Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્યાં સુધી સહન કરશો આ પીડા?

ક્યાં સુધી સહન કરશો આ પીડા?

04 April, 2019 10:02 AM IST |
વર્ષા ચિતલિયા

ક્યાં સુધી સહન કરશો આ પીડા?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લેડીઝ સ્પેશ્યલ

વજાઇનિઝમ એક એવી કન્ડિશન છે જે અનૈચ્છિક મસલ્સના યોનિપ્રવેશના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. સેક્સ્યુઅલ લાઇફને અત્યંત પીડાદાયક બનાવતી આ સમસ્યાનો ભારતની મોટા ભાગની મહિલાઓ મૂંગા મોઢે સામનો કરે છે. શરીર સેક્સ માટે તૈયાર નથી આ વાત પતિ સમક્ષ કહેવામાં આજે પણ સ્ત્રીઓ શરમ, સંકોચ અને ભય અનુભવે છે એવું નોંધવામાં આવ્યું છે. પ્રથમ વાર યોનિપ્રવેશ સમયે પીડા થવી એ સહજ છે, પરંતુ વારંવાર અથવા લાંબા સમય સુધી આ પીડા અનુભવાય તો એને નજરઅંદાજ ન કરી શકાય. ન કહેવાય અને ન સહેવાય એવી આ પરિસ્થિતિ વિશે આજે માંડીને વાત કરીએ.



શું છે વજાઇનિઝમ્સ?


આ કન્ડિશન વિશે માહિતી આપતાં ઑબ્સ્ટેટ્રિશ્યિન ગાયનેકૉલોજિસ્ટ ઍન્ડ સેક્સ્યુઅલ મેડિસિન સ્પેશ્યલિસ્ટ ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘એક હોય છે રૅર કન્ડિશન અને બીજી છે કૉમન કન્ડિશન. લગ્ન બાદ શરૂઆતથી જ પતિને નજીક આવવા ન દે અથવા સંભોગ સમયે બિલકુલ સાથ ન આપે એવી કન્ડિશનના કેસમાં પેશન્ટની હિસ્ટ્રી ચેક કરવી પડે. નાનપણમાં જાતીય સતામણી થઈ હોય અથવા બળાત્કારનો ભોગ બની હોય એવી સ્ત્રીના મગજમાં સેક્સ્યુઅલ ઍક્ટિવિટી માટેનો એક ડર બેસી ગયો હોય છે. આ માનસિક છે. એની સારવાર પણ સમય માગી લે છે. જોકે આવા કિસ્સા એક લાખમાં પાંચ હોય છે. કેટલાક કિસ્સામાં પાત્ર પસંદ ન હોય એવું પણ બને. આવા કેસમાં વાત ડિવૉર્સ સુધી પહોંચી જાય છે. સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાંથી રસ ઊડી ગયો હોય અથવા વજાઇનાને લગતી અન્ય સમસ્યાઓ હોય એને કૉમન કન્ડિશન કહી શકાય. માનસિક અથવા શારીરિક રોગ, સુવાવડ પછીનો સમય, મેન્ટલ સ્ટ્રેસ, મૂડ ન હોવો. આંતરિક ખટપટ - આ બધાં સામાન્ય લક્ષણોમાં જો પતિ સેક્સનો આગ્રહ રાખે તો સંબંધ પીડાદાયક બને છે. અહીં સ્ત્રીઓ ચૂપચાપ સહન કરતી હોય છે.’

શરમ અને સંકોચ


યોનિપ્રવેશ સમયે થતી પીડાને માત્ર ગ્રામીણ વિસ્તારની જ નહીં, મેટ્રોસિટીની શિક્ષિત સ્ત્રીઓ પણ મૂંગા મોઢે સહન કરે છે. આર્થિક રીતે સ્વતંત્ર અને જાગૃત સ્ત્રીઓ હવે યોનિ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ડૉક્ટરનો સંપર્ક કરવા લાગી છે. આ બાબત પરિવર્તન આવ્યું છે, પરંતુ આવી સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે. આજે પણ આપણા દેશમાં યોનિને લગતી અનેક સમસ્યાઓની રજૂઆત કરવામાં સ્ત્રીઓ શરમ અને સંકોચ અનુભવે છે એનું કારણ છે પુરુષો અને પરિવારના અન્ય સભ્યોનો દૃષ્ટિકોણ. સાસુને કહેવા જશે તો સાંભળવા મળશે કે કંઈ નથી, આ બધાં નખરાં છે. હસબન્ડને કહેવા જાય તો એને લાગે છે કે સેક્સ ન કરવાનું બહાનું છે. એવા પણ અનેક કેસ છે જેમાં સ્ત્રી પીડાતી હોય તેમ છતાં પુરુષો એની અવગણના કરે છે. એટલું જ નહીં, પથારીમાં પતિને સુખ આપવું એ પત્નીનો ધર્મ અને ફરજ છે એવું કહી સંભોગની પ્રક્રિયા પણ ચાલુ જ રાખે છે. શંકાશીલ પુરુષો પત્ની સેક્સની ના પાડે એનું ખોટું અર્થઘટન કરે છે. કેટલાક કેસમાં સ્ત્રી પોતે જ એવું વિચારે છે કે આ બાબત સ્ત્રીના જીવનમાં સામાન્ય કહેવાય. આર્થિક ખર્ચાથી બચવા પણ તેઓ આ પીડાને ચૂપચાપ સહન કરતી રહે છે.

ઇન્ડિપેન્ડન્ટ મહિલાઓ હવે પીડા ભોગવતી નથી, પણ ઘરમાં રહેતી અથવા સંયુક્ત કુટુંબમાં રહેતી મહિલાઓ આજે પણ બોલી શકતી નથી એ વાસ્વવિકતા છે એવો અભિપ્રાય આપતાં ગાયનેકૉલૉજિસ્ટ ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘સામાન્ય રીતે છવ્વીસથી ચાલીસની વચ્ચેની વયની સ્ત્રીઓમાં વજાઇનિઝમ સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ ઉંમરમાં સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં વધુ ઇન્વૉલ્વ રહેવા છતાં તેઓ પોતાની સમસ્યાની સચોટ રજૂઆત કરી શકતી નથી. તેમના મનમાં એક પ્રકારનો ભય હોય છે. હસબન્ડ કે સાસુ સાંભળશે નહીં એવું તેઓ માને છે. બીજું આપણા દેશમાં પુરુષો એટલા બોલ્ડ નથી કે પોતાની પત્ની પીડાતી હોય અને શરમાળ સ્વભાવની હોય તો એની સમસ્યા વિશે માતા અથવા ઘરની અન્ય સ્ત્રી સાથે ડિસ્કસ કરી કહી શકે કે એને ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર છે. પુરુષો પણ એને સામાન્ય વાત માની અવગણે છે. સ્ત્રીને પતિનો સપોર્ટ મળતો નથી તેથી સહન કર્યા કરે છે. જ્યારે મેનોપૉઝ પીરિયડ નજીક હોય એ ઉંમરની સ્ત્રીઓ ડૉક્ટરનો સંપર્ક કરવામાં સંકોચ અનુભવતી નથી. આ ઉંમર સુધીમાં તેઓ ઘરમાં પોતાનું ચોક્કસ સ્થાન બનાવી ચૂકી હોય છે તેથી હસબન્ડ અને ઘરની અન્ય સ્ત્રીઓ અથવા ફ્રેન્ડ્સ સાથે આ બાબત ખૂલીને વાત કરી શકે છે એવો મારો અનુભવ છે.’

પીડાના પ્રકાર

વજાઇનલ પીડા બે પ્રકારની હોય છે. એક લ્યુકોરિયા (શ્વેતપ્રદર) અને બીજું ભરપૂર પ્રમાણમાં બ્લીડિંગ (રક્તસ્ત્રાવ) એવી માહિતી આપતાં ધૃપ્તિ કહે છે, ‘શ્વેતપ્રદરમાં મોટા ભાગે ફંગલ ઇન્ફેક્શન હોય છે. યોનિમાં ખંજવાળ, સંભોગ દરમ્યાન ખૂબ જ દુખાવો, ડ્રાયનેસ વગેરે સામાન્ય લક્ષણો છે. માસિક સ્ત્રાવ શરૂ થાય ત્યારે થોડા સમય માટે વાઇટ ડિસ્ચાર્જ ઘટી જાય. એ વખતે ફંગલ ઇન્ફેક્શનમાં રાહત થાય છે. ભરપૂર પ્રમાણમાં બ્લીડિંગ થાય ત્યારે શરીરમાં વિટામિન ડીની ઊણપ જોવા મળે છે. હીમોગ્લોબિનની ખામીના કારણે જલદી થકાવટ લાગે. હીમોગ્લોબીનની માત્રા ૧૦ ગ્રામથી ઓછી થાય ત્યારે જ જાગવું જોઈએ, પણ એવું થતું નથી. આવી કન્ડિશનમાં વિટામિન બી-૧૨ અને વિટામિન ડી-૩ની ઊણપ પણ વર્તાય. ખાસ કરીને બે સુવાવડની વચ્ચેનો ગાળો ઓછો હોય એવી સ્ત્રીઓમાં ઇમ્યુનિટી પાવર ઓછો થઈ જાય છે. હાથ-પગમાં ઝણઝણાટી, મસલ્સ પેઇન વગેરે પીડા સાથે એ ઘરનાં સામાન્ય કામકાજ કરી શકે છે, પણ શરીરમાં સ્ફૂર્તિ આવતી નથી. લાઇફ જીવવાની જે ખુશી હોવી જોઈએ એ દેખાતી નથી. શરીરને પરાણે ખેંચ્યા કરે છે. અનિચ્છાએ સેક્સ પણ કરી લે છે. આ બધા ફિઝિકલ પ્રૉબ્લેમ્સ તો દવાથી દૂર થઈ જાય છે, પણ વજાઇનિઝમની પીડાથી જે માનસિક ડિપ્રેશન આવે છે એને ભરી શકાતું નથી. એના માટે વાંચન, એજ્યુકેશન, હેલ્ધી એન્વાયર્નમેન્ટ અને પતિનો સંગાથ અત્યંત અનિવાર્ય છે.’

પેલ્વિક એક્ઝામ અને પેપ ટેસ્ટ

વજાઇનિઝમની પીડાને તમે પેલ્વિક એક્ઝામ સાથે સાંકળી શકો, પણ પેપ ટેસ્ટ અને યુરિનરી ટ્રૅક ઇન્ફેક્શન એ અલગ રોગ છે એમ જણાવતાં ધૃપ્તિ કહે છે, ‘વજાઇનિઝમમાં પેપ ટેસ્ટ કરવાની જરૂર નથી. પેપ ટેસ્ટથી સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયનું કેન્સર)નું નિદાન થાય છે. વાસ્તવમાં સેક્સ્યુઅલી ઍક્ટિવ દરેક સ્ત્રીએ ચાલીસ વર્ષની વય બાદ દર વર્ષે આ પરીક્ષણ કરાવવું જોઈએ. યુરિનરી ટ્રૅકમાં તમારાથી પીડા સહન થાય જ નહીં. અહીં તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જ પડે છે. પેલ્વિક એક્ઝામમાં શ્વેતપ્રદર થેલીના મોઢામાથી આવે છે કે વજાઇનામાંથી એનું પરીક્ષણ કરવામાં આવે છે. સારવાર માટે સામાન્ય રીતે દસ દિવસથી લઈને ચાર મહિનાનો સમય લાગી જાય છે. વજાઇનલ ઓરલ ટૅબ્લેટ્સથી પીડા ઓછી થઈ જાય છે. યોનિને લગતી સારવાર કરતી વખતે ડાયાબિટીઝ, થાઇરોઇડ, વિટામિનની ઉણપ જેવાં કેટલાંક પરીક્ષણ કરવાં પણ જરૂરી છે. અન્ય રોગના નિદાન બાદ ડાયટ ચાર્ટ તૈયાર થાય. અનિવાર્ય લાગે તો વિટામિનની ગોળીઓ પણ લેવી પડે છે. હેલ્ધી વજાઇના માટે હવે સ્ત્રીઓએ શરમ અને સંકોચ દૂર કરી પોતાની પીડા વ્યક્ત કરવી જોઈએ એવો સમય આવી ગયો છે.’

આ પણ વાંચો : જીવનસાથી માનસિક રીતે અસ્વસ્થ હોય તો?

હસબન્ડનો રોલ

ડૉક્ટર પાસે જવાનું હોય ત્યારે તમે સાથે જાઓ.

સારવાર ચાલતી હોય એ સમયગાળા દરમ્યાન ક્યારથી સેક્સ કરી શકાશે અથવા હજી કેટલા દિવસ રાહ જોવાની છે જેવા પ્રશ્નો પત્નીને ન પૂછવા.

સેક્સ માટેની તીવ્ર ઇચ્છા હોય તો પણ પીઆઇવી સેક્સ (અન્ય વિકલ્પો) વિશે ચર્ચા કરવાનું ટાળો.

મૂડ અને પીડાને સમજ્યા વગર ઓરલ સેક્સ માટે આગ્રહ ન રાખો.

સામાજિક જીવન પર એની અસર ન પડે એ બાબતનું ધ્યાન રાખો.

સારવાર પૂર્ણ થવા આવી હોય એવા સમયે પણ હવે સારું થઈ ગયું છે એમ ન કહો. આવું કહેવાથી તમે ઉતાવળા છો એવું પ્રતીત થાય છે. આ બાબત પણ કદાચ એને નહીં ગમે.

જ્યાં સુધી પત્ની પોતે તૈયાર ન થાય ત્યાં સુધી ફોર્સ ન કરો.

વાતચીત દરમ્યાન પત્નીનાં ઇમોશન્સ અને એના શરીરને સમજવાનો પ્રયાસ કરો. કમ્યુનિકેશન રોગની સારવાર અને પીડાને હળવી કરી દે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2019 10:02 AM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK