ચૂંટણીના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર 8 મહિનાની નીચી સપાટીએ
ચૂંટણીના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર ઘટ્યો
દેશના મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રની કામગીરી એપ્રિલમાં આઠ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. ચૂંટણીઓને કારણે વેપાર મંદ રહ્યા હતા અને આર્થિક વાતાવરણ પડકારરૂપ રહેતાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને અસર થઈ હતી.
એપ્રિલમાં નિક્કી ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ) માર્ચના 52.6થી ઘટીને એપ્રિલમાં 51.8 થયો હતો, એમ સર્વેક્ષણમાં ગુરુવારે જણાવાયું હતું. છેલ્લે ઑગસ્ટ, 2018માં પીએમઆઈ આટલો નબળો રહ્યો હતો.
આ સતત 21માં મહિના દરમ્યાન પીએમઆઈ 50થી અધિક રહ્યો છે, જે દર્શાવે છે કે વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. 50થી નીચો આંક વેપારમાં ઘટાડો દર્શાવે છે.એપ્રિલ પીએમઆઈ ડેટા દર્શાવે છે કે નવા ઑર્ડર્સમાં સૌમ્ય વધારો થયો હોઈ ઉત્પાદન, રોજગાર અને વેપાર સેન્ટિમેન્ટ નબળાં રહ્યાં છે.
પીએમઆઈ વિસ્તરણ ઝોનમાં છે, તેમ છતાં તેનો વેગ મંદ પડ્યો છે અને હકીકત એ છે કે રોજગારીમાં સૌથી મંદ દરે વધારો થયો છે અને એક વર્ષના ડેટા દર્શાવે છે કે ઉત્પાદકો ભાગ્યે જ નવા રોજગાર ઊભા કરવા માટે સજ્જ જણાય છે, એમ આઇએચએસ માર્કેટનાં પ્રિન્સિપલ ઇકૉનૉમિસ્ટ અને આ અહેવાલનાં લેખિકા પોલિયાન્ના દ લિમાએ કહ્યું હતું.
સર્વે કરાયેલી કંપનીઓએ મંદ કામકાજ માટે ચૂંટણીઓથી સર્જાયેલા અવરોધોનું કારણ આપ્યું હતું. નવી સરકારની રચના બાદ પબ્લિક પૉલિસીઓ અને અભિગમ કેવો રહે છે એ જોવાનું પણ કેટલીક કંપનીઓએ નક્કી કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કાચા તેલમાં આવી નરમાશ, જાણો કેટલા ઘટ્યા પેટ્રોલ, ડીઝલના ભાવ
સામાન્ય ચૂંટણીઓ 11 એપ્રિલથી શરૂ થઈ હતી અને મતગણતરી ૨૩ મેએ થશે. કિંમતોને મોરચે લાગતોના ખર્ચનો ફુગાવો 43 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે રીટેલ ફુગાવો સહેજ નીચો અને તેની લાંબા ગાળાની સરેરાશની નીચો રહ્યો હતો.મૅન્યુફૅક્ચરિંગમાં કિંમતોનું દબાણ ઘટતાં અને વૃદ્ધિદર મંદ પડતાં, એવી સંભાવના છે કે રિઝર્વ બૅન્ક જૂન મહિનામાં સતત ત્રીજી વાર સત્તાવાર દરમાં કાપ મૂકશે, એમ લિમાએ કહ્યું હતું. રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની મીટિંગ 3-6 જૂન દરમ્યાન મળશે.


