મેઘ મહેરે ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં

Published: 17th September, 2019 14:37 IST | કચ્છડો સડ કરે - કીર્તિ ખત્રી | મુંબઈ

કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા એવા મેઘરાજાએ આ વખતે અનરાધાર વરસીને ત્રણ-ત્રણ વર્ષની તરસી ધરતીને તૃપ્ત કરી દીધી છે, ચોમેર લીલોતરીનું રમખાણ જામ્યું છે, સફેદ રણ ડહોળા પાણીના દરિયામાં પલટાયેલું દેખાય છે

તસવીરોઃ હર્ષદ પોમલ.
તસવીરોઃ હર્ષદ પોમલ.

કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા એવા મેઘરાજાએ આ વખતે અનરાધાર વરસીને ત્રણ-ત્રણ વર્ષની તરસી ધરતીને તૃપ્ત કરી દીધી છે, ચોમેર લીલોતરીનું રમખાણ જામ્યું છે, સફેદ રણ ડહોળા પાણીના દરિયામાં પલટાયેલું દેખાય છે અને કચ્છવાસી મેઘ-નશામાં ચૂર છે. આજનું દૃશ્ય જોઈને કદાચ અમિતાભ બચ્ચન પણ કહેશે, ‘હરાભરા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’

કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા એવા મેઘરાજાએ અનરાધાર વરસીને રણને પણ સાગરમાં પલટાવી મૂક્યું છે. કચ્છની એક બાજુ રણ અને બીજી બાજુ દરિયો છે, પણ અત્યારે જાણે બન્ને બાજુ દરિયો ઘૂઘવે છે. એક છે ડહોળાં પાણીનો બદામી રણદરિયો અને બીજો છે લીલો-કાળો અરબી સમુદ્ર. એકાદ મહિના પહેલાં આ રણ ખાવા દોડતું હતું. રણકાંધીના વિસ્તારમાં ઘાસનું એક તણખલું સુધ્ધાં ક્યાંયે નજરે ચઢ્યું નહોતું. બન્નીના માલધારી પોતાના માલ સાથે હિજરત કરી ગયા હતા. ખાવડા રોડ પર ભરબપોરે વાહનમાં નીકળીએ તો રણની ક્ષિતિજે મૃગજળ દેખાતાં રહે... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ અને સત્વહીન ધરતી પર ઝાંઝવાં નાચતાં જોઈ નિસાસો નીકળી જાય... પણ આજે આ રણ હોય કે ખડીરની આસપાસ પથરાયેલું રણ વરસાદી પાણીથી છલોછલ છે. દુકાળનાં દુ:ખ, દર્દ, પીડા અને મૃગજળ બધાં જ એમાં ગરકાવ થઈ ગયાં છે.

આવો ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ અને એટલે જ એનું અપાર મહત્વ છે. મેઘરાજા મન મૂકીને મીઠી કે તીખી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. ત્રણ-ત્રણ વર્ષથી સૂર્યના નિષ્ઠુર તાપ નીચે તરફડતી, ભૂખી-તરસી ધરતી પર કાળાં વાદળ ઝૂકી પડે અને ચોતરફ વરસીને તરબત્તર કરી નાખે એને કચ્છવાસી ક્યારેય ભૂલી શકે નહીં. ચોરે-ચૌટે એની જ ચર્ચા છે. વરસાદનો પહેલો રાઉન્ડ કચ્છમાં છૂટોછવાયો ‘મંઢા મીં’ જેવો હતો, પણ ૨૯ ઑગસ્ટથી મેઘરાજાએ કચ્છભરમાં અનરાધાર વરસીને માલધારીઓ અને ખેડૂતોને ન્યાલ કરી દીધા છે. અલબત્ત, પશ્ચિમ કચ્છમાં ક્યાંક ભારે વરસાદથી ખેતીને કેટલુંક નુકસાન થયું છે છતાં જગતનો તાત ખુશખુશાલ છે, કારણ કે ત્રણેક વર્ષે ધરતી તૃપ્ત બની છે, નીતરી રહી છે. પેટાળમાં પાણી ઊતર્યાં છે. કૂવાના તળ ઊંચા આવી રહ્યા છે. નુકસાન કરતાં ફાયદો વધુ છે અને એથી જ કચ્છવાસી મેઘોત્સવમાં ગળાડૂબ છે. નાનકડું ગામ હોય, મોટું ગામ હોય કે શહેર પણ એનું તળાવ જો છલકાય તો ઢોલ-ત્રાંસા અને શરણાઈના સૂર સાથે નાચતા-કૂદતા લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય. એટલું જ નહીં, એ દિવસે મેઘલાડુનું જાહેર જમણ થાય. ભુજમાં તો મોસમના પહેલા વરસાદમાં હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ થતાં જ લોકો એના કિનારે પલળતાં-ભીંજાતાં ઊમટી પડે. આવી પરંપરા બિનકચ્છી મિત્રોને ગળે ઊતરતી નથી. કદાચ તેમને ગળે ઊતરશે પણ નહીં. સતત દુકાળની પીડા જેણે વેઠી હોય એ જ સચરાચર વરસાદનો આનંદ લૂંટી શકે. મેઘતૃષ્ણાની અપાર વેદના વેઠનાર જેવી મેઘતૃપ્તિની અનુભૂતિ બીજા લોકો ક્યારેય અનુભવી ન શકે.

khatri-01

ખરે જ કચ્છીઓ તરબત્તર વર્તમાનને માણી લેવામાં અત્યારે મસ્ત છે. ગામડાંનાં નાનાં-મોટાં તળાવોમાં છોકરા ‘છંઢોળી’ મારીને આનંદ લૂંટે છે. આવી જ સ્થિતિ પુલિયાઓ નીચેથી વહેતાં નદીનાં વહેણો પર જોઈ શકાય છે. પણ બારાતુ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી સ્ત્રીઓની છે. હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની મહિલાઓ પોતાની ઝૂંપડી, ભૂંગા કે કાચા-પાકા ઘરની સૌથી નજીક જ્યાં પણ ખબોચિયું ભરાયું હોય ત્યાં પાલર પાણીથી કપડાં ધોઈને ચોખ્ખાચટ કરવાનો મોકો ઉઠાવે છે એ દૃશ્ય અવિસ્મરણીય છે. પ્રકૃતિની ગોદમાં બેફિકર બનીને સ્નાન કરવાની અનેરી મોજ માણતી વખતે તેમના મનમાં સંભવત: એ જ ભાવ હશે કે મેઘો માંડ-માંડ રીઝ્યો છે, ફરી ક્યારે કૃપા કરશે એ કહેવાય નહીં, એથી માણી લો. વર્તમાનની ભીની ક્ષણને સૌ કચ્છી માણી રહ્યા છે.

અને પ્રકૃતિનો પલટો તો જુઓ. સૂકાંભઠ્ઠ ખેતરો, સૂકાઈ ગયેલી ઝાડીઓના ઝૂંડ, આંખોને ત્રાસ આપે એવા કાળા પથ્થરવાળા ડુંગરો અને ટેકરીઓની હારમાળા, ઘાસનું તણખલુંયે ન હોય એવા સપાટ મેદાનોની જમીનમાં પડી ગયેલી તિરાડો. કાળમુખા દુકાળનાં તમામ લક્ષણો મેઘરાજાના જાદુથી વિરમી ગયાં છે અને ચોતરફ લીલવો છવાઈ ગયો છે. મેદાનોમાં ભેટભર ઘાસ ઊગી નીકળ્યું છે, ડુંગરો પર ઘટાટોપ હરિયાળી નજરે પડે છે, ખેતરોમાં મગફળી, જુવાર, બાજરી, કપાસ, મગ કે તલના છોડ ફૂટી નીકળ્યા છે. રસ્તા પર, હાઇવે પર વાહનથી પસાર થઈએ તો લાગે છે કે ડુંગરના શિખર પરથી સૂર્યના કિરણની સાથે સરકીને ઘાસ વાહનનાં પૈડાં સુધી આવી ગયું છે. લીલા રંગની અનેક છાંય એકસાથે નજરે પડે છે. વાડ પરના થોર, એના પર ચડી ગયેલી કોઈ જંગલી વેલ, એ પછી ઊભો મોલ, મોલની વચ્ચે ફૂટી નીકળેલું ઘાસ, વચ્ચે-વચ્ચે ઊભેલાં નાળિયેર, ખજૂર કે અન્ય ફળોનાં વૃક્ષ અને દૂર-દૂરની ટેકરીઓ પર આડેધડ ફૂટી નીકળેલી વનરાજી... દરેકનો રંગ લીલો છતાં અલગ તારવી શકાય એવો... ધ્રોસટ લીલો અરે લીલા રંગનું વિસ્ફોટક રમખાણ જ જાણે જામ્યું છે, ઝાંખો લીલો, ઘટ્ટ લીલો, ઘનઘોર લીલો, ઘટાટોપ લીલો... એનાં જુદાં-જુદાં રૂપની પરખ કચ્છી જ જાણી શકે, કારણ કે એ દૃશ્ય તેના માટે અપવાદ છે. વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઈ હોત તો કદાચ તેણે પોતાનાં ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત.

યાદગાર ઘટના છે. કુદરતી અવકૃપાની પરાકાષ્ટા ખમનાર મુલકને કુદરતની કૃપાની ચરમસીમા જોવા મળી રહી છે. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે. સંભવ છે કે આવા વરસાદથી એની સંસ્કૃતિમાં કોઈ નવો રંગ ઉમેરાશે. આપણે સતત કહેતા અને માનતા આવ્યા છીએ કે કુદરતે જે રંગ આપણને આપ્યા નથી એને પામવાની મથામણમાંથી સ્ફૂરેલી કલ્પનાએ આપણી હસ્તકલાને અભૂતપૂર્વ ભાતીગળ ઓપ આપ્યો છે, પણ આજે એ રંગ કુદરતે આપણને છૂટા હાથે આપી દીધો છે એથી આ વખતની દિવાળીએ હસ્તકલાના માધ્યમ સમા માટીકામ, અજરખ પ્રિન્ટ બાટિક, રોગાણ, કાષ્ટકામ કે ભરતકામમાં કોઈ નવી ભાત, વિશિષ્ઠ ભાત જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય.

આ પણ વાંચો : IIPM ચૅપ્ટરઃ યાદ છે આખા પેજની જાહેરખબર સાથે તમારા બાળકને ઍડ્મિ શન માટે કહેણ આપતી આ દુકાન

પણ લીલોછમ વર્તમાન કેટલો લંબાશે? એ તો ક્ષણે-ક્ષણે ભૂતકાળમાં પલટાઈ રહ્યો છે. રણ સરોવરનાં પાણી પણ આખરે તો સુકાવાનાં છે. ઘાસનાં મેદાનો લહેરાશે ખરાં, પણ ઉનાળામાં તો ફરી એ જ હાલત. ફરી ઝાંઝવાં, ફરી રણનાં કુદરતી મૃગજળ અને નર્મદાનાં પાણી જેવા અકુદરતી મૃગજળ કચ્છડાએ જોવા પડશે. આ નક્કર વાસ્તવિકતા સમજીને આપણે અત્યારે એટલે કે લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ થઈએ તો સારું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK