મુંબઈમાં મુશળધાર વરસાદ: `ઓરેન્જ એલર્ટ` વચ્ચે જનજીવન પ્રભાવિત, ટ્રાફિક અને રેલવે વ્યવહાર ખોરવાયો

01 July, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains Updates: શહેરમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગનું મુંબઈ, થાણે અને રાયગઢ માટે `ઓરેન્જ એલર્ટ`; મુંબઈમાં માર્ગ અને વાહનવ્યવહાર ખોરવાયો છે; પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે બંધ, જ્યારે OHE ફોલ્ટને કારણે હાર્બર લાઇન ટ્રેન સેવાઓ ખોરવાઈ

તસવીર સૌજન્યઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ

મુંબઈ (Mumbai)માં બુધવારે પણ ચોમાસાના ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો. મુશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં રસ્તા અને રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી થોડા દિવસો માટે મુંબઈ, થાણે અને રાયગઢ માટે `ઓરેન્જ એલર્ટ` જારી કર્યું છે. જેમાં ભારેથી અતિ ભારે વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.

મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલો અને બુધવારે સવાર સુધી ચાલુ રહેલો આ વરસાદ (Mumbai Rains Updates) મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર તરફ દોરી ગયો હતો. જેના કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો હતો, હાર્બર લાઇન ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે ખોરવાઈ ગઈ હતી, ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વરસાદને લગતી અન્ય ઘટનાઓ બની હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોંકણ કિનારે ચોમાસું ફરી સક્રિય થતાં મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શુક્રવાર સુધી શહેરના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે, અને નાગરિકોને સાવધ રહેવા તેમજ તીવ્ર વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.

ભારે વરસાદથી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ

પરેલ, દાદર, સાયન, ભાયખલા, કુલાબા અને મરીન લાઇન્સ સહિત દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં રાતભર અવિરત વરસાદ પડ્યો હતો. અંધેરી, કુર્લા, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC), મુલુંડ, ચેમ્બુર અને માનખુર્દ જેવા પશ્ચિમી અને પૂર્વીય ઉપનગરોમાંથી પણ મધ્યમથી ભારે વરસાદના અહેવાલ છે.

ભારે વરસાદના પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારના વ્યસ્ત સમયે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. પાણી ભરાવાની સંભાવનાવાળા વિસ્તારો પર નજર રાખવા, ડ્રેનેજ સાફ કરવા અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા નાગરિક ટીમો તૈનાત કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું કે પૂરની સ્થિતિને કાબૂમાં લેવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ સ્થળો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને વોર્ડ સ્ટાફ તૈનાત છે.

વરસાદના કારણે અંધેરી સબવે ફરી બંધ

વરસાદથી સૌથી વધુ પ્રભાવિત સ્થળોમાં અંધેરી સબવે સામેલ હતો. રાતભરના ભારે વરસાદને કારણે ગંભીર જળબંબાકાર થતાં પૂર્વ-પશ્ચિમને જોડતા આ મહત્વપૂર્ણ સબવેને વાહનચાલકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે બેરિકેડ્સ લગાવીને ટ્રાફિકને વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કર્યો હતો. સોમવાર અને મંગળવારે પણ આ સબવેમાં પાણી ભરાયા હતા, જે સવાર સુધીમાં ઉતરી ગયા બાદ ફરીથી નવા વરસાદના કારણે ડૂબી ગયો હતો.

હાર્બર લાઇન ટ્રેન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત

બુધવારે વહેલી સવારે નેરુળ રેલવે સ્ટેશન નજીક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ખામી સર્જાવાને કારણે મુંબઈની લોકલ ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર, સવારે ૪:૫૨ વાગ્યે સીએસએમટી (CSMT) તરફ જતી અપ લાઇન પર ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે પનવેલથી મુંબઈ તરફ જતી ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત થઈ ગઈ હતી.

રેલવે અધિકારીઓએ તાત્કાલિક સમારકામ હાથ ધરીને સવારે ૫:૪૫ વાગ્યા સુધીમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ પૂર્વવત કરી દીધા હતા, ત્યારબાદ ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ હતી. જો કે, આ સુધારા છતાં ઓફિસ જવાના પીક અવર્સ દરમિયાન મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો અને સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી હતી.

મુંબઈમાં નોંધાયેલા વરસાદના આંકડા

BMC અનુસાર, મુંબઈમાં મંગળવારે (૩૦ જૂન) સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યાની વચ્ચે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો:

મૂળ શહેર (Island City): સરેરાશ ૬૪.૮૫ મીમી વરસાદ

પૂર્વીય ઉપનગરો: સરેરાશ ૭૬.૬૯ મીમી વરસાદ

પશ્ચિમી ઉપનગરો: સરેરાશ ૭૦.૩૦ મીમી વરસાદ

રાત્રિ દરમિયાન વરસાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં પૂર્વીય ઉપનગરોના માનખુર્દ ફાયર સ્ટેશન પર શહેરનો સૌથી વધુ ૧૭૦.૪ મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય મુખ્ય વિસ્તારોના આંકડા નીચે મુજબ છે:

વિસ્તાર / સ્ટેશન

નોંધાયેલો વરસાદ (મીમીમાં)

પૂર્વીય ઉપનગરો

 

કલેક્ટર કોલોની મ્યુનિસિપલ સ્કૂલ

૧૬૯ મીમી

એમપીએસ મહારાષ્ટ્ર નગર સ્કૂલ

૧૬૮.૨ મીમી

શાહાજી નગર મ્યુનિસિપલ સ્કૂલ

૧૬૩.૮ મીમી

નૂતન વિદ્યા મંદિર

૧૫૬ મીમી

મૂળ શહેર

 

ભાયખલા ફાયર સ્ટેશન

૧૬૨.૫૨ મીમી

નાયર હોસ્પિટલ

૧૪૨.૪૩ મીમી

બી. નાડકર્ણી પાર્ક મ્યુનિસિપલ સ્કૂલ

૧૨૭ મીમી

ફ્રોસબેરી રિઝર્વોયર

૧૨૭ મીમી

એન.એમ. જોશી માર્ગ મ્યુનિસિપલ સ્કૂલ

૧૨૫.૪ મીમી

પશ્ચિમી ઉપનગરો

 

BKC ફાયર સ્ટેશન

૧૩૨.૪ મીમી

આર સેન્ટ્રલ ઓફિસ

૧૨૬ મીમી

દિંડોશી ફાયર સ્ટેશન

૧૨૩ મીમી

બોરીવલી ફાયર સ્ટેશન

૧૧૯.૩ મીમી

દાદરમાં ઝાડ પડવાની ઘટના અને મુંબ્રામાં ગેલેરી ધસી પડી

બુધવારે વહેલી સવારે દાદર ઇસ્ટમાં માધવી નિવાસ નજીક એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ નજીકની રહેણાંક ઇમારતથી સહેજ દૂર પાર્ક કરેલા વાહનો પર પડ્યું હતું. મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઝાડ હટાવી રસ્તો સાફ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ભારે વરસાદની અસર પાડોશી જિલ્લા થાણેમાં પણ જોવા મળી હતી. મંગળવારે મોડી સાંજે મુંબ્રાના અમૃત નગરમાં એમટીએનએલ કમ્પાઉન્ડ નજીક આવેલી `હીના કોટેજ` નામની બે માળની ઇમારતના પહેલા માળની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સાવચેતીના પગરૂપે તાત્કાલિક તમામ રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

શાળાઓ ચાલુ રહેશે

ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ હોવા છતાં, મુંબઈમાં શાળાઓ કે કોલેજો બંધ રાખવાની કોઈ સત્તાવાર જાહેરાત બીએમસી કે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી. જો કે, વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્થાનિક અપડેટ્સ માટે પોતપોતાની શૈક્ષણિક સંસ્થાઓના સંપર્કમાં રહેવા સલાહ આપવામાં આવી છે.

તમામ નાગરિક એજન્સીઓ, ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ શહેરમાં હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગે લોકોને નબળા બાંધકામો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સત્તાવાર હવામાન અપડેટ્સનું પાલન કરવા જણાવ્યું છે.

mumbai rains mumbai monsoon monsoon news mumbai weather Weather Update indian meteorological department mumbai mumbai news brihanmumbai municipal corporation fire incident mumbai traffic mumbai local train western railway harbour line central railway andheri dadar thane sion matunga parel byculla colaba kurla bandra kurla complex chembur mankhurd palghar