રાજેન્દ્ર મહેતા સિખ હતા એ કેટલા લોકો જાણે છે?
લેખક સાથે રાજેન્દ્ર મહેતા.
‘જબ રાત કા આંચલ લહરાએ ઔર સારા આલમ સો જાએ,
તુમ મુઝસે મિલને શમા જલાકર તાજમહલ મેં આ જાના...’
ADVERTISEMENT
આ નઝ્મ વર્ષોથી અને હજી પણ સ્પષ્ટતા સાથે કહેવાની કોશિશ કરું તો આ નઝ્મ લગભગ ત્રણ પેઢીએ સાંભળેલી છે અને એ આજે પણ એટલી જ પૉપ્યુલર છે, એટલું જ નહીં, આજના યંગસ્ટર્સ પણ હજી આ નઝ્મને ક્વોટ કરે છે, ગણગણે છે અને પોતાના મોબાઇલમાં કે આઇપૉડમાં એ સાંભળે છે. આ નઝ્મની ગાયક બેલડી રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા. અદ્ભુત અવાજ, અદ્ભુત ગાયકી, પણ આપણે આ બેલડીમાંના રાજેન્દ્ર મહેતાને ગુમાવી દીધા. રાજેન્દ્રભાઈનું એક વીક પહેલાં ૧૩ નવેમ્બરે વહેલી સવારે દેહાંત થયો. જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે અત્યંત ખેદ થયો, દુઃખ થયું અને એ દુઃખ સાથે અનેક જૂની વાતો, યાદગાર પ્રસંગો આંખ સામે આવી ગયા. રાજેન્દ્રભાઈ સાથેનાં કેટલાં બધાં સંભારણા. રાજેન્દ્રભાઈ એક એવા કલાકાર જેમને માટે આપણે અંગ્રેજી શબ્દ UNSUNG HERO જ વાપરવો પડે. સાચા અર્થમાં અનસંગ હીરો કહેવાય એવા કલાકાર. રાજેન્દ્ર મહેતાના સાળા સુધીર શાહ છેલ્લે સુધી તેમની સંભાળ રાખતા, એકેએક મિનિટ તેમની સાથે રહેતા. હું અને મારી વાઇફ ફરીદા જ્યારે રાજેન્દ્રભાઈને અમારી લાસ્ટ રિસ્પેક્ટ આપવા માટે તેમના પેડર રોડ સ્થિત ‘વિમલામહલ’ નિવાસસ્થાને ગયાં ત્યારે રાજેન્દ્રભાઈને પ્રણામ કરીને અમે થોડી વાર માટે સુધીરભાઈ સાથે બેઠાં હતાં. એ સમયે મનમાં વિચારોનું અને સંભારણાંઓનું બહુ મોટું વાવાઝોડું આવ્યું અને એ યાદો આજે હું તમારી સાથે શૅર કરવાનો છું, તમારી સામે એ સંબંધો મૂકવાનો છું.
રાજેન્દ્ર મહેતાને હું પહેલી વાર ૧૯૬૯-’૭૦ના અરસામાં મળ્યો. એ સમયે મારી ઉંમર ૧૭-૧૮ વર્ષની. હું મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણું. મારા મોટા ભાઈ મનહર ઉધાસ ત્યારે પ્લેબૅક સિંગર તરીકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ થઈ ગયેલા. કલ્યાણજી-આણંદજી સાથે તેમણે ખૂબબધાં ગીતો ગાયેલાં. રાજેન્દ્ર મહેતાને જ્યારે હું મળ્યો ત્યારે મને ખૂબ કુતૂહલ હતું. આપ સૌ જાણો છો કે મેં કહ્યું છે કે મને તો યુવાકાળથી ગઝલ ગાવાનો શોખ હતો. મને જ્યારે ખબર પડી કે રાજેન્દ્ર મહેતા ગઝલગાયક છે ત્યાર પછી તો મેં તેમને ખૂબ સાંભળ્યા હતા. તેમને અને તેમનાં વાઇફ નીનાબહેન મહેતાને. હું કહીશ કે રાજેન્દ્ર મહેતાએ ગઝલગાયકીનો પાયો નાખવામાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. એક સ્તંભ બનીને તેઓ ઊભા રહ્યા. અગાઉ બેગમ અખ્તર ગઝલગાયકીના ક્ષેત્રમાં ઇન્કલાબ કહીએ એ સ્તરે આવ્યા અને સૌકોઈના મનમાં છવાઈ ગયા. બેગમ અખ્તરને કારણે ભારતમાં ગઝલની પ્રસિદ્ધિ ધીરે-ધીરે બધી દિશામાં ફેલાવા લાગી અને તેમણે અઢળક પ્રયાસ કર્યા જેથી ગઝલને લોકો સુધી પહોંચાડી શકાય. બેગમ અખ્તર પછી જો કોઈનું નામ આવે તો એ રાજેન્દ્ર મહેતાનું નામ છે.
વી મિસ યુ રાજેન્દ્રભાઈ : રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા
પચાસના દસકામાં રાજેન્દ્ર મહેતાએ લખનઉમાં સંગીતની તાલીમ લીધી. થોડાં વર્ષો માટે તેમણે અનુપ જલોટાના પિતાશ્રી અને મહાન ભજનિક પુરુષોત્તમ જલોટા પાસે પણ શિક્ષણ લીધું હતું. આ ઉપરાંત પણ તેમના સંગીતના અનેક ગુરુ હતા. શીખવાની બાબતમાં તેઓ સહેજ પણ ઓછા ઊતરતા નહીં કે કચાશ રાખતા નહીં. તમને એક રસપ્રદ વાત કહું. જૂજ લોકોને જ ખબર છે કે રાજેન્દ્ર મહેતા સિખ હતા. તેમનું નાનપણ લાહોરમાં વીત્યું અને લાહોરને કારણે તેમને ઉર્દૂ ભાષા સહજ અને સરળતાથી ફાવી ગઈ. એવું કહેવાય છે કે માત્ર ૧૦ વર્ષની ઉંમરે તો રાજેન્દ્ર મહેતા તેમના દાદાને ઉર્દૂ ન્યુઝપેપર વાંચીને સંભળાવતા. આ પાર્ટિશન પહેલાંની વાત છે.
મોટી ઉંમરને કારણે દાદાને આંખની તકલીફ હતી, પણ ન્યુઝપેપર વાંચવા જોઈએ. આદતને કારણે રાજેન્દ્રભાઈનું સવારનું પહેલું કામ રહેતું ન્યુઝપેપર વાંચીને દાદાને સંભળાવવું. એ સમયથી ઉર્દૂમાં રુચિ આવી અને એ પછી સંગીત તરફ તેમનું મન વળ્યું. સંગીત પ્રત્યે લાગણી બંધાયા પછી આ ક્ષેત્રમાં એટલે કે ગઝલગાયકી તથા ઉર્દૂ ભાષા પ્રત્યે તેમનો લગાવ ખૂબ વધી ગયો.
એ પછી બહુ મુશ્કેલ કહેવાય એવો સમય આવ્યો, દેશના ભાગલાનો. ભાગલા પછી રાજેન્દ્ર મહેતા પિતા સાથે લાહોર છોડીને લખનઉ આવ્યા અને લખનઉમાં રહ્યા. લખનઉમાં તેમણે સંગીતની વિધિસરની તાલીમ લીધી અને તાલીમની સાથોસાથ સંગીતની સાધના પણ કરી. રાજેન્દ્ર મહેતા તલત મેહમૂદના ખૂબ મોટા ફૅન એટલે એ તલતજીનાં ગીતો અને ગઝલો ખૂબ સારી રીતે અને અભ્યાસ સાથે સાંભળતા અને સાંભળી-સાંભળીને જ તેમણે એ ગઝલો ગાવાની શરૂઆત કરી. આ દિવસોમાં એક રેડિયો આવતો, નામ એનું મરફી રેડિયો. આ મરફી રેડિયો કંપની દર વર્ષે મુંબઈમાં એક કૉમ્પિટિશન કરતી. અત્યારે આપણે ત્યાં એન્ટરટેઇનમેન્ટ ચૅનલ જે ઇન્ડિયન આઇડલ અને એવા બીજા રિયલિટી શો કરે છે એવી જ સિન્ગિંગ કૉમ્પિટિશન મરફી રેડિયો કરતી, નામ એનું મરફી સિન્ગિંગ કૉમ્પિટિશન.
આ મરફી સિન્ગિંગ કૉમ્પિટિશનમાં રાજેન્દ્રભાઈ ભાગ લેવા મુંબઈ આવ્યા. આ મરફી સિન્ગિંગ કૉમ્પિટિશન જીત્યા મહેન્દ્ર કપૂર, પણ લોકોએ રાજેન્દ્ર મહેતાને ખૂબ વખાણ્યા. આવ્યા હતા માત્ર કૉમ્પિટિશનમાં ભાગ લેવા, પણ પછી રાજેન્દ્રભાઈ લખનઉ પાછા ગયા નહીં અને મુંબઈમાં જ રહી ગયા. મુંબઈમાં તેમણે અઢળક સંઘર્ષ કર્યો.
બનવું હતું સિંગર, ગાવી હતી ગઝલ, પણ એ દિશામાં આગળ વધી શકે એ પહેલાં તેમની પાસે કુદરતે ઘણાં બીજાં કામ પણ કરાવ્યાં. મુંબઈની એક રેસ્ટોરાંમાં તેમણે મૅનેજર તરીકે કામ કર્યું તો બીજાં અનેક કામ કર્યાં, પણ એ બધા વચ્ચે પણ તેમનું ધ્યાન સંગીત તરફ અકબંધ હતું. સંઘર્ષના એ દિવસો દરમ્યાન તેમની મુલાકાત નીનાબહેન સાથે થઈ.
નીનાબહેન એટલે નીના શાહ. નીનાબહેન આપણા એક કન્ઝર્વેટિવ ગુજરાતી પરિવારમાંથી આવે. રાજેન્દ્રભાઈ અને નીનાબહેનની મુલાકાત આકાશવાણી રેડિયો પર થઈ અને સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો. એક ગુજરાતી અને બીજા સિખ. સ્વાભાવિક રીતે ધર્મ જુદા હતા, પણ રાજેન્દ્રભાઈ અને નીનાબહેનનો ધર્મ પણ સંગીત હતો અને પ્રેમ પણ સંગીત હતો. બન્નેએ નક્કી કર્યું કે લગ્ન કરીએ.
લગ્ન પછી બન્નેએ એક બીજું કામ શરૂ કર્યું. બન્નેએ સાથે પર સ્ટેજ પર ગઝલ ગાવાનું શરૂ કર્યું. બધા એવું ધારતા હશે કે ગઝલ-કપલ તરીકે જગજિત સિંહ અને ચિત્રા સિંહે સાથે ગઝલ ગાવાનું શરૂ કર્યું પણ ના, તેમના પહેલાં રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા કપલ તરીકે સ્ટેજ પર સાથે ગાવાનું શરૂ કરી ચૂક્યાં હતાં. લોકો પ્રેમથી આ ગઝલ-જોડીને મ્યુઝિકલ મહેતા કહેતા. આ એ બન્નેનું નિક-નેમ એટલે કે હુલામણું નામ હતું. મ્યુઝિકલ મહેતાએ ગઝલના અનેક કાર્યક્રમ કર્યા. બન્નેની ગઝલો ખૂબ વખણાતી. બન્નેને સાંભળવાં એ એક લહાવો હતો. એ સમયે પોલિડોર નામની એક કંપની હતી, જે હવે યુનિવર્સલના નામે ઓળખાય છે, મ્યુઝિક ઇન્ડિયા યુનિવર્સલ. આ પોલિડોરે ગઝલની રેકૉર્ડ બનાવવાનું સૌથી પહેલાં શરૂ કર્યું અને એ રેકૉર્ડમાં મ્યુઝિકલ મહેતાની એક નઝ્મ આવી.
‘જબ રાત કા આંચલ લહરાએ ઔર
સારા આલમ સો જાએ,
તુમ મુઝસે મિલને શમા જલાકર
તાજમહલ મેં આ જાના...’
આ નઝ્મ ખૂબ પ્રસિદ્ધ થઈ, ખૂબ પૉપ્યુલર થઈ. લોકો નઝ્મ સાંભળવા માટે પડાપડી કરતા અને નઝ્મને કારણે લોકો તેમને રૂબરૂ સાંભળવા પણ પડાપડી કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે મ્યુઝિકલ મહેતાએ વિશ્વમાં ટ્રાવેલિંગ કરીને પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું.

