Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > હુસ્ન કે બાઝાર મેં હવસ કા મેલા હૈ શાયદ ઇસલિએ ચાંદ આજ ભી અકેલા હૈ

હુસ્ન કે બાઝાર મેં હવસ કા મેલા હૈ શાયદ ઇસલિએ ચાંદ આજ ભી અકેલા હૈ

28 February, 2024 11:54 AM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

તિષ્ય રક્ષિતા એટલી બધી સુંદર, માસૂમ અને લાવણ્યમયી હતી કે તેને તાલીમ આપનાર ગુરુ વિષકન્યા તેના પ્રેમમાં પડી ગઈ અને દીકરીની જેમ ઉછેરવા લાગી.

તિષ્ય રક્ષિતાની તસવીર

માણસ એક રંગ અનેક

તિષ્ય રક્ષિતાની તસવીર


પ્રવીણભાઈ, મારી પૌત્રીનું નામ ‘તિષ્ય રક્ષિતા’ પાડવાનું વિચાર્યું છે. અમને બધાને કંઈક નવું, નોખું, વજનદાર અને બહુ ઓછું જાણીતું નામ લાગ્યું છે, તમને કેવું લાગ્યું? ઘડીભર હું મૂંઝાઈ ગયો, પણ પછી મારા સ્વભાવ પ્રમાણે મોઢામાંથી શબ્દો સરી પડ્યા,‘નામ સારું છે, પણ બદનામ છે. કૈકેયી, મંથરા, સુપર્ણખા કરતાં પણ વધારે બદનામ, વધારે કલંકિત. હું મારી પૌત્રીનું આ નામ ન પાડું, તમારે પાડવું હોય તો તમારી મરજી.’ મેં મારા મિત્રને સ્પષ્ટ જવાબ આપ્યો. હવે મૂંઝાવાનો વારો તેમનો હતો. સ્વસ્થ થઈ મિત્રે તિષ્ય રક્ષિતા નામનું રહસ્ય જાણવાનો આગ્રહ કર્યો. મેં વાત માંડી. 


મગધસમ્રાટ ચક્રવર્તી રાજા અશોકના સમયની આ વાત છે. કલિંગના યુદ્ધના ભીષણ રક્તપાતથી વિચલિત થઈ ગયેલા રાજા અશોકે ભગવાન બુદ્ધને શરણે જઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એ જ સમયે શ્રીલંકામાં તિષ્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. એ સર્વગુણ સંપન્ન હતો. પ્રજામાં પ્રિય હતો, રાજકારણમાં બાહોશ હતો. રાજ્યની સુખાકારી માટે તેણે અનેક યોજનાઓ બનાવી હતી. એમાંની એક યોજના જે રાજ્યના સંરક્ષણ માટેની હતી એ ગુપ્તચર વિભાગની હતી. જાસૂસી વિભાગ. 



ગુપ્તચર વિભાગમાં માત્ર પુરુષો જ નહોતા, સ્ત્રીઓનો સમાવેશ પણ હતો. એ બધી વિષકન્યાઓ તરીકે ઓળખાતી. આ વિષકન્યાઓ મોટા ભાગે વારાંગના-વેશ્યાઓ હતી. ચપળ, ચતુર, બહાદુર પણ. બધી રૂપવંતી વારાંગનાઓ રસ્તા પર કોઈ નનામી જતી હોય તો મડદાને પણ બેઘડી ઊઠીને જોવાનું મન થઈ જાય એવી રૂપવંતીઓ. જે વારાંગનાને નાની બાળકી હોય ને તે સુંદર, ચપળ, ચતુર હોય તેને નાનપણથી જ વિષકન્યા બનાવવાના પાઠ શીખવવામાં આવતા, શરૂઆતથી જ નાની માત્રામાં. ઝેર પીવાની ને પચાવવાની તાલીમ આપવામાં આવતી. નૃત્ય, ગીત-સંગીત, વાકછટામાં પણ પારંગત કરવામાં આવતી. સામેવાળા કોઈ પણ પુરુષ કે વ્યક્તિને સંમોહિત કરવાની કળા અવગત કરાવવામાં આવતી. આ કળા દુશ્મન રાજ્યના ધુરંધરોને વશ કરી અમૂલ્ય માહિતી મેળવવામાં કરવામાં આવતી. 


તિષ્ય રક્ષિતા આવી જ એક વિષકન્યા હતી. તે નાનપણમાં તાલીમ લેતી ત્યારે તેનું નામ તિષ્ય રક્ષિતા નહોતું. ગણિકા પુત્રી તરીકે જ ઓળખાતી. ન નામ. ન ઘર, ન પરિવાર. તેને તૈયાર કરનારી, તાલીમ આપનારી ભૂતપૂર્વ વિષકન્યા જ હતી.  તિષ્ય રક્ષિતા એટલી બધી સુંદર, માસૂમ અને લાવણ્યમયી હતી કે તેને તાલીમ આપનાર ગુરુ વિષકન્યા તેના પ્રેમમાં પડી ગઈ અને દીકરીની જેમ ઉછેરવા લાગી. એમાં પણ તેનો એક સ્વાર્થ હતો. યૌવનના ઉંબરે આવેલી આ અપ્રતિમ રૂપમોહિનીને રાજાના સંપર્કમાં લાવીને તેની પાછલી જિંદગી સુરક્ષિત કરવા માગતી હતી અને એને માટે તેણે એક યોજના પણ ઘડી કાઢી. 

તિષ્ય રાજા નિયમિત રીતે રાજબાગમાં ફરવા જતા હતા. એક વાર ટહેલતા હતા ત્યાં નાગે તેમને દંશ દીધો. રાજા ઢળી પડ્યા. યોજના મુજબ તિષ્ય રક્ષિતા દોડતી ત્યાં આવી. નાગદંશનું વિષ ચૂસી લીધું ને રાજાનો જીવ બચાવ્યો. ચારે બાજુ તિષ્ય રક્ષિતાનો જય જયકાર થયો. ગુરુમાએ તિષ્ય રક્ષિતાની ઓળખાણ રાજા સાથે કરાવી. રાજાએ મોટું ઇનામ આપ્યું, એટલું જ નહીં, એ વિષકન્યાને નામ પણ આપ્યું, ‘તિષ્ય રક્ષિતા’. સાથે તેને અને ગુરુમાને રાજભવનમાં સ્થાન આપ્યું. ગુરુમાની યોજના કારગત નીવડી.


રાજભવનમાં પ્રવેશ્યા પછી ગુરુમાના પ્રયત્ન હતા કે તિષ્ય રક્ષિતા રાજાને મોહવશ કરે. હકીકતમાં તો પહેલી વાર તિષ્ય રક્ષિતાને જોતાવેંત જ રાજા તિષ્ય ઘાયલ થઈ ગયા હતા એ ગુરુમા પામી ગયાં હતાં. તિષ્ય રક્ષિતા તો હતી જ એવી રૂપ-રૂપનો અંબાર. વેધક આંખો, કાળા ભમ્મર લાંબા વાળ, ગુલાબી ગાલ, મતવાલી ચાલ, તેના અંગેઅંગમાં નર્તન હતું, તેના એક ઇશારા પર પુરુષ ફના થઈ જાય એવી તેનામાં મસ્તી હતી, પણ.... પણ તિષ્ય રાજા માત્ર પુરુષ જ નહોતો, રાજા હતો, પ્રજાવત્સલ હતો. તેણે જોયું કે તેની અને તિષ્ય રક્ષિતાની ઉમરમાં બહુ લાંબો ફેર છે. વળી પોતે જો તેને પરણે, રાણી બનાવે તો પ્રજામાં ખોટો દાખલો બેસે, તેની લોકપ્રિયતામાં ઓટ આવે. અગમચેતી વાપરી, પોતાની જાતને કાબૂમાં રાખી તિષ્ય રક્ષિતાને તેણે દીકરી તરીકે અપનાવી લીધી. ગુરુમાને એથી કોઈ ફેર પડતો નહોતો. તેને તો જે જોઈતું હતું એ મળી ગયું હતું. 

આ જ અરસામાં સમ્રાટ અશોકે બુદ્ધના શરણે જઈ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, એટલું જ નહીં, અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા પણ પૂરેપૂરા બુદ્ધના રંગે રંગાઈ જઈ દેશ-વિદેશ બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારના કાર્યમાં લાગી ગયા હતા. એવી એક સફરના અંતે તેઓ શ્રીલંકા-તિષ્ય રાજાના મહેમાન બન્યા. રાજા તિષ્યને બૌદ્ધ ધર્મથી પ્રભાવિત કર્યા. તિષ્યએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. સર્વત્ર ખુશીની લહેર ફેલાઈ ગઈ. રાજાને સંપૂર્ણપણે દીક્ષિત કર્યા પછી બન્ને ભાઈ-બહેને મગધ પાછાં ફરવાની અનુમતિ માગી. વિદાય વેળાએ રાજાએ મગધ સમ્રાટ અશોક માટે જાતજાતની, ભાતભાતની અનેક મૂલ્યવાન ભેટ આપી, પણ એક ભેટ એવી હતી જેનું કોઈ મૂલ્ય થઈ શકે એમ નહોતું, એ અમૂલ્ય હતી, બહુમૂલ્ય હતી, એ હતી તિષ્ય રક્ષિતા!!

મગધના દરબારમાં આ બધી ભેટોને પ્રદર્શિત કરવામાં આવી, પણ સમગ્ર દરબારની આંખો તો તિષ્ય રક્ષિતાને જોવામાં જ લીન થઈ ગઈ હતી. સમસ્ત દરબાર તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો, મંત્રમુગ્ધ બની ગયો, માનો કે રૂપના નશામાં બેહોશ થઈ ગયો. પુત્ર મહેન્દ્રએ જ્યારે તિષ્ય રાજાને દીક્ષિત કેવી રીતે કર્યા એ સાંભળવામાં દરબારને તો શું ખુદ રાજા અશોકને પણ ભાન ન રહ્યું. 
મગધના રાજા અશોકને અસંખ્ય રાણીઓ હતી. બધી રૂપ-રૂપના અંબાર જેવી હતી. એમાં ચાર રાણીઓ મુખ્ય હતી દેવી, કૌરવકી, અસંઘીમિત્રા અને પદ્‍મિની. અસંઘીમિત્રા પટરાણી હતી, તેનું સ્થાન કોઈ ન લઈ શકે. એવી પ્રભાવશાળી અને પૂર્ણ સ્વરૂપવાન હતી, છતાં રાજા અશોક તિષ્ય રક્ષિતાને જોતાવેંત જ ચળી ગયા. તિષ્ય રક્ષિતાએ જ્યારે રાજાના ચરણસ્પર્શ કર્યા કે અશોકની ત્વચાની ભેખડો જોતજોતામાં તૂટી પડી, સ્પર્શની ઘટના પછી તેનું લોહી તોફાને ચડ્યું. પદ, પ્રતિષ્ઠા, ઉંમર બધું ભૂલી ગયા અને તિષ્ય રક્ષિતા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું બસ. એ નિર્ણયે મગધના પતન ન પાયો નાખી દીધો. કઈ રીતે? આવતા સપ્તાહે...

સમાપન
પ્રેમ સર્વ દુખોં કા મારણ હૈ 
વાસના બરબાદિયોં કા કારણ હૈ! 

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 11:54 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK