો, પ્રજામંડળના આગેવાનોને છોડી મૂકો, સરકારી તંત્રમાં વધારે હિન્દુઓને દાખલ કરો અને વરસ પૂરું થાય એ પહેલાં બંધારણસભા સ્થાપો.’ માઉન્ટબેટને મોન્કટન અને લાયક અલી પાસે શરતો મૂકી. ‘એક વાત ધ્યાનમાં રાખજો કે ભારત હૈદરાબાદ પર હુમલો કરશે તો તમે બધા ખતમ થઈ જશો. આ પગલું લેતાં હવે નેતાઓ અચકાશે નહીં, કારણ કે ભારતની પ્રજા પણ ભડકેલી છે અને હૈદરાબાદ પર હુમલો કરવાથી તેમની લોકપ્રિયતા વધી જશે.’

આ પણ વાંચો : સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 37

ફરી એ જ સિલસિલો શરૂ થયો. મુસદ્દાઓ ઘડાતા રહ્યા, નામંજૂર થતા રહ્યા, ફેરફારો સૂચવાતા રહ્યા. આ સમાધાનનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે માઉન્ટબેટને મોન્કટનને પટાવ્યા, મેનનને દોડાવ્યા અને નેહરુને પણ મનાવી લીધા. જે મુસદ્દો તૈયાર થયો એ હકીકતમાં તો નિઝામ માટે અનુકૂળ હતો, પણ ભારત સરકાર અને ખાસ તો સરદાર એને સ્વીકારે એ સંભવ નહોતું એવું મોન્કટનને લાગતું હતું. ખૂબ જહેમત પછી તૈયાર થયેલા આ મુસદ્દા પર નિઝામ અને નેહરુની સમંતિ મેળવી લઈને પછી માઉન્ટબેટન એના પર સરદારની મંજૂરીની મહોર મરાવવા માટે દેહરાદૂન જવા રવાના થયા. (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:40 PM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK