Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં ત્રણ પેઢીએ તાલીમ લીધી છે

કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં ત્રણ પેઢીએ તાલીમ લીધી છે

19 May, 2019 11:52 AM IST | મુંબઈ
વો જબ યાદ આએ - રજની મહેતા

કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં ત્રણ પેઢીએ તાલીમ લીધી છે

કલ્યાણજી-આણંદજી તસવીર સૌજન્ય - યૂ-ટ્યૂબ

કલ્યાણજી-આણંદજી તસવીર સૌજન્ય - યૂ-ટ્યૂબ


- વિજય મર્ચન્ટ (ક્રિકેટર)

ભારતના મશહૂર ક્રિકેટર વિજય મર્ચન્ટ એ સમયે રિટાયર થયા જ્યારે તેમનામાં હજી ઘણી ક્રિકેટ બાકી હતી. એ સમયે તેમણે આ વાત કરી હતી કે લોકો તમને એમ પૂછે કે ‘શા માટે તમે રિટાયર નથી થતા’; એ પહેલાં તમારે રિટાયર થઈ જવું જોઈએ. કલ્યાણજી-આણંદજીના જીવનમાં આવું જ કંઈક બન્યું. એક દિવસ કલ્યાણજીભાઈએ આણંદજીભાઈને પૂછ્યું,



‘આપણે કેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હશે?’


‘મને લાગે છે અત્યાર સુધી લગભગ ૨૫૦ ફિલ્મો થઈ હશે.’ આણંદજીભાઈએ જવાબ આપ્યો.

‘તને મજા આવી?’


‘સવાલ જ નથી. આનાથી વધુ મજા બીજી શું હોય?’ આણંદજીભાઈએ કહ્યું.

‘પહેલાં મ્યુઝિશિયન, પછી સંગીતકાર. આટલાં વર્ષો સંગીતની મજા લીધી, આપણી જે ફરજ હતી તે પૂરી કરી. નામ, દામ, ઇજ્જત ખૂબ મળી. ઈશ્વરની અપાર કૃપા રહી. આનાથી વધુ બીજું શું હોઈ શકે? હવે સમય બદલાયો છે, સંગીતની અભિવ્યક્તિ બદલાઈ છે... મને લાગે છે કે હવે આપણે ફિલ્મસંગીતનો કારોબાર બાબલા, વિજુ અને દીપકના હાથમાં સોંપી દેવો જોઈએ. નવી પેઢી આ માટે સક્ષમ છે. એમને જરૂર હશે તો આપણે ગાઇડ કરવા બેઠા જ છીએ.’ કલ્યાણજીભાઈએ પૂરી સ્વસ્થતાથી પોતાનો નિર્ણય જણાવ્યો.

‘તો પછી આપણે શું કરીશું?’ આણંદજીભાઈના મનમાં આવો સવાલ થાય એ સ્વાભાવિક હતું. કલ્યાણજીભાઈએ આ નિર્ણય પાછળનો તેમનો આશય સમજાવતાં કહ્યું. ‘આપણે સંગીત ક્યાં છોડવાનું છે? નવા કમ્પોઝિશન કરવાનું, સ્ટેજ શો કરવાનું, સંગીત સાથે વ્યસ્ત રહેવાનું તો ચાલુ જ રહેશે. સંગીત આપણી દુનિયા છે અને રહેશે. આપણે સમાજ પાસેથી ઘણું લીધું છે તે અલગ રીતે પાછું આપવાનું છે. સમયના તકાજા પ્રમાણે ઇન્ડસ્ટ્રીને નવા સિંગર્સની જરૂર છે. જે બાળકોમાં સંગીતની પ્રતિભા છે, તેમને તાલીમ આપીને તૈયાર કરીશું. ફિલ્મની ગાયકી માટે તેમને વ્યવસ્થિત ટ્રેઇનિંગ આપીશું; જેથી તેમને આગળ જતાં મુશ્કેલી ન પડે. તેમને સ્ટેજ પર ગાવાની પ્રૅક્ટિસ તો મળી જાય છે, પરંતુ સ્ટુડિયોમાં માઇક સામે કેવી રીતે ગાવું, શ્વાસ ક્યારે લેવો; છોડવો, વૉઇસમાં ક્યાં એક્સપ્રેશન લાવવી, આ બધી અગત્યની વાતોની સમજ આપવી જરૂરી છે.’

આમ કલ્યાણજી-આણંદજીની જોડીએ તેમના સંગીતજીવનની સફરનો નવો અધ્યાય શરૂ કર્યો. જ્યારે સંગીતકાર તરીકે તેઓ સક્રિય હતા તે દિવસોમાં પણ કલ્યાણજી-આણંદજીની જોડીએ અનેક નવા સિંગર્સની ભેટ હિન્દી ફિલ્મસંગીતને આપી છે. કમલ બારોટ, મનહર ઉધાસ, અનુરાધા પૌડવાલ, હેમલતાથી લઈને અલકા યાજ્ઞિક, સાધના સરગમ, સપના મુખરજી, ઉદિત નારાયણ, કુમાર સાનુ અને આજના સમયમાં જાવેદ અલી, પલક મુચ્છ્ડ, દિવ્ય કુમાર, નિશા ઉપાધ્યાય, ઓજસ અઢિયા ‘તબલાં) અને બીજા અનેક કળાકારો કલ્યાણજી-આણંદજીની સંગીતની પાઠશાળામાં તાલીમ લઈ ચૂક્યા છે. એક રીતે એમ કહી શકાય કે સંગીતની ત્રણ પેઢી આ પાઠશાળાની ઋણી છે. આપણે ફિલ્મસંગીતનો ઇતિહાસ જોઈએ તો એક વાત નજર સામે આવે કે દર ૧૫-૨૦ વર્ષો બાદ તેના સ્વરૂપમાં, અને રજુઆતમાં બદલાવ આવે છે. ૧૯૫૮થી શરૂ થયેલી કલ્યાણજી-આણંદજી સંગીતસફર પણ આમાંથી બાકાત નહોતી. વિજુ શાહ અને બાબલા, કલ્યાણજી-આણંદજીના સંગીતમાં એક નવી ફ્લેવર લઈને આવ્યા. આમ મેલોડી અને રિધમનો સુભગ સમન્વય થયો. એક સમય એવો આવ્યો કે કલ્યાણજી-આણંદજીને એમ લાગ્યું કે સંગીતના ક્ષેત્રે હવે આપણે અમુક હદથી વધુ બાંધછોડ નહીં કરી શકીએ, જીવનમાં સમાધાન કર્યા વિના સતત સફળતા મેળવવી ઘણું મુશ્કેલ કામ છે. કલ્યાણજી-આણંદજીના સંસ્કાર અને ખમીર; કોઈ પણ જાતની ગેરવાજબી બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. જે વ્યક્તિ સમયના તકાજાને સમજીને, રાજીખુશીથી, નવી પ્રતિભાને સ્થાન કરી આપે તેને ઇતિહાસ સલામ કરે છે. સમય અને સંજોગને પારખીને એક દિવસ કલ્યાણજી-આણંદજીએ બાબલા, વિજુ શાહ અને દીપકને કહ્યું, ‘યુ ઑલ આર બેટર કમ્પોઝર વિથ યંગ જનરેશન.’ અને આમ આ જોડીએ નિર્ણય કર્યો કે ફિલ્મસંગીતની દુનિયાને અલવિદા કરીએ.

નિવૃત્તિનો અર્થ નિષ્ક્રિય થવું એવો નથી. વર્તમાન પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ ત્યારે જ લેવાય કે જયારે તમે જે કરતા હતા તેનાથી કઈંક બહેતર કરી શકો. આમ પણ ‘રિટાયરમેન્ટ ઓન્લી મીન્સ ઇટ ઇઝ ટાઇમ ફૉર ન્યુ ઍડવેન્ચર.’ જે ગમતું હોય તે કરવાનું છોડીએ ત્યારે મનમાં પીડા તો થાય, પણ સાથે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણને એ કરવાનો મોકો મળ્યો. કલ્યાણજી- આણંદજીની જોડી કામમાંથી રિટાયર થતી હતી, જીવનમાંથી નહીં. પોતાના અનુભવ અને જાણકારીનો આ નિર્ણય અનેક ઊગતા કળાકારો માટે આર્શીવાદ બની ગયો, એ વિશે વાત કરતાં આણંદજીભાઈ કહે છે:

‘અમે નવાં, પ્રતિભાવંત બાળકોને ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું. તે દિવસોમાં ‘ઓવેલ્ટિન કે સિતારે’ નામનો રેડિયો શો આવતો હતો. તેમાં બાળકોને મોકો મળતો. તેમાં ભાગ લેતાં બાળકોને પુરસ્કારમાં એક ઓવેલ્ટિનનો ડબ્બો મળતો. એ દિવસોમાં ધીમે ધીમે ટીવી (ટેલિવિઝન)નો વ્યાપ વધવાનું શરૂ થયું એટલે વિચાર આવ્યો કે ટીવીમાં એક શો શરૂ કરીએ. તે સમયે ઝીટીવીના ગજેન્દ્ર સિંહે સલાહ આપી કે પહેલાં મોટાનો શો શરૂ કરો અને પછી બાળકોનો શો કરજો. અમે શો શરૂ કર્યા. મોટાના શોમાં એક-બે નવાં બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરતા. સમય આવ્યો કે બાળકોની સંખ્યા ખૂબ વધી ગઈ. એટલે કેવળ બાળકોના શોની શરૂઆત થઈ અને આમ ‘લિટલ વન્ડર્સ’ ગ્રુપની શરૂઆત થઈ.

 અમારા આ શો ખૂબ જ લોકપ્રિય થયા. મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં દર રવિવારે અમારા હાઉસફુલ શો થતા. મને યાદ છે એક જ દિવસમાં અમારા બે શો થયા. બન્ને શોમાં અમે જુદાં જુદાં ગીતોની રજૂઆત કરી હતી. એક વખત તો એક મહિનામાં અમારા ૧૯ શો થયા. પછી તો અલાહાબાદ, લખનૌ, નાગપુર અને બીજાં અનેક શહેરોમાં અમારા શો થયા. શો માટે ટ્રેનમાં જઈએ તો અમે સ્પેશ્યલ બોગી રિઝવર્‍ કરાવીએ. પછી તો અમારી પૂરી ટીમ પ્લેનમાં જતી. કેવળ દેશમાં નહીં, પરદેશમાં પણ અમાર શોની ચર્ચા થતી. એક વખત હું અમેરિકા ગયો ત્યારે ત્યાંના ઑર્ગેનાઇઝર કહે, ‘હમણાં થોડા સમયથી તમારા શો નથી થયા. કંઈક અલગ લઈને આવો.’ મેં તેમને કહ્યું, ‘જરૂર.’ અને મનમાં એક વિચાર આવ્યો, મુંબઈ આવીને મેં કલ્યાણજીભાઈને વાત કરી કે આપણે અમિતાભ બચ્ચનથી માંડીને અનિલ કપૂર અને કિશોર કુમારથી માંડીને નવા સિંગર્સના શો કર્યા છે; અને કરતાં રહીશું. તો આ વખતે બાળકોને લઈને અમેરિકા શો કરવા જઈએ. તેમનું કહેવું હતું કે આ મુશ્કેલ કામ છે. આમ પણ તબિયતના હિસાબે તે ટ્રાવેલિંગ કરવા નહોતા માગતા. મેં કહ્યું કે મેં ત્યાં પ્રૉમિસ આપ્યું છે કે આ વખતે કંઈક નવું લઈને આવું છું. મેં ત્યાંના મિત્ર એચ. આર. શાહને વાત કરી તો તેમણે સલાહ આપી કે ભારતના ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ને ૫૦ વર્ષ પૂરાં થાય છે તેનું અહીં ધામધૂમથી સેલિબ્રેશન થાય છે એટલે એ પ્રસંગે તમે આવો તો મજા આવશે. તે દિવસોમાં અહીંથી ઘણા ફિલ્મસ્ટાર દર વર્ષે, આ પ્રસંગે જતા હતા. એવા સમયે અમારો બાળકો સાથેનો આ શો એક નૉવેલ્ટી બની જશે એની મને ખાતરી હતી. જોકે કલ્યાણજીભાઈએ કહ્યું કે આ કામ ધારીએ તેટલું આસન નથી. તું એકલો કઈ રીતે આ બધું હૅન્ડલ કરીશ? મેં કહ્યું, ‘ચિંતા ન કરો. આ એક નવી ચૅલેન્જ છે એટલે મને મજા આવશે.’

પહેલું કામ તો આ બાળકો માટે વિઝા લેવાનું હતું. બપોરે ચાર વાગ્યે અમારી વિઝા માટેની અપૉઇન્ટમેન્ટ હતી. મેં ઑફિસરને કહ્યું કે આ દરેક બાળક ભારતના ૫૦મા ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીમાં જવાનાં છે અને પોતાની કળાનું પ્રદર્શન કરવાનાં છે. તેમની પાસે આગળના પર્ફોર્મન્સનો કોઈ રેકૉર્ડ નથી. આ લોકો ટોટલી નવા છે એટલે એક નાની ઑર્કેસ્ટ્રાની જેમ ત્યાં દરેકે પર્ફર્મ કર્યું. કોઈ ગીત ગાશે, કોઈ ઇન્સ્ટ%મેન્ટ વગાડશે. આમ એક પછી એક બાળકોના વિઝા ઓ. કે. થતા ગયા. એક બાળક ડિસેબલ્ડ હતો. તે એકલો પ્રવાસ કરી શકે તેવી હાલતમાં નહોતો. તેની સાથે તેના કાકા આવ્યા હતા. તકલીફ એ હતી કે તેનો સ્પૉન્સરશિપનો લેટર અમારી પાસે નહોતો. જોકે આ બાળકોની ટૅલન્ટ જોઈને ઑફિસર એટલો ખુશ થઈ ગયો હતો કે તેણે કહ્યું, ‘ડોન્ટ વરી, હું તેને વિઝા આપું છું.’

ત્યાર બાદ પ્લેનની ટિકિટ માટેની માથાકૂટ શરૂ થઈ. ઍર ઇન્ડિયા અને બ્રિટિશ ઍરવેઝની ટિકિટો મળતી નહોતી. લુફ્થાન્સાની ટિકિટો ઘણી મોંઘી હતી. મારે તો કમિટમેન્ટ હતું એટલે અમેરિકા ગયા વિના છૂટકો નહોતો. આ ઉપરાંત મારે એકસાથે ૩૦ ટિકિટ જોઈતી હતી. હું લુફ્થાન્સા પાસે ગયો. મેં આખી વાતને અલગ રીતે રજૂ કરી. મેં મૅનેજરને પૂછ્યું,

‘તમે વર્ષોથી અહીં છો. ભારતના ૫૦મા ઇન્ડિપેન્ડન્સ ડે’ની ઉજવણીમાં શું કરવાના છો?’ પેલો કહે, ‘નોટ મચ, તમારી પાસે કોઈ સજેશન હોય તો કહો.’

 મેં કહ્યું, ‘અમારે બાળકો સાથે ઇન્ડિયાના પચાસમા ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી માટે અમેરિકા જવાનું છે. મારે એકસાથે ૩૦ ટિકિટ જોઈએ છે. મને તમારી બેસ્ટ પ્રાઇઝ આપો.’ એને મારી વાતમાં દમ લાગ્યો. તેણે વાજબી ભાવમાં એકસાથે ૩૦ ટિકિટ આપી; અને મારું કામ થઈ ગયું. તે એટલો હેલ્પફુલ હતો કે ફ્રેન્કફર્ટમાં અમારો પાંચ કલાકનો હૉલ્ટ હતો ત્યાં અમારા માટે વેઇટિંગ રૂમની સરસ વ્યવસ્થા કરી આપી. ન્યુ યૉર્કમાં તેમનો માણસ અમને એકસાથે ઇમિગ્રેશન થાય એ માટે મદદમાં આવી ગયો. ફ્લાઇટમાં મારી અને વાઇફની ઇકૉનૉમી ક્લાસની ટિકિટ અપગ્રેડ કરીને બિઝનેસ ક્લાસની કરી આપી. અમે અમેરિકામાં શો કરીને સીધા મુંબઈ પાછા ફરવાના હતા. બન્યું એવું કે મસ્કતમાં અમારો એક શો નક્કી થયો. એટલે અમારે મસ્કત હૉલ્ટ લઈને મુંબઈ પાછા આવવાનું નક્કી થયું, તો આ બાબતમાં પણ તેણે અમને મદદ કરી.

આ પણ વાંચો : કૉલમ: ગજરાજ અને માનવજાત વચ્ચે ખેલાઈ રહેલો લોહિયાળ જંગ ક્યાં જઈ અટકશે?

અમેરિકામાં અને મસ્કતમાં અમારા શો એટલા હિટ ગયા કે ત્યાર બાદ મેં અનેક વાર પરદેશની સફર કરી. કલ્યાણજીભાઈ લિટલ વન્ડર્સના શો ભારતમાં કરતા અને હું પરદેશ જતો ત્યારે લિટલ સ્ટાર્સ’ના બૅનરથી શો કરતો. આ બન્ને શોમાં અલગ અલગ બાળકો પર્ફોર્મ કરતાં. આ શો માટે અમે બાળકોને એવી ટ્રેઇનિંગ આપતા કે તેમનાં વાણી અને વર્તનના કારણે આપણા દેશનું નામ દુનિયાભરમાં રોશન થાય.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 11:52 AM IST | મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK