સમય નહોતો - (લાઇફ કા ફન્ડા)

Published: May 07, 2019, 13:53 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ | મુંબઈ

સિમી પોતાની માતા અનીતાનું એકનું એક સંતાન હતી.

સિમી પોતાની માતા અનીતાનું એકનું એક સંતાન હતી. પિતાના મૃત્યુ બાદ માતા અનીતાએ તેને સતત મહેનત કરીને કોઈ કમી ન આવે એ રીતે ઉછેરી હતી. અનીતાનું જીવન સિમીની આજુબાજુ જ ફરતું. માત્ર ઑફિસ જતી એ સમય સિવાય તેનું બધું જ ધ્યાન સિમી પર જ રહેતું. સિમીને મૂકીને અનીતા ક્યારેય ક્યાંય બહાર ફરવા કે પાર્ટીમાં નહોતી ગઈ. ઑફિસનું કામ બનતી ઝડપે પૂરું કરી તે પોતાની દીકરી પાસે પહોંચી જતી. સિમીને ભાવતું જમવાનું બનાવવું, તેને હોમવર્ક કરાવવું, તેની સાથે રમવું, તેની ગમતી જગ્યાએ બહાર ફરવા લઈ જવું, બધું જ દીકરીની પસંદગી પ્રમાણે પ્રેમાળ મા અનીતા કરતી. રસોડામાં કામ કરતી વખતે દીકરી સિમીને પણ નાના વેલણ-ચકલો આપી પૂરી વણાવતી જેથી તેની સાથે તે વધુ ને વધુ સમય પસાર કરી શકે.

માતા અનીતાનો પ્રેમ વરસતો હતો અને એ પ્રેમમાં ભીંજાતાં-ભીંજાતાં સિમી મોટી થઈ ગઈ. બહાર હૉસ્ટેલમાં ભણવા ગઈ. માતાથી દૂર થઈ. મમ્મી અનીતા તેને ફોન કરતી. રજામાં ઘરે આવવાનું કહેતી. ભણવાનું વધતું ગયું. હવે સિમી ઘરે આવી શકતી નહીં, પણ મમ્મી રવિવારે ફોન અચૂક કરતી.

સિમીએ ભણી લીધું. સરસ નોકરી મળી. એ શહેરમાં તેણે ઘર લીધું. મમ્મી અનીતાએ તેને જાતે સજાવ્યું. તે સિમીને ઘર સજાવવામાં મદદ કરવા કહેતી, પણ નવી નોકરીને લીધે તેની પાસે સમય નહોતો. સિમી વધુ ને વધુ બિઝી થતી ગઈ, તેની પાસે માતા માટે સમય નહોતો. મમ્મી ફોન કરતી તો તે બહુ લાંબી વાત ન કરી શકતી, કારણ કામ બહુ હતું. સમય પસાર થતો ગયો. સિમીએ લગ્ન કર્યાં. માતાથી વધુ દૂર થઈ. એક બાળકીને જન્મ આપ્યો. માતા તેને સાચવવા આવી. સિમી ફરી નોકરીએ જવા લાગી. દીકરી શાળાએ જતી થઈ ત્યાં સુધી મમ્મી અનીતા તેની સાથે રહી, પણ સિમી પાસે માતા પાસે બેસી વાત કરવાનો કે મમ્મી માટે એક કપ કૉફી બનાવવાનો સમય ન હતો. વર્ષો પસાર થયાં. અનીતા પોતાના ઘરમાં એકલવાયું જીવન પોતાના અને સિમીના ફોટો જોઈને પસાર કરતી. દર રવિવારે દીકરીને ફોન કરતી. થોડા દિવસ પોતાની પાસે આવવા કહેતી પણ સિમી પાસે સમય નહોતો. ફોન પર પણ તે લાંબી વાત નહોતી કરી શકતી.

આ પણ વાંચો : કોઈ નિર્ણય લેતાં પહેલાં (લાઇફ કા ફન્ડા)

એક રવિવારે સવારે મમ્મીને બદલે પાડોશી આન્ટીનો ફોન આવ્યો કે મમ્મીની તબિયત બગડી છે, હૉસ્પિટલમાં છે જલ્દી આવ. સિમીએ તરત ફ્લાઇટ પકડી. તેને પણ મમ્મી સાથે ઘણી વાતો કરવી હતી. સમય ન આપી શકવા બદલ માફી માગવી હતી, પણ તે હૉસ્પિટલ પહોંચી એ પહેલાં મમ્મી અનીતા હંમેશ માટે ચાલી ગઈ હતી. આજે તેની પાસે દીકરી માટે સમય નહોતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK