Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંપ અકબંધ રહેતો હોય તો સંપ ખાતર પરિવારમાં પણ રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ

સંપ અકબંધ રહેતો હોય તો સંપ ખાતર પરિવારમાં પણ રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ

01 April, 2019 12:52 PM IST |
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

સંપ અકબંધ રહેતો હોય તો સંપ ખાતર પરિવારમાં પણ રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ

ચાણક્ય

ચાણક્ય


થોડા સમય પહેલાં ચાણક્ય વિશે વિસ્તારપૂર્વક વાતની શરૂઆત કરી હતી, પણ એ પછી પુલવામા અટૅક અને અન્ય રાજનીતિ વિશે વાતો કરતાં વિષય ફંટાઈ ગયો પણ હમણાં એક વાચકનો મેસેજ આવ્યો કે ચાણક્યની આજના સમયની પ્રસ્તુતી વિશે વાત કન્ટિન્યુ કરો અને ચાણક્યની ખાસિયત વિશે વાત કરો. મિત્રો, આજે, અત્યારે, આ ક્ષણે મને ચાણક્યની કોઈ એક વાત કહેવાની ઇચ્છા થતી હોય તો એ છે ચાણક્યની કાર્યપદ્ધતિની.

ચાણક્યની મોટી ખાસિયત એ હતી કે તેમણે ક્યાંય કોઈ જગ્યાએ એક પછી એક કામ નહોતાં કર્યાં. મલ્ટિ-ટાસ્કિંગ શબ્દ તમે સાંભળ્યો છે, પણ ચાણક્યએ એક નવો શબ્દ દુનિયાને આપ્યો જેનો ઉપયોગ બહુ થતો નથી. મલ્ટિ-સ્ટ્રૅટેજી મેકર. એકસાથે અનેક સ્ટ્રૅટેજી પર કામ કરે અને એ કામની અસર પોતાની કઈ સ્ટ્રૅટેજી પર થઈ રહી છે એનું ધ્યાન પણ રાખવામાં આવે. ચાણક્યને આ બાબતમાં હું સોશ્યલ-સાયન્ટિસ્ટ કહીશ. જે રીતે એક સાયન્ટિસ્ટ પોતાની લૅબોરેટરીમાં બેસીને પોતાનું કામ કરે અને પોતાના પ્રયોગો પર નજર રાખે એવી જ રીતે ચાણક્ય પોતાની સામાજિક લૅબોરેટરીમાં બેસીને બધા અખતરા કરતા અને પોતાના આ અખતરાનું પરિણામ શું આવી શકે છે એની નોંધ રાખતા. આ નોંધના આધારે તે પોતાની સ્ટ્રૅટેજીમાં જરૂરી ફેરફારો પણ કરતા, જે ફેરફારોનો એક ફાયદો એ પણ થતો કે પહેલી અને ચોથી સ્ટ્રૅટેજી સાથે કામ ન કરી શકે એનો અણસાર તેમને પહેલાં જ આવી જતો અને એક લાભ એ પણ થતો કે જો એવું કરવામાં નુક્સાન થાય છે તો પોતાની કઈ સ્ટ્રૅટેજી ખોટી છે એનું પ્રમાણભાન પણ મળતું.



ચાણક્ય પાસેથી શીખવા જેવું અઢળક છે અને તેમની પાસેથી જાણવા જેવું પણ અઢળક છે, પણ આપણે ત્યાં એક મોટો ગુણદોષ એ પ્રસ્થાપિત થયો છે કે આપણે શાસ્ત્રોમાં રહેલી વાતોને ધાર્મિક વાતો માનીને બેસી રહીએ છીએ અને એને લીધે એ વાતોથી આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. ચાણક્ય એક રાજનેતા હતા, તેમની પાસે રાજ્ય ચલાવવાની શ્રેષ્ઠ કુનેહ હતી એવું કહેનારાઓને મારે કહેવું છે કે આ વાત અધૂરી છે. ચાણક્યનો જો તમે પૂર્ણપણે અભ્યાસ કરો તો તમને સમજાય કે તેમની પાસે માર્કેટિંગની પણ જબરદસ્ત કુનેહ હતી અને તેમની પાસે કૉર્પોરેટ કંપનીઓની હરીફાઈઓ માટે પણ જબરદસ્ત આવડત હતી. ચાણક્ય પારિવારિક પ્રશ્નોમાં પણ પ્રસ્તુત છે અને ચાણક્ય અંગત સંબંધોમાં પણ એટલા જ અસરકારક છે પણ મુદ્દો એ છે કે ચાણક્યને એ દૃષ્ટિએ જોવા પડે. ચાણક્ય માનતા કે રાજકારણ જરૂરી છે. જગ્યા કોઈ પણ હોય, સમય કોઈ પણ હોય અને પ્રસંગ કોઈ પણ હોય પણ સારપ માટે રાજકારણ રમવું પડે તો એમાં કશું ખોટું નથી.


આ પણ વાંચો : મૃત્યનો શોક દેખાડા માટે છે કે હૃદયપૂર્વકનો છે એ જાણવા માટેની કોઈ જ પારાશીશી નથી

ચાણક્ય પરિવારમાં પણ રાજકારણ રમવાના હિમાયતી હતા. ચાણક્ય કહેતાં, જો સંપ માટે ઉપયોગમાં લેવાયેલું રાજકારણ સારપનું પ્રતીક બની જાય છે એટલે સંપ અકબંધ રહેતો હોય તો માત્ર અને માત્ર સંપ માટે રાજકારણનો ચોક્કસ ઉપયોગ કરવો અને એ ઉપયોગ કર્યા પછી એની જાણ પણ કોઈને થવા દેવી નહીં. વાત એકદમ ઉચિત છે અને આજના સમયમાં જરૂરી પણ છે. હું કહીશ કે માત્ર ભગવતગીતા કે રામાયણ જ નહીં, પણ ચાણક્યનીતિને પણ કોઈએ કથા સ્વરૂપ આપવું જોઈએ અને એ કથા સ્વરૂપના ચાણક્યને સૌકોઈની સામે રજૂ કરવા જોઈએ જેથી આજનું આ જીવન વધારે સુખાકારી બને.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2019 12:52 PM IST | | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK