04 December, 2025 08:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની ફાઇલ તસવીર, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટ તેમ જ સ્ટેજની ચાલી રહેલી તૈયારીઓ.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન (BAPS)ના એક સમયના વડા ગુરુવર્ય પ્રમુખસ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કર્યાને ૭૫ વર્ષ પૂરાં થતાં BAPS દ્વારા અમદાવાદમાં ૭ ડિસેમ્બરે BAPSના વડા ગુરુ મહંતસ્વામીની ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખવરણી અમૃત મહોત્સવ વિશે અક્ષરવત્સલસ્વામી અને વિવેકજીવનસ્વામીએ મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘BAPSના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ હતા. ૧૯૫૦માં અમદાવાદમાં આવેલી આંબલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પ્રમુખ તરીકે પ્રમુખસ્વામી મહારાજને નિયુક્ત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ બન્યા એને ૭૫ વર્ષ પૂરાં થતાં પ્રમુખસ્વામી મહારાજે જે કાર્યો કર્યાં છે એનું સ્મરણ કરવાનો અને કાર્યોને બિરદાવવાનો અવસર એટલે પ્રમુખવરણી અમૃત મહોત્સવ. પ્રમુખસ્વામીનો સેવાનો વારસો અને સંસ્કારનો વારસો જીવંત રહેવો જોઈએ. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ આપણને જે પ્રદાનો આપી ગયા છે એ દિશામાં આપણે પણ આગળ વધીએ, જીવનમાં કંઈ સામાજિક સેવાના ક્ષેત્રમાં, આધ્યાત્મિક દિશામાં બે ડગલાં માંડીએ એવા હેતુથી આ મહોત્સવ યોજવામાં આવ્યો છે.’
કોણ-કોણ આવશે?
અક્ષરવત્સલસ્વામીએ કહ્યું હતું કે ‘BAPSના વડા ગુરુ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૪૫,૦૦૦થી વધુ હરિભક્તો આવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે જેથી વિશ્વભરમાં હરિભક્તો એને નિહાળી શકશે. મહોત્સવના ૩ દિવસ દરમ્યાન સાબરમતી નદીમાં સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતી તેમ જ તેમના ક્વોટ્સ લખેલી ૭૫ બોટને તરતી મુકાશે. આ બોટમાં ગ્લો લાઇટ રહેશે જેથી રાત્રે પણ એ જોઈ શકાશે.’