11 February, 2026 08:27 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
મહાશિવરાત્રિના મેળાના માર્ગમાં કરાયેલું ડમરુ તેમ જ શિવલિંગનું સુશોભન, ભવનાથ મહાદેવનાં દર્શન.
સૌરાષ્ટ્રમાં આધ્યાત્મિકતાની અલખ જગાવતા જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે આજથી વિશ્વવિખ્યાત મહાશિવરાત્રિનો મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ થશે. મહાશિવરાત્રિના મેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણીસંગમ થશે જેમાં સાધુસંતો અને ભક્તજનો દેવાધિદેવ મહાદેવનાં ગુણગાન ગાશે. ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં મહાશિવરાત્રિએ યોજાનારી સાધુસંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનાં મુખ્ય આકર્ષણ બની રહેશે.
વર્ષોની પરંપરા પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે જેમાં આજે સવારે નવસ્થાપિત ૫૫ કિલોના ધ્વજદંડ પર સાધુસંતો અને શિવભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવશે.
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં પહેલી વાર આજે સાંજે ડમરુયાત્રા યોજાશે જેમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ભાગ લેશે. તમામ સમાજની દીકરીઓ માથે કળશ મૂકીને સંતોનું સ્વાગત કરશે. ડમરુયાત્રા ભવનાથ પ્રવેશદ્વારથી ભવનાથ મંદિર સુધી નીકળશે. ડમરુયાત્રા પૂરી થયા બાદ મહાઆરતી યોજાશે.
સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક સમાન મહાશિવરાત્રિના મેળાની ગરિમા, ભવ્યતા અને દિવ્યતાને જાળવીને જૂનાગઢમાં મેળો હર્ષોલ્લાસથી ઊજવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તૈયારીઓ કરી છે.
ભવનાથ મેળા વિસ્તારને ભગવાન ભોલેનાથની થીમ પર શણગાર કરાયો છે. ભવનાથ મંદિરમાં ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને રોશનીથી ઝળહળતાં કરાશે. આ વિસ્તારમાં શંકર ભગવાનનાં કલાત્મક ચિત્રો પણ મુકાયાં છે.
આ વખતે મહાશિવરાત્રિના મેળાના વિસ્તારને વધારવામાં આવ્યો છે. ગિરનાર દરવાજાથી લઈને સાડાત્રણ કિલોમીટર સુધીના રોડ પર આ મેળો યોજાશે. રવેડીનો રૂટ ૫૦૦ મીટર વધારવામાં આવ્યો છે.
મહાશિવરાત્રિના મેળાની શરૂઆત પહેલાં સાધુસંતો અને ઉતારા-મંડળના સંચાલકો અને સ્વયંસેવકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ૩ ટીમે સાધુસંતોના ધૂણા અને આશ્રમમાં જઈને હેલ્થ-ચેકઅપ કર્યું હતું.
પાંચ દિવસ ચાલનારા મહાશિવરાત્રિના મેળામાં દેશભરમાંથી અલખ જગાવવા સાધુસંતો આવી રહ્યા છે તો ભોળા શંભુના શરણમાં શીશ નમાવવા અગણિત શિવભક્તો ઊમટશે. સાધુસંતોની રાવટીઓમાં ભજનનોની રમઝટ જામશે.
૩૦૦૦થી વધુ પોલીસ-જવાનો શિવભક્તોની સેવા માટે ૨૪ કલાક ખડેપગે ફરજમાં તહેનાત રહેશે.
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણીસંગમસમા મહાશિવરાત્રિના મેળામાં રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સુરેશ વાડકર, પાર્થ ઓઝા, ગીતા રબારી, મૈથિલી ઠાકુર તેમ જ સ્થાનિક કલાકારો ભક્તિસંગીતની રંગત જમાવશે.
મહાશિવરાત્રિના મેળામાં આવતા શિવભક્તો માટે વિશાળ જર્મન ડોમ બનાવ્યો છે જેમાં ૮૦૦થી વધુ લોકો રાત્રિરોકાણ કરી શકશે.
સુરેશ વાડકર, પાર્થ ઓઝા, ગીતા રબારી, મૈથિલી ઠાકુર પાથરશે કંઠનાં કામણ
સૌરાષ્ટ્રમાં આવેલી આધ્યાત્મિક નગરી જૂનાગઢમાં ગરવા ગઢ ગિરનારની ગોદમાં દેવાધિદેવ મહાદેવજીનો મહાશિવરાત્રિનો મેળો આજથી શરૂ થશે. આ વખતે યોજાનારા મહાશિવરાત્રિના મેળામાં પહેલી વાર ડમરુયાત્રા યોજાશે. મહાશિવરાત્રિના મેળા દરમ્યાન સુરેશ વાડકર, પાર્થ ઓઝા, ગીતા રબારી, મૈથિલી ઠાકુર સહિતના કલાકારો તેમના કંઠનાં કામણ પાથરીને ભક્તિ-સંગીતની રંગત જમાવશે.
મહાશિવરાત્રિના મેળામાં પહેલા દિવસે જૂનાગઢમાં ૧૧ ફેબ્રુઆરીએ સાંજે ૭ વાગ્યે ભવનાથ પ્રવેશદ્વારથી ભવનાથ મંદિર સુધી ડમરુયાત્રા યોજાશે. સાધુ-સંતોના સ્વાગત માટે ડમરુયાત્રા યોજાશે. મહાશિવરાત્રિના આ મેળામાં સાધુ-સંતોના સ્વાગત માટે નગરજનો ઉત્સાહભેર સહભાગી બનશે અને સંતોનાં વધામણાં કરશે. સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઈને સંતોનું સ્વાગત કરશે.
ભવનાથની તળેટીમાં ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં મૈથિલી ઠાકુર, સુરેશ વાડકર, પાર્થ ઓઝા અને ગીતા રબારી સહિતના કલાકારો ભજન, સંતવાણી, લોકગીતોની પ્રસ્તુતિ કરશે. કલાકારો ભક્તિસભર ગીતોની પ્રસ્તુતિ કરશે. મહાશિવરાત્રિના મેળામાં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ બે સેશનમાં યોજાશે જેમાં સાંજે સ્થાનિક કલાકારો ભજન અને સંતવાણી રજૂ કરશે. ત્યાર બાદ બીજા સેશનમાં સુરેશ વાડકર સહિતના કલાકારો ભક્તિસંગીતની મોજ કરાવશે.