Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માતા-પિતાનું માન - (લાઇફ કા ફન્ડા)

માતા-પિતાનું માન - (લાઇફ કા ફન્ડા)

04 March, 2019 12:10 PM IST |
હેતા ભૂષણ

માતા-પિતાનું માન - (લાઇફ કા ફન્ડા)

માતા-પિતાનું માન - (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા

એક શોર્ટ્સ અને ટી-શર્ટ તથા કાનમાં હેડફોન લગાવીને નાચી રહેલા ટીનેજ દીકરા અહાનને તેના પપ્પા ક્યારના બોલાવી રહ્યા હતા, પણ કાનમાં હેડફોન હોવાથી તેને સંભળાતું નહોતું. ઘણી બૂમો પાડ્યા પછી પપ્પા તેની એકદમ પાસે ગયા, તેને બે ખભાથી પકડીને ઊભો રાખ્યો અને કાનમાંથી હેડફોન કાઢીને થોડા ગુસ્સામાં બોલ્યા, ‘આ તારા કાનમાંથી ભૂંગળાં કાઢ. તારી મમ્મીએ તને ભગવાનની પૂજા માટે પ્રસાદ અને ફૂલ લાવવા કહ્યું હતું. તું લાવ્યો?’



અહાન ભૂલી ગયો હતો. કંઈક બહાનું કાઢવા ગયો, પણ પપ્પા બહુ ખિજાયા અને મમ્મીએ પણ સાથ પુરાવ્યો. છેલ્લે બધો મોબાઇલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટનો વાંક છે; આજના જમાનાના છોકરાઓને જવાબદારીનું ભાન નથી એવી બધી વાતો થવા લાગી. નવા જમાનાના છોકરાઓની ખાસિયતની જેમ અહાન ગુસ્સાથી સામે બોલવા લાગ્યો, ‘તમને આજના જમાનાની શું ખબર પડે? તમને ટેક્નૉલૉજીનું મહત્વ ખબર જ નથી. મને એ સમજાતું નથી કે તમે કેટલા ગમાર છો. કમ્પ્યુટર વાપરતાં આવડતું નથી. મોબાઇલના પણ કેટલાય ઉપયોગ છે, પણ તમને કઈ આવડતું નથી. માંડ વાત કરતાં આવડે. ઇન્ટરનેટમાં જ્ઞાનનો કેટલો ખજાનો છે એની તમને કંઈ ખબર નથી. બસ, માત્ર અમને ખોટું ખિજાતાં આવડે છે.’


અહાન ખૂબ જ મોટેથી માતા-પિતાની આમન્યા રાખ્યા વિના સામે બોલી રહ્યો હતો. હવે તેના દાદા ગુસ્સે થયા અને અહાનને હાથ પકડી સોફા પર બેસાડતાં બોલ્યા, ‘હવે એક પણ શબ્દ મોટેથી માતા-પિતાની સામે બોલ્યો છે તો મારા હાથનો લાફો ખાઈશ.’

આ પણ વાંચો : લક્ષ્મીજીનું ગમન-આગમન - (લાઇફ કા ફન્ડા)


દાદાને આટલા ગુસ્સે થયેલા જોઈને અહાન પહેલાં ડરી ગયો પછી કંઈક બોલવા ગયો ત્યાં દાદાએ રોક્યો અને બોલ્યા, ‘તમે આજકાલનાં બાળકો પોતાને એકદમ હોશિયાર સમજો છો અને બધી વાતે માતા-પિતાને ઉતારી પાડો છો એ બરાબર નથી. તમને લોકોને મોટાની આમન્યા કઈ રીતે રાખવી, માન આપવું, નમ્રતા રાખવી, જવાબદારીપૂર્વક બધાં કામ કરવા, વાંચવું, બહાર મેદાનમાં રમવું વગેરે કંઈ આવડતું નથી. તમે લોકો માની બેઠા છો કે અમને ટેક્નૉલૉજીનું જ્ઞાન છે, મોબાઇલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં આવડે છે એટલે અમારા જેટલું હોશિયાર કોઈ નથી; પણ જો માતા-પિતા અને મોટાઓનું માન રાખતાં નહીં આવડે, વિવેક અને વિનયથી અન્ય સાથે વાત નહીં કરો તો બધું જ જ્ઞાન સાચું હોય તો પણ નકામું છે એ સમજી લેજે. તારા પપ્પાને પણ મોબાઇલ જરૂર પૂરતો વાપરતાં આવડે છે, પણ તે એના ગુલામ નથી. અને હા, તારા પપ્પાને પોતાનાં માતા-પિતાનું માન રાખતાં આવડે છે જે તને નથી આવડતું. પહેલાં એ શીખ.’

અહાન ચૂપ થઈ ગયો અને પછી ધીમેથી બધાની માફી માગી.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2019 12:10 PM IST | | હેતા ભૂષણ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK