રાજકોટ: રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદનને લઈને જીતુ વાઘાણીનું પૂતળાદહન
મહિલા કોંગ્રેસે બાળ્યું જીતુ વાઘાણીનું પૂતળું (તસવીરો: બિપિન ટંકારિયા)
ભાજપના નેતા જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીને લઈને જે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, તેનો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં મહિલા કોંગ્રેસે જીતુ વાઘાણીના પૂતળાનું દહન કર્યું હતું. તેમાં કોંગ્રેસની ત્રણ મહિલાઓ હાથના ભાગમાં દાઝી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ પૂતળાદહન દરમિયાન જીતુ વાઘાણી માફી માંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
રાજકોટમાં મહિલા કોંગ્રેસનો વિરોધ
મહિલા કાર્યકરો પૂતળા પર હાથ વડે માર મારતી હતી. આ સમયે એક મહિલાએ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપતા જ્વાળા ભભૂકી ઉઠી હતી અને મહિલાના હાથ સાથે ચોટી હતી. આથી બધી મહિલાઓ દૂર હટી ગઇ હતી અને એક મહિલાના હાથમાં આગ હતી પરંતુ તેણે તુરંત જ હાથ ઝાપટતા આગ બૂઝી ગઇ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીનો ઘેરાવ કરવા ચિમકી ઉચ્ચારી છે. જેને લઇને ભાવનગર સ્થિત વાઘાણીના નિવાસસ્થાને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


