Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૉલીવુડના સંગીતકારોનો ફેવરિટ છે આ ડ્રમર

બૉલીવુડના સંગીતકારોનો ફેવરિટ છે આ ડ્રમર

06 June, 2024 11:45 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ભારતના યંગેસ્ટ ડ્રમર તરીકે ૧૧ વર્ષની ઉંમરે ​લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાવનાર દર્શન દોશી જગતભરમાં ૩૦૦૦થી પણ વધુ લાઇવ શો કરી ચૂક્યો છે. જાણીએ તેની મ્યુ​ઝિકલ જર્ની વિશે

દર્શન દોશી

દર્શન દોશી


અને ઇન્ડિયન ક્લાસિકલ, કન્ટેમ્પરરી જૅઝ અને પ્રોગેસિવ રૉક જેવા મ્યુઝિકમાં પણ તે મહારથી છે. જુહુમાં રહેતો દર્શન દોશી હાલમાં કેપટાઉનમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ જૅઝ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરનારો એકમાત્ર ભારતીય કલાકાર હતો. આંતરરાષ્ટ્રીય કલાકારોના મેળામાં તેણે પોતાની કળાના દમ પર સારી નામના કમાણી. ભારતના યંગેસ્ટ ડ્રમર તરીકે ૧૧ વર્ષની ઉંમરે ​લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નામ નોંધાવનાર દર્શન દોશી જગતભરમાં ૩૦૦૦થી પણ વધુ લાઇવ શો કરી ચૂક્યો છે. જાણીએ તેની મ્યુ​ઝિકલ જર્ની વિશે

ત્રીજી મેએ કેપટાઉનમાં યોજાયેલા જૅઝ મ્યુઝિકના એક ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં એક બૅન્ડે ખૂબ ધૂમ મચાવી. એ બૅન્ડનું નામ હતું દર્શન દોશી ટ્રાયો. આ બૅન્ડ જેના નામ પર છે તે દર્શન દોશી ભારતીય ડ્રમર છે. અમેરિકાના માર્ક હાર્ટસચ અને ટોની ગ્રે જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે મળીને પર્ફોર્મ કરનાર દર્શન દોશી આ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી આવેલા જૅઝ સંગીતના આલા દરજ્જાના કલાકારો વચ્ચે એકમાત્ર ગુજરાતી નહીં, એકમાત્ર ભારતીય કલાકાર હતો. આ ફેસ્ટિવલમાં તેના ડ્રમના તાલે તેણે લોકોને મંત્રમુગ્ધ કર્યા એટલું જ નહીં, જૅઝના પંડિતોએ પણ માન્યું કે આ ભારતીય કલાકારનું ગજું ખાસ્સું ઊંચું આંકવું રહ્યું.બૉલીવુડની ૧૦૦થી પણ વધારે ફિલ્મોના મ્યુઝિકમાં પોતાની ટૅલન્ટ દેખાડનાર; ૩૦૦૦થી પણ વધુ લાઇવ શો કરનાર; ભારતમાં જ નહીં, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, UAE, સિંગાપોર, ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોમાં પણ પર્ફોર્મ કરનાર દર્શન દોશી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું જાણીતું નામ છે. હાલમાં ૩૮ વર્ષના દર્શને એ. આર. રહેમાન, અમિત ત્રિવેદી, શંકર એહસાન લૉય, પ્રીતમ, સલીમ સુલેમાન, વિશાલ-શેખર ફરહાન અખ્તર, અદનાન સમી, દિલજિત દોસંજ જેવા જાણીતા કલાકારો સાથે પ્રોફેશનલ રેકૉર્ડિંગ્સ જ નહીં; સ્ટેજ-શો અને વર્લ્ડ-ટૂર પણ કર્યાં છે. તેની સંગીતરૂપી થાળી એક ગુજરાતી રસથાળ સમાન છે જેમાં બૉલીવુડના પૉપ્યુલર મ્યુઝિકથી માંડીને ઇન્ડિયન ક્લાસિકલ ફ્યુઝન સુધી, કન્ટેમ્પરરી જૅઝ મ્યુઝિકથી લઈને પ્રોગ્રેસિવ રૉક મ્યુઝિક સુધી વૈવિધ્યપૂર્ણ રસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે જાણીએ તેની મ્યુઝિકલ જર્ની વિશે.


DNAમાં સંગીત

જુહુમાં છેલ્લાં ૪૫ વર્ષથી મનોરંજન મ્યુઝિક ઍકૅડેમી ચલાવી રહેલા શૈલેષ દોશી ખુદ ઘણા સારા ડ્રમર છે. તેમના


દીકરા દર્શનના DNAમાં જ સંગીત હોય એમ બે વર્ષની નાની ઉંમરથી તેણે સંગીતનો હાથ પકડી લીધો હતો. સામાન્ય રીતે આટલી નાની ઉંમરથી ડ્રમ જેવું અઘરું વાદ્ય કોઈ બાળકને શીખવવામાં ન આવે, પરંતુ ઘરમાં પપ્પા કરે એ કરવાનું મન દરેક બાળકને હોય જ. એમ બાળઇચ્છાને માન આપીને શૈલેષભાઈએ દર્શનના નાનકડા હાથમાં ડ્રમની સ્ટિક પકડાવી દીધી હતી. કલ્યાણજી-આનંદજીના લિટલ વન્ડર્સ ગ્રુપમાં દર્શન નાનપણથી જ હતો અને તેમની સાથે પર્ફોર્મ કરતો. ખૂબ નાની ઉંમરમાં એક સોલો ડ્રમર તરીકે પર્ફોર્મ કરવાનું તેણે શરૂ કરી દીધું હતું જેને કારણે ૧૯૯૭માં ૧૧ વર્ષની નાની ઉંમરે યંગેસ્ટ ડ્રમર ઑફ ઇન્ડિયા તરીકે ​લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં તેનું નામ નોંધાયું હતું. નાનપણ વિશે વાત કરતાં દર્શન દોશી કહે છે, ‘બેઝિક ટ્રેઇનિંગ મેં પપ્પા પાસેથી લીધી. એ પછી પંકજ શર્મા અને લેસ્ટર ગુડિન્હો પાસે ડ્રમ શીખ્યો. હું તબલાં પણ શીખ્યો છું, કારણ કે તાલ વાદ્યોમાં વેસ્ટર્ન ક્લાસિકલ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતની સમજ પણ હોવી જોઈએ. એ પછી સિતારાદેવીના પુત્ર અને ખ્યાતનામ એવા રંજિત બારોટ પાસેથી પણ હું ઘણું શીખ્યો.’

૧૮ વર્ષે બૉલીવુડમાં કામ શરૂ

ઉત્પલ સંઘવી સ્કૂલમાંથી ભણીને મીઠીબાઈ કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કરનાર દર્શનને કૉલેજમાં પાર્થિવ ગોહિલનો સાથ મળ્યો. કૉલેજમાં તેમણે એક બૅન્ડ બનાવીને અલગ-અલગ જગ્યાએ પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું. આકૃતિ અને ડિફાઇનિંગ ગ્રૅવિટી નામનાં આ બૅન્ડ કરીઅરની શરૂઆતમાં તેમણે બનાવ્યાં હતાં જે પ્રોફેશનલ જીવનનું પહેલું પગ​થિયું કહી શકાય. આ દિવસોને યાદ કરતાં દર્શન કહે છે, ‘એક દિવસ આવા જ એક પ્રોગ્રામમાં બૉલીવુડના જાણીતા સંગીતકાર મૉન્ટી શર્મા આવેલા. પ્રોગ્રામ પતી ગયા પછી તેઓ મને મળ્યા અને તેમનું કાર્ડ આપીને કહ્યું કે કાલે આ જગ્યાએ મળજે તું મને. હું ગયો, પણ મને કોઈ અંદાજ જ નહીં કે ત્યાં શું હશે. સંજય લીલા ભણસાલી ત્યાં બેઠા હતા અને તેઓ બન્ને ‘બ્લૅક’ ફિલ્મના મ્યુઝિક પર કામ કરી રહ્યા હતા. એમાં એક જ ગીત હતું અને તેમણે મને એ ઑફર કર્યું. આમ ૧૮ વર્ષની ઉંમરે મેં બૉલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું એમ કહી શકાય.’

નવું-નવું સંગીત

એ પછી તો ‘રૉક ઑન’, ‘ધૂમ-2’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘ક્વીન’, ‘સીક્રેટ સુપરસ્ટાર’ જેવી ઘણી જાણીતી ફિલ્મોમાં જુદા-જુદા મ્યુઝિક-ડિરેક્ટર્સ સાથે દર્શને કામ કર્યું. સલીમ સુલેમાન, શંકર એહસાન લૉય અને એ. આર. રહેમાન જેવા દિગ્ગ્જ્જો સાથે તેણે દુનિયાભરમાં મ્યુઝિકના લાઇવ શો કર્યા છે અને કરી પણ રહ્યા છે. કોક સ્ટુડિયો ઇન્ડિયા અને MTV પ્લગ્ડ જેવા જાણીતા મ્યુઝિક પ્લટફૉર્મ પર પણ ઘણી વાર પર્ફોર્મ કરી ચૂકેલા દર્શન દોશીએ ૧૦ વર્ષ પહેલાં પોતાના બૅન્ડ દર્શન દોશી ટ્રાયોની શરૂઆત કરી. તેનાં પલ્સ, તત્ત્વ, મુંબઈ મૂવમેન્ટ, ડાર્ક મૅટર, ટ્રીપી ટ્રૅપ, ટ્રિપલ ટ્રીટ, જાદુ, ટૂર ફોર વન નામનાં ઘણાં આલબમ પણ બહાર પડ્યાં છે. પોતાના કામ વિશે વાત કરતાં દર્શન કહે છે, ‘ડ્રમ એક વાદ્ય છે જે જુદા-જુદા પ્રકારના સંગીતમાં ભેળવી શકાય છે. મેં ઝાકિર હુસૈન અને નીલાદ્રિ કુમાર જેવા શાસ્ત્રીય સંગીતજ્ઞો સાથે પણ કામ કર્યું છે. અમે સાથે ફ્યુઝન બનાવતા હતા. બૉલીવુડમાં જે પ્રકારનું પૉપ્યુલર મ્યુઝિક ચાલે છે એમાં પણ કામ કર્યું છે. એને લઈને ઘણા શો કર્યા છે અને કરીએ પણ છીએ. છેલ્લા ઘણા સમયથી હું જૅઝ મ્યુઝિકના શો પણ કરું છું. રૉક મ્યુઝિક પણ મને ગમે છે એટલે એ પણ વગાડું છું. આમ કોઈ પણ એક પ્રકારના સંગીતમાં બંધાવું નથી મને. નવું-નવું સતત ટ્રાય કરવાની મજા આવે છે અને એ હું કરતો જ રહીશ.’

વાદ્ય સંગીત

ભારતમાં પૉપ્યુલર સંગીત તરીકે હંમેશાં ગીતો રહ્યાં છે. બૉલીવુડ હોય કે લોકસંગીત, શબ્દો સાથે સંગીત પીરસાય એ લોકોને ગમે છે. વાદ્ય સંગીતમાં શબ્દો હોતા નથી એટલે ફક્ત વાદ્ય સંગીતના શો જેટલા પાશ્ચાત્ય દેશોમાં થાય છે અને લોકોને ગમે છે એટલા પ્રમાણમાં અહીં નથી. આ પરિસ્થિતિમાં તમે જ્યારે વાદ્ય સંગીતના શો કરો છો ત્યારે કેવો અનુભવ રહે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં દર્શન કહે છે, ‘ખરી વાત છે. ભારતમાં પહેલેથી સંગીત એટલે ગાવું. કોઈ ગાતું હોય, શબ્દો હોય એવું સંગીત લોકોને વધુ ગમે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શબ્દોને વધુ મહત્ત્વ નથી અપાયું, પરંતુ પૉપ્યુલર સંગીતમાં હંમેશાં શબ્દોનું મહત્ત્વ રહ્યું છે. એક કળા એવી હોય જેમાં લોકોને જે ગમે છે એ તમે આપો છો, પરંતુ એક કળા એવી પણ છે જેનાથી તમારે તમારું ઑડિયન્સ કેળવવાનું હોય. આપણે ત્યાં એક પણ રેડિયો-સ્ટેશન બીજા પ્રકારનું સંગીત વગાડતું જ નથી. બધા ફક્ત બૉલીવુડ જ વગાડે છે. લોકોને સાંભળવાની આદત પાડવી જરૂરી છે. અમે જ્યારે બૉલીવુડના શો કરીએ ત્યારે હજારો-લાખોની સંખ્યામાં પ્રેક્ષકો અમારા સ્ટેજ-શોમાં આવે છે. એની સામે જૅઝના શોઝમાં ૧૫૦થી ૨૦૦ જણ જ હોય. આમ છતાં અમે શો કરીએ છીએ, કારણ કે આ શો અમારી અંદરના કલાકારને સંતોષ આપે છે. ધીમે-ધીમે લોકો સુધી અમારું સંગીત પહોંચશે અને શ્રોતાઓ વધશે એવી અમને આશા છે.’

સંગીતની આજ

ડ્રમ જેવું વાદ્ય દેખાવમાં ઘણું આકર્ષક લાગે છે, પરંતુ ઘણી જ મહેનત માગી લે છે. વળી સંગીત જેવું ફીલ્ડ જેમાં હજારે એક વ્યક્તિને માંડ સફળતા મળતી હોય એમાં કલાકારોની આજની પરિસ્થિતિ કેવી છે એ સમજાવતાં દર્શન દોશી કહે છે, ‘લોકો માને છે કે સંગીતમાં ટૅલન્ટ જરૂરી છે. એ વાત સાચી, કારણ કે તમારી અંદર જ જો સંગીત નહીં હોય તો તમે ગમે એટલી મહેનત કરશો તમને સફળતા નહીં મળી શકે; પરંતુ જો તમારી અંદર સંગીત છે

તો યોગ્ય ગુરુ અને અઢળક મહેનત અત્યંત જરૂરી છે. ફક્ત ટૅલન્ટથી કશું નથી થતું.’

એક વખત સફળતા મળી એ પછી કલાકારો આજના રમતવીર કે ઍક્ટર્સથી ઓછા અંકાતા નથી. પોતે એક ડ્રમર તો છે જ, પરંતુ વાદ્યો બનાવતી ઘણી કંપનીઓને તે એન્ડૉર્સ પણ કરે છે. એ વિશે વાત કરતાં દર્શન દોશી કહે છે, ‘વાદ્યો બનાવતી કંપની અમારી સાથે એવા કૉન્ટ્રૅક્ટ કરતી હોય છે કે અમે જ્યારે પણ જ્યાં પણ વગાડીશું ત્યાં એમનાં જ વાદ્યો હોવાં જોઈએ. મારી જાણ મુજબ છેલ્લાં ૧૫ વર્ષથી ભારતમાં આ વ્યવસ્થા ચાલે છે. મારા નામની કે મારી સિગ્નેચર કરેલી સ્ટિક્સ પણ વેચાય છે. ઘણા લોકોને લાગે છે કે સંગીતમાં આલબમ રેકૉર્ડ કરો કે સ્ટેજ-શો કરો, એના સિવાય બીજું કશું નથી; પરંતુ તમારી પ્રસિદ્ધિ પર આગળની વસ્તુઓ પણ છે જે નિર્ભર કરે છે.‘

મને મળ્યું, હું દઈશ

દર્શનના પપ્પાની સંગીત ઇન્સ્ટિટ્યૂટ છે એટલે દર્શનને સહજ રીતે સંગીત શીખવાની સાથે-સાથે શીખવવાની પણ ઇચ્છા હોય જ. દર્શન ખૂબ યુવાન વયથી એક ટીચર તરીકે પણ કાર્યરત છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘સંગીતમાં એ વર્ષો જૂની પરંપરા છે. આ કળા એવી છે કે તમને આવડે એટલે તમારે બીજાને શીખવવી જરૂરી છે. મોટા-મોટા ગુરુઓ અને સંગીતજ્ઞોએ આ નિયમ અનુસર્યો છે. જોકે આજના સમયમાં ફક્ત સંગીત શીખવવું જ પૂરતું નથી. આટલાં વર્ષોથી જે સંગીત હું શીખું છું એ તો મારે બીજા નવા વિદ્યાર્થીઓને શીખવવું જ જોઈએ; પરંતુ એ સિવાય એક પ્રોફેશનલ તરીકે મને લાગે છે કે મારે નવા આવતા કલાકારો સાથે આ કામ પ્રોફેશનલી કઈ રીતે કરવું, એનો રસ્તો શું છે, કઈ રીતે અહીં સુધી પહોંચી શકાય એ માર્ગ વિશે પણ વાત કરવી જ જોઈએ; કારણ કે ઘણી વાર બાળકો ખૂબ મૂંઝાતાં હોય છે. સંગીત જેવા ક્ષેત્રમાં વિદ્યાર્થી સારું શીખે અને તેણે જે શીખ્યું છે એ દુનિયા સુધી પહોંચે, તેની ગણના થાય એ પણ એટલું જ જરૂરી છે જે હું નવા વિદ્યાર્થીઓને શીખવવા માગું છુ.’

ડ્રમ-કૅમ્પ્સ

પાશ્ચાત્ય દેશોનો એક કન્સેપ્ટ દર્શનને ખૂબ ગમ્યો હતો જે પહેલી વાર ભારતમાં તે લઈને આવ્યો હતો એ વિશે વાત કરતાં તે કહે છે, ‘ભારતની બહાર ડ્રમ-કૅમ્પ્સ થતા હોય છે જેમાં ૩૦ ડ્રમર્સ એક જગ્યાએ ભેગા થાય અને તેમના મેન્ટર્સ સાથે ત્રણ-ચાર દિવસ રહે. આપણી ગુરુ-શિષ્ય પરંપરામાં પણ એવું જ હતું. ત્રણ-ચાર દિવસ નહીં, વર્ષોનાં વર્ષો તેમની પાસે રહીને જ શીખવાનું હતું. ૨૦૧૯માં મેં આ પ્રયોગ કરેલો. લોનાવલામાં મેં ત્રણ દિવસ માટે ૩૦ ડ્રમર્સને ભેગા કરેલા. તેમને મેં કઈ રીતે કામ શરૂ કર્યું, આગળ વધવા કે કામ કરવા શું જરૂરી છે, કઈ દિશા પકડવી જોઈએ જેવી અઢળક વાતો કરી જે તેમને ખૂબ જ ઉપયોગી લાગી. સાચું કહું તો જેને તમે શીખવ્યું હોય કે માર્ગદર્શન આપ્યું હોય તે વ્યક્તિને આગળ વધતી જોઈને, પ્રોફેશનલ કામ કરતી જોઈને જે આનંદ થાય છે એનો કોઈ જોટો નથી. મને લાગે છે કે એક પ્રોફેશનલ તરીકે પણ મારી એ ફરજ છે કે નવાં આવતાં બાળકો જેમને આ બાબતે પૂરતી જાણકારી નથી તેમને માર્ગદર્શન આપવું એ મારી ફરજ ગણાય. એટલું મારે એ કરવું જ જોઈએ.’

પોતાના ભવિષ્યના પ્લાન વિશે જણાવતાં દર્શન કહે છે, ‘અમે ઇચ્છીએ છીએ કે જૅઝ સંગીતમાં ભારતનું નામ રોશન કરીએ. જુદી-જુદી જગ્યાએ અમારા બૅન્ડને લઈને પર્ફોર્મ કરવાની ઇચ્છા છે. બાકી સંગીતની દુનિયામાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે. આજીવન શીખવું જરૂરી છે એટલે હું શીખતો રહીશ, જુદું-જુદું સંગીત અજમાવતો રહીશ અને જે પણ શીખીશ એ બીજાને શીખવતો રહીશ.’

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 11:45 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK