હવે બાય રોડ કરો અમદાવાદથી ગોવાની મુસાફરી, ST શરૂ કરશે વોલ્વો બસ
અમદાવાદીઓ માટે આનંદના સમાચાર
હવે તમે અમદાવાદથી ગોવાની સફર સુંદર હાઈવે પરથી પણ માણી શક્શો. ગુજરાત એસટી નિગમે બુધવારથી 13 નવા રૂટની શરૂઆત કરી છે. જેમાં છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. આ છમાંથી એક સ્ટેટ ગોવા પણ છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મુસાફરો માટે અમદાવાદથી હરિદ્વાર, વારાણસી અને ગોવા સુધીની વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. સીએમ વિજય રૂપાણી આજે નવી બસોને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવશે. સાથે જ આ જ કાર્યક્રમમાં એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા 1954 કન્ડક્ટરોને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
જાણો કેટલું છે ભાડું શું છે ટાઈમિંગ ?
અમદાવાદથી ગોવા
અમદાવાદથી ગોવા માટેની એસટી વોલ્વો બસનો ટાઈમ સાંજે ચાર વાગ્યાનો રખાયો છે. જે બીજા દિવસે સાંજે છ વાગે ગોવા પહોંચાડશે. અમદાવાદથી ગોવાનું વોલ્વો બસનું ભાડું રૂપિયા 3,320 રખાયું છે.
અમદાવાદ-વારાણસી
વારાણસી માટે એસટીની વોલ્વો સાંજે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચાડશે. આ બસનો ફાયદો એ છે કે તે ટ્રેન કરતા ઓછો સમય લઈ રહી છે. અંદાજે 33 કલાકમાં જ બસ વારાણસી પહોંચાડશે. વારાણસી માટે રૂપિયા 3,315 ભાડું નક્કી કરાયું છે.
અમદાવાદ-હરિદ્વાર
હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂ. 2696 ભાડું ચુકવવું પડશે.
આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાતના મૂડીરોકાણને લઈને વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા
છ રાજ્યને જોડતા રૂટ શરૂ કરાશે
એસટી બસ બુધવારથી 13 નવા રૂટ શરૂ કરી રહી છે. દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવશે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂ. 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચશે.


