આ જાંબાઝે ફાટી નીકળેલા જ્વાળામુખી પરથી પૅરાગ્લાઇડિંગ કર્યું
આ ભાઈએ જ્વાળામુખી પરથી પૅરાગ્લાઇડિંગ કર્યું
મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં ડિસેમ્બર મહિનામાં વૉલ્કેન દ ફુએજો નામનો સક્રિય જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો જેણે ૧૯૪ સ્થાનિક લોકોનો ભોગ લીધો હતો અને ૨૩૪થી વધુ લોકો લાપતા થઈ ગયા હતા. આ જ્વાળામુખી હજી સંપૂર્ણ શાંત નથી પડ્યો. એમાંથી ગરમાગરમ રાખની ડમરીઓ ઊંચે સુધી ઊઠે છે. આવા જ્વાળામુખીની એકદમ ઉપર સુધી જઈને પૅરાગ્લાઇડિંગ કરવાનો અખતરો ૩૬ વર્ષના હોરૅસિઓ લૉરેન્સ ફર્નાન્ડેઝ નામના જાંબાઝે કર્યો હતો. સ્પેનના મૅડ્રિડમાં જન્મેલા આ પૅરાગ્લાઇડિંગ પાઇલટ હવામાં મુક્તપણે ઊડવાનો વીસ વર્ષથી વધુનો અનુભવ છે. લૉરેન્સ પોતાના આ અનુભવ વિશે વાત કરતાં કહે છે, ‘મેં જ્યારે જ્વાળામુખી પરથી કૂદકો માર્યો ત્યારે એમાંથી રાખ ઊડતી નહોતી, પરંતુ જેવો હું નજીક પહોંચ્યો કે તરત જ એમાંથી ઊંચી ગરમ રાખ ઊડવાનું શરૂ થઈ ગયું. અમુક ઊંચાઈ પર જ્યારે ઍક્ટિવ મટીરિયલ હવામાં ઊછળતું હોય ત્યારે આકાશમાં એનો અવાજ અને દૃશ્ય રચાય છે એ અદ્ભુત હોય છે.’
પૅરાગ્લાઇડિંગ દરમ્યાન લૉરેન્સ એટલો રિલૅક્સ્ડ હતો કે તેણે પોતાના બૉડી પર લાગેલા કૅમેરાથી આસપાસનું તમામ દૃશ્ય કૅપ્ચર થાય એ રીતે હવામાં આંટો માર્યો અને પછી જાણે સોફા પર બેઠો હોય એવી પગ વાળેલી નિરાંતની મુદ્રા ધારણ કરી લીધી હતી.


