ગુજરાતનાં આઠ મોટાં શહેરમાં નવા વર્ષની ઉજવણી પર આડકતરી રોક

26 December, 2021 08:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરાયો અને રાત્રે ૧૧થી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુનો અમલ શરૂ થયો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને ગુજરાતનાં આઠ મોટાં શહેરમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરાયો છે અને રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીના કરફ્યુનો અમલ શરૂ કરાયો છે. આ ફેરફારના પગલે નવા વર્ષની ઉજવણી પર આડકતરી રીતે રોક લાગી છે. ગઈ કાલથી અમદાવાદ, સુરત સહિતનાં આઠ શહેરમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરી તેનો અમલ શરૂ થયો છે.
ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને પ્રવર્તમાન સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને આઠ શહેરમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. આ આઠ શહેરમાં તમામ દુકાનો, રેસ્ટોરાં, લારી-ગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજાર, હાટ, હેરકટિંગ સલૂન, બ્યુટીપાર્લર તેમ જ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાતી હતી તેમાં હવે ફેરફાર થયો છે અને ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી રાત્રે ૧૧ વાગ્યા સુધી જ આ ચાલુ રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે ક્રિસમસના આ દિવસોમાં મોટા ભાગે રાત્રે તેની ઉજવણી થતી હોય છે તેમાં પણ ૩૧ ડિસેમ્બરે રાત્રે નવા વર્ષને વધાવવા માટે મોડી રાત સુધી ઉજવણી થતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતનાં આઠ શહેરમાં રાત્રે ૧૧ વાગ્યાથી રાત્રિ કરફ્યુ રાખવામાં આવ્યો હોવાથી મોડી રાતે થતી ઉજવણી પર બ્રેક વાગી શકે છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, ૧૭૯ કેસ નોંધાયા

ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના અને ઓમાઇક્રોનનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો અને ૧૭૯ કેસ નોંધાયા હતા જ્યારે બે દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. બીજી તરફ ખેડા, અમદાવાદ અને રાજકોટમાં ઓમાઇક્રોનના ૬ કેસ નોંધાયા હતા.
ગઈ કાલે કોરોનાના સૌથી વધુ ૬૧ કેસ અમદાવાદમાં નોંધાયા હતા જ્યારે સુરતમાં ૨૦, આણંદમાં ૧૮, વડોદરામાં ૧૪ અને રાજકોટમાં ૧૩ કેસ નોંધાયા હતા. રાજકોટ જિલ્લામાં બે દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. ૩૪ દરદીઓ સાજા થયા હતા.
ગઈ કાલે ઓમાઇક્રોનના કુલ છ કેસ નોંધાયા હતા જેમાં ખેડા જિલ્લામાં લંડનથી આવેલાં બે મહિલા અને એક પુરુષ સાથે કુલ ૩ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં બે કેસ નોંધાયા હતા જેમાં ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતી બે મહિલાઓ ઓમાઇક્રોન સંક્રમિત થઈ હતી. જ્યારે યુકેથી રાજકોટ આવેલી ૨૨ વર્ષની યુવતીમાં ઓમાઇક્રોન પૉઝિટિવ આવી હતી.
અત્યાર સુધીમાં ગુજરાતમાં ઓમાઇક્રોનના કુલ ૪૯ કેસ નોંધાયા છે જેમાંથી ૧૦ દરદીઓ સાજા થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 
થયા છે.

gujarat gujarat news coronavirus covid19 Omicron Variant ahmedabad surat rajkot vadodara bhavnagar jamnagar junagadh gandhinagar