Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કાશ્મીર વિશે ભાગવતભાષ્ય

કાશ્મીર વિશે ભાગવતભાષ્ય

23 January, 2019 11:58 AM IST |
રમેશ ઓઝા

કાશ્મીર વિશે ભાગવતભાષ્ય

મોહન ભાગવત

મોહન ભાગવત


કારણ-તારણ 

ગુરુવારે તેમણે કહ્યું હતું કે ‘આઝાદી પછી દેશે કોઈ વિકાસ કર્યો જ નથી એમ કહેવું અયોગ્ય છે. નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પહેલાં બીજી સરકારોએ પણ દેશના વિકાસમાં ફાળો આપ્યો હતો.’



ભારતનો વિકાસ જપાન અને ઇઝરાયલ જેટલો વ્યાપક અને ઝડપી થવો જોઈતો હતો એ થયો નથી એ જુદી વાત છે, પરંતુ સાવ કોઈ વિકાસ થયો જ નથી એમ ન કહી શકાય. જપાન બીજા વિશ્વયુદ્ધ પછી ખતમ થઈ ગયું હતું અને ઇઝરાયલની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી. આમ ત્રણેય દેશોની સમૃદ્ધ થવાની સફર લગભગ એકસાથે શરૂ થઈ હતી.


આ પણ વાંચો : ચાણક્યએ ક્યારેય શીખવા માટે સમય, તક અને પરિસ્થિતિનો વિચાર નથી કર્યો

એ પછી શુક્રવારે મોહન ભાગવતે બીજા એક સ્થળે સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘દેશમાં ફુગાવો અને બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે. આને માટે હું અને તમે જવાબદાર નથી, પણ એને કારણે હેરાન તો આપણે જ થવું પડે છે.’


એ સભામાં મોહન ભાગવતે જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સરહદે યુદ્ધ ચાલતું ન હોવા છતાં આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે અને એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

દેશમાં જ્યારે નિર્બળ સરકાર હતી ત્યારે ૨૦૧૩માં ૧૭૦ આતંકવાદી ઘટનાઓ બની હતી અને ૫૩ જવાનો અને ૧૫ નાગરિકો માર્યા ગયા હતા. ૨૦૧૪માં ભડવીરોની સરકાર આવી એ પછી આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો. ૨૦૧૪માં ૨૨૨ આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં ૪૭ જવાનો અને ૨૮ નાગરિકો માર્યા ગયા હતા. ૨૦૧૫માં એમાં ઘટાડો થઈને ૨૦૮ આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં ૩૯ જવાનો અને ૧૭ નાગરિકો માર્યા ગયા હતા. ૨૦૧૬માં બુરહાન વાનીની ઘટના બન્યા પછી કાશ્મીરની સ્થિતિ વણસી છે. ૨૦૧૬માં ૩૨૨ આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં ૮૨ જવાનો અને ૧૫ નાગરિકો માર્યા ગયા હતા. ૨૦૧૭માં ૩૪૨ આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં ૮૦ જવાનો અને ૪૦ નાગરિકો માર્યા ગયા હતા. આ જે આંકડા મેં અહીં આપ્યા છે એ શુદ્ધ સરકારી છે. ગૃહ ખાતાના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જોવા મળશે. ૨૦૧૮ની સાલના આંકડા હવે પછી આવશે; પણ એમાં વધારો જ થયો છે, ઘટાડો નહીં. તો સરકારી આંકડા એમ કહે છે કે નિર્બળ શાસનમાં જેટલી આતંકવાદી ઘટનાઓ બની હતી એના કરતાં બેવડી આતંકવાદી ઘટનાઓ ભડવીરોના શાસનમાં બની છે.

દેશમાં ગેરસરકારી સુરક્ષાનિષ્ણાતોના આંકડા સરકારી આંકડા કરતાં ઘણા વધુ છે, પણ એ વાત જવા દઈએ. મુદ્દો એ છે કે દુશ્મન સાથે બિરયાની ખાવાની જગ્યાએ દુશ્મનની આંખમાં આંખ પરોવીને, છાતી પર ચડી બેસીને મોઢામાં લાકડું ઘુસાડી દેવાનાં જે સપનાં દેખાડવામાં આવ્યાં હતાં એના કરતાં બિલકુલ વિપરીત સ્થિતિ છે. આમ કેમ બન્યું અને એને કેમ નિવારી શકાય? મોહન ભાગવતે આવું કેમ બન્યું એ વિશે તો કંઈ કહ્યું નથી, પરંતુ કેમ નિવારી શકાય એનો ઇલાજ આપ્યો છે જેની વાત કરતાં પહેલાં એક ઘટના નોંધવી જોઈએ.

નાગપુરમાં ચાર દિવસ પહેલાં નીતિન ગડકરીએ ઇન્દિરા ગાંધીનાં મોંફાટ વખાણ કર્યાં હતાં. એ પહેલાં તેમણે જવાહરલાલ નેહરુનાં વખાણ કર્યાં હતાં. હવે રાજીવ ગાંધીનાં વખાણ કરવાનાં બાકી છે અને કદાચ રાહુલનાં પણ કરી બેસે. એના થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દેશનું વડા પ્રધાનપદ મહારાષ્ટ્રને મળવાનું છે. નીતિન ગડકરીની માફક દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરના છે અને સંઘના અત્યંત વિશ્વાસુ છે. કેન્દ્ર સરકારને મૂંઝવણમાં મૂકનારાં ઉપરાઉપરી નિવેદનો સંઘ અને નાગપુરવાળાઓ કરી રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને કેન્દ્ર સરકારના સિનિયર પ્રધાનો ચૂપ છે. જેમને બોલવાની છૂટ છે એવા પ્રધાનો જવાહરલાલ નેહરુ દ્વારા સ્થાપિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં સારવાર લઈ રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ વિશે મોહન ભાગવતે ઇલાજ સૂચવતાં કહ્યું છે કે દેશની રક્ષાની જવાબદારી એકલા જવાનોની નથી, નાગરિકોએ પણ એમાં હિસ્સેદારી કરવી જોઈએ અને આહુતિ આપવી જોઈએ. નાગરિકો કઈ રીતે દેશની રક્ષા કરી શકે એ વિશે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. એક વિકલ્પ એવો છે કે સંઘના સ્વયંસેવકોને કાશ્મીરની ખીણમાં મોકલવામાં આવે. આમ પણ તેઓ દેશદાઝ ધરાવે છે, જાનફેસાનીના સંસ્કાર તેમને મળ્યા છે, લાઠી ચલાવતાં પણ તેમને આવડે છે એટલે તેઓ કાશ્મીરની ખીણમાં જઈને સૈનિકોને સાથ આપી શકે. તેમને દેશકાજે જિંદગી ફગાવી દેતાં ક્યાં કોઈ રોકે છે? આનો નિર્ણય તો મોહન ભાગવતે અને સંઘે લેવાનો છે, કોઈને પૂછવાનું પણ નથી.

જો જિંદગી ફગાવી દઈને શહીદ થવાનો વિકલ્પ વ્યવહારુ ન લાગતો હોય (અને એ વ્યવહારુ નથી જ) તો બીજો વિકલ્પ મોહન ભાગવત પાસે સંઘના સ્વયંસેવકોને કાશ્મીરની ખીણના લોકોનો પ્રેમ જીતવા મોકલવાનો છે. પ્રેમ તો પથ્થરને પણ પીગળાવી શકે છે એમ હિન્દુ શાસ્ત્રો કહે છે. તો હિન્દુ દર્શનને અનુસરીને સર્વે સુખિન: સન્તુનો મંત્ર લઈને સ્વયંસેવકો ખીણમાં પહોંચી જાય. એક વરસમાં ફરક ન પડે તો કહેજો. જોકે આ માર્ગ પેલા મોહનદાસ કરમચંદ ગાંધી નામના નિર્બળ માનવીનો છે, જેણે નિર્બળ માર્ગ અપનાવીને બ્રિટિશ સામ્રાજ્યને ઝુકાવ્યું હતું. એમાં બિરયાની ખાવી પડે એમ છે અને બિરયાની બનાવવામાં જોડાવું પણ પડે. જો આ બન્ને વિકલ્પ સ્વીકાર્ય ન હોય તો ત્રીજો વિકલ્પ સલામત સ્થળે દૂર ઊભા રહીને લલકારવાની જગ્યાએ, બળતામાં તેલ નાખવાની જગ્યાએ અને ઊંબાડિયાં કરવાની જગ્યાએ જવાનોને એમનું કામ કરવા દેવું જોઈએ અને અãગ્ન શાંત થવા દેવો જોઈએ. આગ ઠારવા પણ જવું નહીં, આગ પ્રગટે જ નહીં એવા પ્રયત્નો પણ કરવા નહીં અને દૂર ઊભા રહીને ફૂંક મારવાનો શો અર્થ છે. આને કારણે જવાનો ઊલટા શહીદ થઈ રહ્યા છે.

સંઘવાળાઓને ઇતિહાસ માટે ખૂબ પ્રેમ છે તો તેમણે એક અભ્યાસ ઔરંગઝેબનો છત્રપતિ શિવાજી મહારાજ સામે કેમ પરાજય થયો એનો કરી લેવો જોઈએ. લશ્કરી તાકાત મરાઠાઓની તુલનામાં મુગલો પાસે અનેકગણી હતી. આમ છતાં મુગલોનો પરાજય થયો. ૧૭૦૭માં ઔરંગઝેબનું ઔરંગાબાદ નજીક મૃત્યુ થયું અને એ પછીથી ધીરે-ધીરે મુગલ સામ્રાજ્ય ખતમ થઈ ગયું. શા માટે લશ્કરી રીતે નિર્બળ મરાઠાઓ સામે શક્તિશાળી મુગલો પરાસ્ત થયા? આનું કારણ એ છે કે શિવાજીની ભૂમિમાં ઔરંગઝેબ લડવા આવ્યો હતો, ઔરંગઝેબની ભૂમિમાં શિવાજી લડવા નહોતા ગયા. રણભૂમિની ભૂગોળ મરાઠાઓ જાણતા હતા અને એ ભૂમિની પ્રજા શિવાજીના માવળાઓની સાથે હતી. તંતોતંત આવી સ્થિતિ અત્યારે કાશ્મીરની ખીણમાં છે. જવાનો નકશાઓ દ્વારા કાશ્મીરને ઓળખે છે તો કાશ્મીરીઓ પગથી. દરેક કાશ્મીરી યુવક કાશ્મીરની પ્રજાનો દીકરો છે અને જવાનો પરાયા છે. શિવાજી-ઔરંગઝેબ વચ્ચેની લડાઈનો અભ્યાસ કરવામાં આવે તો તરત હિન્દુત્વવાદીઓને સમજાઈ જશે કે શિવાજીનું પૂતળું બાંધવાનું ન હોય, કાશ્મીરની ખીણમાં એની પાસેથી ધડો લેવાનો હોય.

રણભૂમિ સામેના પક્ષના લડવૈયાઓની પરિચિત હોય અને પ્રજા લડવૈયાઓની સાથે હોય તો એ યુદ્ધ તમે ક્યારેય જીતી ન શકો. વિયેટનામ યુદ્ધ આનું બીજું ઉદાહરણ છે જેમાં અમેરિકાનું નાક કપાયું હતું અને પાછા ફરવું પડ્યું હતું. અફઘાનિસ્તાન આનું ત્રીજું ઉદાહરણ છે જેમાં સોવિયેટ રશિયાનું નાક કપાયું હતું અને સોવિયેટ દળોએ પાછાં ફરવું પડ્યું હતું. શું ઇતિહાસની આટલી સાદી સમજ તેઓ ધરાવતા નથી? અલબત્ત, સમજણ વિશેના કેટલાક મૂળભૂત પ્રfનો તો તેમની સાથે છે જ એટલે તો ૯૫ વરસ પછી પણ સિદ્ધિઓની ઝોળી ખાલી છે.

તો શ્રેષ્ઠ વિકલ્પ છે લોકોનો પ્રેમ સંપાદન કરવાનો અને એ જો અઘરો લાગતો હોય તો કમસે કમ દૂર સલામત સ્થળે ઊભા રહીને આગમાં ઘી નાખવાનું બંધ કરવાનો. અને જો ભડવીરપણું છોડવું જ ન હોય તો ત્રીજો વિકલ્પ છે કાશ્મીરની ખીણમાં શહીદ થવા પહોંચી જવાનો. દેશને ભાષ્યોની જરૂર નથી, ઍક્શનની જરૂર છે અને ઍક્શન માટે આ ત્રણ જ વિકલ્પ (ચોથો હોય તો બતાવો) ઉપલબ્ધ છે. બોલો કયો વિકલ્પ પસંદ છે?

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 11:58 AM IST | | રમેશ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK