મોટા ભાગના પુરુષો માને છે કે સ્ત્રીઓને ખુશ કરવી અઘરી છે. હકીકત એ છે કે સ્ત્રીઓની ખુશી મોટી બાબતોમાં નહીં, નાની-નાની બાબતોમાં સમાયેલી છે. સવારમાં જો અલાર્મ વાગે એ પહેલાં આંખ જાતે ખૂલી જાય તો, ઑનલાઇન શૉપિંગમાંથી ખરીદેલો કુરતો એક દિવસ વહેલો આવી જાય..
સ્ત્રીઓની ખુશી મોટી બાબતોમાં નહીં, નાની-નાની બાબતોમાં સમાયેલી છે
ઘણા પુરુષોનું માનવું છે કે સ્ત્રીઓને ખુશ કરવી ખૂબ જ અઘરી છે. એમની એક મોટી ફરિયાદ એ હોય છે કે સ્ત્રીઓ નાની-નાની વાતે રિસાઈ જતી કે કઈ વાત જ ન હોય તોય ખોટું માની જતી હોય છે. ઝટ દઈને તેની આંખોમાં આંસુ આવી જતાં હોય છે. આમાં સ્ત્રીઓને ખુશ રાખવી હોય તો રાખવી કેમ? આ વાતનો સાચો જવાબ એ વ્યક્તિ જાણે છે જે સ્ત્રીને ખૂબ નજીકથી ઓળખતું હોય. તેને નજીકથી ઓળખવા માટે તેનું ખરું નિરીક્ષણ કરવું જરૂરી છે. સ્ત્રી ખુશ ક્યારે થાય છે? સવારમાં જો અલાર્મ વાગે એ પહેલા આંખ જાતે ખૂલી જાય તો, રસોડામાં દૂધ ઊભરાય એ પહેલાં બંધ કરી શકાય તો, સવારની ભડ-ભડમાં બનાવેલો નાસ્તો; જે સારો બનશે એની જરાય આશા ન હોય એ એકદમ ક્લાસિક બની જાય તો, ઑનલાઇન શૉપિંગમાંથી ખરીદેલો કુરતો એક દિવસ વહેલો આવી જાય તો, ૧૦ વર્ષ જૂનું જીન્સ પહેરે અને એકદમ સરસ ફિટ આવે તો, ખૂબ જ મોડું થતું હોય અને લાઇનર એક જ વારમાં પર્ફેક્ટ થઈ જાય તો, જે દિવસે કામવાળી ન આવવાની હોય અને એ જ દિવસે અચાનક બહાર જમવાનો પ્લાન બની જાય તો, બે કલાક તૈયાર થયાની મહેનત પછી કોઈ એક ફોટો સારો પાડી આપે તો, ૧ વર્ષનું નાનું બાળક આખી રાત શાંતિથી સૂઈ રહે તો કે પછી ૨૧ વર્ષનો દીકરો રાત્રે ૧૨ વાગ્યાનું કહીને ગયો હોય અને ૧૦ વાગ્યે જ ઘરે આવી જાય તો, સાસુના મોઢે ભૂલથી નીકળી જાય કે શીરો સારો બન્યો છે તો, સસરાના મોઢે દરરોજ વહુ સાંભળતા હોય અને અચાનક વહુબેટા સાંભળવા મળે તો, સાંજના સમયે એક કપ ચા કોઈ સામેથી બનાવી આપે તો, જ્યારે ઘરના લોકો કે મિત્રો ક્યારેક કહ્યા વગર જ તેના મનની વાત સમજી જાય તો... સ્ત્રીઓના ખુશ થવાનાં આ કારણોનું લિસ્ટ અત્યંત લાંબું બની શકે છે. બધાં કારણો લખવાં હોય તો આ લેખ તો શું, આખું પુસ્તક પણ ઓછું પડે.
ક્ષુલ્લક બાબતો
હકીકત એ છે કે સ્ત્રીઓને ખુશ કરવી ખૂબ જ સરળ છે, કારણ કે સ્ત્રીઓ પોતાની ખુશી નાની-નાની બાબતોમાં શોધી લેતી હોય છે. ઘરગથ્થુ હોય કે કમાઉ, નાનકડી દીકરી હોય કે ૮૦ વર્ષનાં બા; આ બધાંને ખુશ થવા માટે મોટી બાબતોની જરૂર રહેતી નથી. બને કે બીજાને મન ક્ષુલ્લક લાગતી બાબતો હોય, પણ સ્ત્રી માટે એ તેના રાજીપાનું કારણ હોઈ શકે છે. આ વાત સાથે સહમત થતાં SNDT મહિલા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ દર્શના ઓઝા કહે છે, ‘સ્ત્રીનું મન કોમળ હોય છે. પ્રકૃતિ સાથે પણ એ એટલે જ જલદી જોડાઈ જતી હોય છે. મારી વાત કરું તો ફક્ત બારી પાસે પાંચ મિનિટ ઊભી રહીને સામેના ઝાડનાં પાંદડાંઓના અલગ-અલગ દેખાતા લીલા રંગની ઝાંય જોવા કે એમાંથી ટપકતા પાણીને પાંચ મિનિટ નીરખ્યા કરું એટલી વારમાં જ હું ખુશ થઈ જતી હોઉં છું. ખીચડી સાથે બટેટાની કતરણ થાળીમાં હોય તો આપણે ખુશ. સ્વાસ્થ્યને કારણે અથાણાં ખાવાની મનાઈ છે પણ નવાં-નવાં અથાણાં ચાખવાનો મને ભારે શોખ એટલે જરા જેટલું પણ લઈને ચાખ્યું હોય તો હું મલકી ઊઠું. ક્યારેક મને જ આશ્ચર્ય થતું હોય છે કે કેવી નાની બાબતો છે જે મને મજા કરાવી જાય છે.’
ADVERTISEMENT
બધે પહોંચી વળે ત્યારે ખુશ
એક કામકાજી સ્ત્રીને એક, બે નહીં પાંચસો કામે એકસાથે પહોંચવું પડતું હોય છે. એટલે જ તેને ખુશી મળે છે જ્યારે તેનાં બધાં કામો સમયસર પતી જાય. એ વિશે વાત કરતાં દર્શના ઓઝા કહે છે, ‘સ્ત્રીઓને ખુશી ત્યારે મળતી હોય છે જ્યારે તેના જીવનના બધા ખૂણા સચવાઈ રહે. એક પણ વસ્તુ છૂટી ન જવી જોઈએ. સવારથી લઈ રાત સુધી એ રોબોની જેમ કામ કર્યા કરતી હોય છે, ફક્ત પોતાના સંતોષ અને સુખ ખાતર. વિશ્વવિદ્યાલયનાં કામ હોય કે ઘરનાં, મારે તો બધે પહોંચી વળવું હોય. મારાં મમ્મીનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું હોય છે. એટલે ઘરેથી નીકળું ત્યારે તેને કષ્ટ ન પડે એ માટે તેની થાળી અને પાણીનો ગ્લાસ સુધ્ધાં હું તૈયાર કરીને ન જાઉં તો મને ન ચાલે. એવું જ મારા કૉલેજનાં કામોમાં પણ નાનામાં નાનું કામ પણ સમયસર થઈ જ જવું જોઈએ એવો મને દુરાગ્રહ ખરો. આ દરેક કામ ભલે રોજિંદાં કામો ગણાય, પણ એનું મહત્ત્વ એટલું છે કે એ સમયસર અને સારી રીતે પતે એટલે હું ખુશ. કોઈ પૂછે કે આજે ખુશ કેમ છો તો મારો જવાબ એવો હોય કે આજે બધાં કામ સરસ રીતે પત્યાં.’
નાની ખુશીઓમાં છે સરપ્રાઇઝ
એક ગુજરાતી મૅગેઝિનનાં એડિટર પ્રીતિ જરીવાલા પોતાની વાત કરતાં કહે છે, ‘હું જરાય મહત્ત્વાકાંક્ષી નથી. ક્યારેક લાગે કે મને મોટી ખુશીઓની જરૂર જ નથી. મને નાની-નાની બાબતોમાં જે ખુશી મળે છે એ મારા માટે ઘણી છે. મને લાગે છે કે મોટી ખુશીઓની આપણે ખૂબ રાહ જોઈએ, પ્લાન કરીએ અને એ પાછળ એટલી મહેનત લાગે કે એ જ્યારે મળે ત્યારે આપણે ઊલટું ખુશ થઈ શકતા નથી. જ્યારે નાની ખુશીઓ હંમેશાં સરપ્રાઇઝ્ડ પૅકેજમાં આવતી હોય છે. ગયા ઉનાળે મારા ૩ વર્ષના દોહિત્રને કેરી ખવડાવી ત્યારે પૂછ્યું કે કેરી કેવી લાગી? તેણે કહ્યું કે કેરી એકદમ નાની જેવી છે, મીઠી-મીઠી. એ આવું બોલશે એવું સ્વપ્નેય તમે ન વિચાર્યું હોય એટલે એ સરપ્રાઇઝ એલિમેન્ટ તમને ખુશ કરી દે છે.’
સાઇકોલૉજી
એ હકીકત છે કે સ્ત્રીઓને નાની વાતમાં પણ ખુશી મેળવતાં આવડે છે જે ગુણ પુરુષોમાં જોવા મળતો નથી. પુરુષોને ખુશ કરવા હોય તો કશી મોટી સિદ્ધિ મળે તો એ ખુશ થાય. આ બાબતનું સાઇકોલૉજિકલ અવમૂલન કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘આ બધા પાછળનું ઘણું મોટું કારણ કન્ડિશનિંગ છે. સ્ત્રીઓને ઘરરખ્ખુ અને કૅર-ગિવરનું કામ સમાજે આપી દીધું હોવાને કારણે એના કામનો એરિયા ઘણો સીમિત થઈ ગયો હતો. એક જ પ્રકારનું ઘરરખ્ખુ જીવન વગર બ્રેકે જીવવું એ સહજ તો નથી એટલે સ્ત્રીઓએ પોતાને ખુશ રાખવાનાં બહાનાંઓ શોધી લીધાં છે જે એના માટે બળ સાબિત થાય છે. એક દિવસ રસોઈ કોઈએ વખાણી તો બીજા ૧૦ દિવસ સુધી એ કામ વગર કોઈ ડિમાન્ડે કર્યા કરવાનું બળ આપણને મળી જાય છે. બાળકો એના જીવનમાં સારું કરે એટલે માને પોતે સારું કર્યાની ખુશી મળી જતી હોય છે. મારો પરિવાર સુખી તો હું સુખી, મારી બધી જવાબદારીઓ હું નિભાવું તો હું સુખી એ ભાવ હજારો વર્ષોથી સ્ત્રીઓમાં ઘર કરીને બેઠો છે. એટલે એની અંગત ખુશી બીજી હોઈ શકે કે પછી આ નાની-નાની બાબતોમાથી ઉપર ઊઠી એ કંઈ મોટું કે ભવ્ય વિચારી શકે એ ભાવ જ એની અંદર આવતો નથી. નાની બાબતોમાં ખુશી અને નાની બાબતોમાં સંતોષ એ ગુણ આપણી અંદરનું કન્ડિશનિંગ છે. પુરુષોનું કન્ડિશનિંગ જુદું છે. એ લોકો જ્યાં સુધી કંઈ મોટું નથી કરતા ત્યાં સુધી સમાજમાં એમની કદર થાય નહીં એટલે ખુશી અને સુખ માટે તેઓ મોટી વસ્તુ પાછળ હોય છે. બિઝનેસમાં મોટો નફો કે ઇકૉનૉમીમાં કોઈ સુધાર આવે, કોઈ જગ્યાએ પદ કે માન મળે કે ગાડી ખરીદવામાં કોઈ સારી ડીલ મળી ગઈ હોય તો તેઓ ખુશ થતા દેખાય છે. આનું નુકસાન એ છે કે ખુશ થવા માટે એમણે ખૂબ મહેનત કરવી પડે છે, જ્યારે સ્ત્રીઓ પોતાની નાનકડી ખુશીઓ પોતે જ કમાઈ લેતી હોય છે.’


