ચાર વર્ષમાં નહીં-નહીં તોય ચાર વાર બેવફાઈના કિસ્સા થયા પછી પણ તમે હજીયે એ જ માણસ તમને વફાદાર રહે એની અપેક્ષા રાખો છો એ ખોટી નથી લાગતી?
પ્રતીકાત્મક તસવીર
હું લગભગ ચાર વર્ષથી એક છોકરા સાથે રિલેશનશિપમાં છું - અમે કૉલેજમાં સાથે ભણતાં હતાં ત્યારથી. અત્યાર સુધીમાં મેં તેને ટૂ-ટાઇમિંગ કરતાં ત્રણ વાર પકડ્યો છે. દરેક વખતે તે માફી માગે અને હું પીગળી જાઉં. છ મહિના પહેલાં તેણે સામેથી બ્રેક-અપ કર્યું અને હું બહુ શક કરું છું એ કારણ આપ્યું. બહુ લાંબી ચર્ચા પછી તેણે મને કહેલું કે મારે તેના પર વિશ્વાસ રાખવાનો અને તે મારો ભરોસો નહીં તોડે. મહિના પહેલાં મને ખબર પડી કે તે ઑફિસની બીજી છોકરી સાથે ડેટ કરે છે અને પેલી છોકરીના ફેસબુક પર બન્નેના ફોટો છે. મારા બૉયફ્રેન્ડને કમિટેડ બનાવવા શું કરવું?
સંબંધોમાં એક વાત બહુ જ મહત્ત્વની છે અને એ છે તમે કેવી વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રાખો છો એની સ્પષ્ટતા હોવી. ચાર વર્ષમાં નહીં-નહીં તોય ચાર વાર બેવફાઈના કિસ્સા થયા પછી પણ તમે હજીયે એ જ માણસ તમને વફાદાર રહે એની અપેક્ષા રાખો છો એ ખોટી નથી લાગતી?
ADVERTISEMENT
જરાક ઉદાહરણથી સમજાવું. ધારો કે તમને માથું દુખે છે. તમે દોડીને બાજુની હાર્ડવેરની દુકાને જાઓ છો અને કહો છો કે પેઇનકિલર આપો. પેલો કહે છે કે અમે નથી રાખતા. તમે કહો છો કે એવું કેમ? મારા ઘરથી નજીક તમારી દુકાન છે તમારે પેઇનકિલર રાખવી જોઈએને? દુકાનદાર તમને ઓળખે છે એટલે કહે છે કે હવેથી રાખીશું, પણ અત્યારે નથી. ચાર દિવસ પછી તમને ફરી માથું દુખે છે અને તમે એ જ હાર્ડવેરવાળાને કહ્યું તમે હજી પેઇનકિલર રાખતા નથી? ફરી તે કહે છે કે ના, તમે મેડિકલમાં જાઓ. તમે સાંભળવા તૈયાર નથી. પંદર દિવસ પછી ફરીથી તમે હેડેક માટેની દવા લેવા હાર્ડવેરવાળા પાસે જાઓ છો અને જોર-જોરથી ઝઘડો કરો છો. તમે મને કમિટમેન્ટ આપેલું કે તમે હવેથી દવા લાવીને રાખશો, પણ કેમ હજી નથી લાવ્યા? એ વખતે પેલા દુકાનદારનું પણ મગજ ખરાબ હશે તે કહી દીધું કે નહીં રાખું, હવે પેઇનકિલર લેવા નહીં આવતા.
જો એ પછી પણ તમે ફરીથી દવા લેવા માટે એ જ દુકાને જાઓ તો અહીં ભૂલ કોની છે? આપણે જીવનમાં ક્યારેક ખોટી વ્યક્તિ પાસેથી અમુક અપેક્ષાઓ રાખીએ છીએ. એ વાત એક-બે અનુભવમાં આપણે ન સમજીએ અને એ અનુભવમાંથી ન શીખીએ તો નુકસાન આપણું જ છે


