'ચાલ જીવી લઈએ' બાદ હવે 'મોન્ટુની બિટ્ટુ'માં દેખાશે આરોહી
આરોહી પટેલ (તસવીર સૌજન્યઃઆરોહી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' હિટ સાબિત થઈ છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહીની એક્ટિંગ પણ વખણાઈ છે. ત્યારે ફિલ્મની સક્સેસ બાદ હવે આરોહી નવી ફિલ્મ પર કામ કરી રહી છે. આરોહીની નવી ફિલ્મ છે 'મોન્ટુની બિટ્ટુ'. અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું શૂટિંગ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યુ છે.

ADVERTISEMENT
ફિલ્મના મૂહુર્ત શોટમાં આખું ક્રૂ
'મોન્ટુની બિટ્ટુ' સાથે આરોહી ફરી પોતાની ડેબ્યુ ટીમ સાથે કામ કરી રહી છે. 'મોન્ટુની બિટ્ટુ'ને વિજયગિરી બાવા ડિરેક્ટ કરી રહ્યા છે. તો આરોહી સાથે લીડમાં મૌલિક જગદીશ નાયક અને પ્રેમજી ફેમ મેહુલ સોલંકી છે. સાથે જ આ ફિલ્મમાં હેપ્પી ભાવસાર, હેમાંગ શાહ, કૌશાંબી ભટ્ટ અને કિરણ જોશી પણ દેખાશે. તો આ જ ફિલ્મથી રામાનંદ સાગરની કૃષ્ણલીલા ફૅમ પિંકી પરીખ (રુક્મણિ) પણ લાંબા અરસા બાદ કમબેક કરી રહ્યા છે. આરોહીએ વિજયગિરી બાવાની જ ક્રિટિકલી એક્લેઈમ્ડ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વોરિયર'થી ડેબ્યુ કર્યો હતો.

રામ મોરીની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે 'મોન્ટુની બિટ્ટુ'
તો મોન્ટુની બિટ્ટુ એ 'મહોતુ' ફેમ લેખક રામ મોરીની પણ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ્સ રામ મોરીએ લખ્યા છે. તો સ્ક્રીન પ્લે પાર્થી ધોળકિયા સાથે મળીને રામે લખ્યા છે. આ ઉપરાંત મેહુલ સુરતીના સૂરીલા સંગીતનો પણ સાથ છે.
આ પણ વાંચોઃ BOX OFFICE:ચાર વીક બાદ પણ થિયેટર્સમાં અડીખમ છે Short Circuit
ફિલ્મમાં મોન્ટુ અને બિટ્ટુની સ્ટોરી છે. જેમાં બિટ્ટુ એક બેફિકરી યુવતી છે, જે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો મોન્ટુ તેનો બાળપણનો મિત્ર છે. બંનેની ફ્રેન્ડશિપ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. બિટ્ટુનો પરિવાર તેના લગ્ન કરાવવા ઈચ્છે છે. પણ બિટ્ટુના જીવનમાં કોણ આવે છે ? બાળપણના મિત્ર મોન્ટુની શું લાગણી છે. તેની વાર્તા એટલે મોન્ટુની બિટ્ટુ.
ફિલ્મના પહેલા શેડ્યુલનું શૂટિંગ અમદાવાદમાં શરૂ થઈ ચુક્યુ છે. અને 'મોન્ટુની બિટ્ટુ' આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.


