News In Short: કેરલાના પત્રકારનો બે વર્ષ બાદ યુપીની જેલમાંથી જામીન પર થયો છુટકારો

03 February, 2023 11:30 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

બુધવારે મની લૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત કોર્ટમાં એક લાખ રૂપિયાના બે જામીન રજૂ કરવામાં આવ્યા હતા

કેરલાના પત્રકાર સિદ્દીક કપ્પન તસવીર સૌજન્ય મિડ-ડે

કેરલાના પત્રકારનો બે વર્ષ બાદ યુપીની જેલમાંથી જામીન પર થયો છુટકારો

લખનઉ : કેરલાના પત્રકાર સિદ્દીક કપ્પનનો ગઈ કાલે લખનઉની ડિસ્ટ્રિક્ટ જેલમાંથી જામીન પર છુટકારો થયો હતો. બુધવારે મની લૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત કોર્ટમાં એક લાખ રૂપિયાના બે જામીન રજૂ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત મહિલાનું બળાત્કાર બાદ મૃત્યુ થયું હતું. કેરલાના આ પત્રકાર તેમ જ અન્ય ત્રણની ઑક્ટોબર ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર હાથરસમાં મહિલાના મોતને લઈને હિંસા ભડકાવવાનો આરોપ હતો. પોલીસે કપ્પન પર હાલમાં પ્રતિબંધિત પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાનો આરોપ પણ મૂક્યો હતો. 

૨૦૧૯થી અત્યાર સુધીની પીએમની વિદેશયાત્રા પાછળ ૨૨.૭૬ કરોડનો ખર્ચ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯થી અત્યાર સુધી ૨૧ વિદેશયાત્રા કરી છે અને એને માટે ૨૨.૭૬ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. રાષ્ટ્રપતિની ૨૦૧૯થી અત્યાર સુધીની ૮ વિદેશયાત્રા પાછળ ૬.૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. વડા પ્રધાન ૨૦૧૯થી અત્યાર સુધી જપાનમાં ત્રણ વખત અને અમેરિકા તથા યુએઈમાં બે વખત ગયા છે. આ સમયગાળા દરમ્યાન વિદેશપ્રધાન એસ. જયશંકરે ૮૬ વિદેશયાત્રા કરી હતી. 

ઉમેદવાર એકથી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે કે નહીં એ નિર્ણય સંસદનો : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉમેદવારને એક કરતાં વધુ સીટ પર ચૂંટણી લડતા રોકવા માટેની અરજીને ફગાવી ​દેતાં કહ્યું હતું કે આ સંદર્ભનો નિર્ણય સંસદ જ લઈ શકે છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચ઼ુડની બેન્ચે કહ્યું હતું કે ઉમેદવાર વિવિધ કારણસર એક કરતાં વધુ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. સુનાવણી દરમ્યાન સિનિયર ઍડ્વોકેટ ગોપાલ શંકરનારાયણને કહ્યું હતુ કે કોઈ ઉમેદવાર બે જગ્યાએથી જીતી જાય તો એક બેઠક તેણે ખાલી કરવી પડે. પરિણામે ત્યાં પેટાચૂંટણી યોજવી પડે. એથી સરકારી તિજોરી પર વધારાનો બોજ આવે. ૧૯૯૬ના સુધારા પહેલાં ચૂંટણીમાં ઉમેદવાર કેટલી બેઠક પરથી લડી શકે એના પર કોઈ પ્રતિબંધ નહોતો. સંસદે ત્યાર બાદ આ સંખ્યાને બે સુધી મર્યાદિત કરી.

જોશીમઠ ધસ્યું, હવે મસૂરીનો વારો?

નવી દિલ્હી : નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મસૂરીના હિલ સ્ટેશનનો અભ્યાસ કરવા તેમ જ પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે પગલાં સૂચવવા નવ સભ્યોની સમિતિની રચના કરી છે. ટ્રિબ્યુનલ એક મામલાની સુનાવણી કરી રહી હતી દરમ્યાન એક મીડિયા અહેવાલને ધ્યાનમાં લઈને સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે, જેથી આડેધડ કરવામાં આવેલાં બાંધકામોને કારણે જમીન ધસી પડવાની જે ગંભીર ઘટના જોશીમઠમાં બની છે એને નિવારી શકાય. ચૅરપર્સન જસ્ટિસ ગોયલની બનેલી બેન્ચે કહ્યું હતું કે ‘મસૂરીમાં અગાઉ બનેલી ઇમારતોની સુરક્ષાના સંબંધમાં અભ્યાસ કરવામાં આવશે.’ ગ્રીન પૅનલ સમિતિને બે મહિનામાં એનો અભ્યાસ પૂર્ણ કરીને ૩૦ એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવાની સૂચના આપવામાં આવી છે. 

national news kerala uttar pradesh supreme court uttarakhand narendra modi lucknow