20 June, 2025 07:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્લેન ક્રેશની ફાઇલ તસવીર
એક અઠવાડિયા પહેલા ૧૨ જુનના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં ઍર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. જેમાં વિમાનમાં સવાર ૨૪૧ અને જમીન પર રહેલા ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાંથી મળેલ ‘બ્લેક બોક્સ’ (Black Box) હવે અમેરિકા (United States of America) મોકલવામાં આવશે. એક અહેવાલ મુજબ, તેને વિશ્લેષણ માટે અમેરિકા મોકલવું પડી શકે છે.
લંડન (London) જતું ઍર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭ (Dremaliner Boeing 787) અમદાવાદમાં ગયા ગુરુવારે ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ પછી લાગેલી આગમાં ફ્લાઇટના ‘બ્લેક બોક્સ’ એટલે કે રેકોર્ડરને ભારે નુકસાન થયું છે, જેના કારણે ભારતમાં તેનો ડેટા મેળવવો અશક્ય બની ગયો છે અને તેને યુએસ (Black Box of 787 Dreamliner to be sent to US) મોકલવો પડી શકે છે.
અહેવાલો પ્રમાણે, વિમાનનું બ્લેક બોક્સ હવે તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે. બ્લેક બોક્સ બહારથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હોવાથી, ભારતમાં તેનો ડેટા કાઢવો મુશ્કેલ છે. યુએસ લેબોરેટરીમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (Digital Flight Data Recorder - DFDR)માંથી ડેટા કાઢવામાં આવશે અને તેને ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ((India`s Aircraft Accident Investigation Bureau - AAIB) સાથે શૅર કરવામાં આવશે. તપાસ એ શોધવાની છે કે, અકસ્માત કેવી રીતે થયો અને તેનું કારણ શું હતું.
ભારતીય તપાસકર્તાઓ AI-171 વિમાનના બ્લેક બોક્સનો ડેટા મેળવી શકતા નથી કારણ કે તે ખરાબ રીતે બળી ગયું હતું. હવે આ ડેટા અમેરિકાના નેશનલ સેફ્ટી ટ્રાન્સપોર્ટ બોર્ડ (National Safety Transport Board - NTSB)ની વોશિંગ્ટન (Washington) લેબોરેટરીમાં મેળવવામાં આવશે. ડેટા કાઢ્યા પછી, તે AAIBને આપવામાં આવશે, જે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation - DGCA)થી સ્વતંત્ર તપાસ એજન્સી છે.
આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, જે દેશમાં અકસ્માત થાય છે તે દેશ તેની તપાસ કરે છે. જો કે, એક અધિકારીએ જણાવ્યું હતું કે AAIBએ દિલ્હીમાં એક પ્રયોગશાળા સ્થાપિત કરી છે. પરંતુ તે હજુ સુધી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સ રેકોર્ડરમાંથી ડેટા કાઢવા માટે પૂરતી આધુનિક નથી. NTSB ટીમ ભારતીય અધિકારીઓની દેખરેખ હેઠળ બ્લેક બોક્સને તેની પ્રયોગશાળામાં લઈ જશે. આ ખાતરી કરશે કે બધા નિયમોનું પાલન થઈ રહ્યું છે. બ્રિટનની હવાઈ અકસ્માત તપાસ શાખા (Britain`s Air Accidents Investigation Branch) પણ આ તપાસમાં સામેલ થશે. કારણકે અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં ૫૩ બ્રિટિશ નાગરિકો પણ હતા.
ક્રેશ થયેલા વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં મુશ્કેલી પડી રહી હોવાથી, તેને તપાસ માટે અમેરિકા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, કેટલીક અમેરિકન અને બ્રિટિશ એજન્સીઓ 15 જૂને, એટલે કે અકસ્માતના ત્રણ દિવસ પછી, આ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે અમદાવાદ પહોંચી હતી. આમાં અમેરિકાના નેશનલ સેફ્ટી ટ્રાન્સપોર્ટ બોર્ડ (National Safety Transport Board - NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (Federal Aviation Administratio - FAA) તેમજ યુનાઇટેડ કિંગડમ (United Kingdom)ની સિવિલ એવિએશન ઓથોરિટી (Civil Aviation Authority - CAA)ના અધિકારીઓનો સમાવેશ થાય છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવામાં બે દિવસથી મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે. તે બ્લેક બોક્સને કેટલું નુકસાન થયું છે તેના પર આધાર રાખે છે. તેણે કહ્યું, `રેકોર્ડરને નુકસાન થયું હોવાથી, ડેટા સુરક્ષિત રાખવા માટે મેમરી બોર્ડમાંથી ચિપ દૂર કરવી પડશે. ઇલેક્ટ્રોનિક સર્કિટની પણ તપાસ કરવી પડશે.`
નોંધનીય છે કે, ઍર ઇન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશ - આ અકસ્માતને છેલ્લા એક દાયકામાં વિશ્વનો સૌથી ખરાબ વિમાન અકસ્માત માનવામાં આવે છે.