Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં ૨૦૩૦ સુધીમાં દાળ-કઠોળની મોટી અછત સર્જાવાનો રિસર્ચ-અહેવાલ

ભારતમાં ૨૦૩૦ સુધીમાં દાળ-કઠોળની મોટી અછત સર્જાવાનો રિસર્ચ-અહેવાલ

Published : 12 February, 2024 07:43 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

કૅનેડા સાથે વિવાદ અને આફ્રિકન દેશોમાં ચીનના હસ્તક્ષેપથી સપ્લાયની કટોકટી સર્જાશે : તમામ કઠોળનું ઉત્પાદન વધારવા માટે પ્રતિ હેક્ટર ઉતારા વધારવા ઍક્શન-પ્લાન ઘડવાનું સૂચન

કઠોળની તસવીર

કૉમોડિટી વૉચ

કઠોળની તસવીર


છેલ્લાં ચાર વર્ષથી દેશમાં દાળ-કઠોળનું ઉત્પાદન અને સપ્લાયની સ્થિતિ દિવસે-દિવસે કફોડી બની રહી છે. દેશનાં કઠોળનું ઉત્પાદન કરતાં તમામ રાજ્યોમાં પ્રતિકૂળ હવામાન અને સરકાર દ્વારા દાળ-કઠોળના ભાવમાં કાબૂમાં લેવા માટે લેવાયેલાં અણઘડ પગલાંને કારણે કઠોળની સપ્લાય અને ભાવની સ્થિતિ ચિંતાજનક સ્થિતિએ પહોંચી છે અને ૨૦૩૦ સુધીમાં આ સ્થિતિ વધુ ખરાબ બનીને ગંભીર કટોકટી સર્જાશે એવો એક રિસર્ચ-રિપોર્ટ એક સંસ્થાએ સરકારને સુપરત કર્યો છે. કઠોળની ગંભીર કટોકટીને નિવારવા સરકારે શું પગલાં લેવાં જોઈએ એ વિશે પણ રિસર્ચમાં સૂચનો કરવામાં આવ્યાં છે. ૨૦૧૪માં બીજેપીની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારે કઠોળના ભાવ આસમાની ઊંચાઈએ હતા અને સરકારે સત્તાનાં સૂત્રો હાથમાં લીધા ત્યાર બાદ તુરંત જ દાળ-કઠોળના ભાવને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે પગલાં લઈને કઠોળના ભાવને કાબૂમાં લીધા હતા. તુવેરદાળના ભાવ કિલોના ૨૦૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યા ત્યારે સરકારની ભારે ટીકા થઈ હોવાથી છેલ્લાં દસ વર્ષમાં દાળ-કઠોળના ભાવ કાબૂમાં રહે એ માટે નરેન્દ્ર મોદી સરકારે દરેક સમયે ભાવ પર બારીકાઈથી વૉચ રાખી છે અને ભાવને કાબૂમાં રાખવામાં સફળતા હાંસલ કરી છે, પણ ભાવને કાબૂમાં રાખવાના ચક્કરમાં કઠોળની ઉત્પાદકતા વધારવા પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવતાં હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે ભારતને આગામી વર્ષોમાં કઠોળની સતત આયાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ૨૦૧૮માં સરકારે વટાણાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ તાજેતરમાં તમામ કઠોળના ભાવ કૂદકે ને ભૂસકે વધવા લાગતાં વટાણાની આયાત પરનો પ્રતિબંધ દૂર કરીને ડ્યુટી-ફ્રી આયાતની છૂટ આપવાની નોબત આવી છે. હાલ દેશમાં તુવેરના ઉત્પાદન અને જરૂરિયાત વચ્ચે મોટો ગૅપ જોવા મળી રહ્યો છે. આ ગૅપને પૂરવા માટે સરકાર છેલ્લા છ મહિનાથી તુવેરનો બફરસ્ટૉક ઊભો કરવા તનતોડ પ્રયત્ન કરી રહી છે એમ છતાં આજના દિવસે સરકાર પાસે તુવેરનો બફર સ્ટૉક સાવ નથી અને તુવેરના ભાવ જેટગતિએ વધી રહ્યા છે. આવી સ્થિતિ અન્ય કઠોળમાં પણ જોવા મળી રહી છે. 


ભારતમાં કઠોળના ઉત્પાદન-વપરાશની સ્થિતિ 
ભારત કઠોળના વૈશ્વિક ઉત્પાદનનો ચોથો હિસ્સો ધરાવતો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વિશ્વના વપરાશમાં ૨૭ ટકા હિસ્સો ધરાવતો સૌથી મોટો ઉપભોક્તા છે. ઉપરાંત ભારત વિશ્વની આયાતમાં ૧૪ ટકા હિસ્સો ધરાવતો સૌથી મોટો આયાતકાર છે. ભારતે ૨૦૨૩માં ૨૬૮ લાખ ટન કઠોળનું ઉત્પાદન કર્યું હતું. હાલ ભારતની કઠોળની વાર્ષિક જરૂરિયાત ગવર્નમેન્ટના અંદાજ અનુસાર ૩૨૦ લાખ ટનની છે. આથી હાલના તબક્કે ભારતમાં કઠોળના ઉત્પાદન અને જરૂરિયાત વચ્ચે બાવન લાખ ટનની ખાધ છે. સૌથી વધુ ખાધ તુવેરની છે. દેશમાં તુવેરની જરૂરિયાત ૪૨થી ૪૩ લાખ ટનની છે અને એની સામે ચાલુ વર્ષે દેશમાં તુવેરનું ઉત્પાદન પચીસથી ૨૬ લાખ ટન થયું છે. ગયા વર્ષે તુવેરનો ઓપનિંગ સ્ટૉક ત્રણ લાખ ટન હતો જે ચાલુ વર્ષે માત્ર ૬૦થી ૭૦ હજાર ટન હોવાથી તુવેરની મોટી આયાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લાં બે વર્ષથી ચણા-બેસન અને ચણાદાળના ભાવને કાબૂમાં લેવા સરકાર દ્વારા ચણાની મોટે પાયે ખરીદી કરવામાં આવી રહી છે જેને કારણે ચણા-ચણાદાળ અને બેસનના ભાવ છેલ્લાં બે વર્ષથી એકદમ કાબૂમાં છે, પણ ચણાના ઉત્પાદનની સ્થિતિ બે વર્ષથી સતત નબળી પડી રહી છે. જોકે સરકારના ચણાના ઉત્પાદનના અંદાજમાં મોટું ઉત્પાદન બતાવવામાં આવી રહ્યું છે, પણ માર્કેટના અંદાજમાં ચણાનું ઉત્પાદન બે વર્ષથી ઘટી રહ્યું છે. દેશમાં ચણાનું વાવેતર હજી બે સપ્તાહ અગાઉ પૂરું થયું છે, જેમાં ઘટાડો થયો છે. ઉપરાંત ચણાનાં ઉત્પાદક એવાં બેથી ત્રણ રાજ્યમાં ચણાના ઉતારાની સ્થિતિ પણ નબળી બતાવવામાં આવી છે. મગ-અડદ અને મસૂરના ઉત્પાદનની સ્થિતિ પણ સતત બગડી રહી છે. આમ કઠોળના ઉત્પાદન અને જરૂરિયાત વચ્ચેનો ગૅપ સતત વધતો જાય છે. 



કઠોળની સપ્લાયના રિસર્ચ-રિપોર્ટની વિગતો 
દિલ્હી સ્થિત કૃષિ સંસ્થાન અને કિશાન વિકાસ ફાઉન્ડેશન નામની સંસ્થાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૩૦માં સુધીમાં ૮૦ લાખ ટનની અછત સર્જાઈ શકે છે. રિપોર્ટ અનુસાર ભારત કઠોળની ઉત્પાદકતામાં સુધારો ન થાય ત્યાં સુધી કઠોળની આયાત કરવાનું ચાલુ રાખશે અને કોઈ પણ કિંમતમાં વધારો ફુગાવાના દબાણમાં વધારો કરશે. ઉપરાંત વિશ્વ-બજારમાં રાજકીય વિવાદ જેમ કે કૅનેડા સાથેનો વિવાદ અને આફ્રિકામાં ચીનના હસ્તક્ષેપથી ભારતમાં કઠોળની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. ભારત વટાણાનું સૌથી મોટું ઉત્પાદક હોવા છતાં ઉત્પાદકતા નબળી છે અને કેટલાક આફ્રિકન દેશો કરતાં ઘણી ઓછી છે. ચણાના કિસ્સામાં, ફ્યુઝેરિયમ વિલ્ટ સામે પ્રતિરોધક ટૂંકા ગાળાની જાતોએ હેક્ટરદીઠ સરેરાશ ૧.૪ ટનની સૌથી વધુ ઊપજ દર્શાવી છે, જ્યારે ચીન અને ઇઝરાયલે ૨૦૧૩-’૧૭માં પ્રતિ હેક્ટર ૪.૫ ટન ઊપજ દર્શાવી છે. ભારતે ઉત્પાદકતાનાં આ પરિબળોનો અભ્યાસ કરવો જોઈએ અને તેમના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ. નવી જાતોની સંભવિતતાનો વાસ્તવિક દૃષ્ટિકોણ લેવાની જરૂર છે. દેશમાં વિકસિત હાઇબ્રિડ વટાણા ખેડૂતોને સારી ઊપજ અને નફો મેળવવાની સારી તકો પ્રદાન કરે છે, પરંતુ મર્યાદા એ બિયારણની પૂરતી ઉપલબ્ધતાનો અભાવ છે.


કઠોળનું ઉત્પાદન વધારવાનાં સૂચનો 
રિસર્ચ-રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના આત્મનિર્ભરતા હાંસલ કરવી શક્ય નથી. કઠોળ બીજ-સંશોધન પણ આફ્રિકન દેશોના માપદંડને પહોંચી વળવામાં નિષ્ફળ ગયું છે. જ્યાં સુધી આપણે સરેરાશ ઉત્પાદકતા બમણી નહીં કરીએ ત્યાં સુધી કઠોળમાં આત્મનિર્ભર બનવું શક્ય બનશે નહીં. કઠોળના ઝડપથી ફેલાઈ રહેલા વાઇરસ જેવા રોગોથી પાકની નિષ્ફળતાના જોખમને ઘટાડવા માટે આનુવંશિક રીતે સંશોધિત જીએમ કઠોળ પર સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે કહેવામાં આવ્યું છે. ખેડૂતોને બિયારણની સરળ ઉપલબ્ધતા માટે બહેતર બિયારણ ઉત્પાદન કાર્યક્રમો શરૂ કરવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે ચણાની સુધારેલી જાતો વિકસાવવા માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જે જૈવિક અને અજૈવિક તનાવ બન્નેનો સામનો કરી શકે છે. ઉત્પાદકતા-સંબંધિત સંશોધન બેન્ચમાર્ક હોવા જોઈએ એમ જણાવતા અહેવાલમાં જણાવાયું છે કે પૂરક સિંચાઈ, ગુણવત્તાયુક્ત બિયારણ અને બહેતર કૃષિવિજ્ઞાનની એક્સેસ સાથે જોખમ ઘટાડવાની વ્યૂહરચના ખેડૂતોમાં વિસ્તારને વિસ્તારવા માટે આત્મવિશ્વાસ જગાડશે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:43 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK