23 June, 2025 06:54 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
પ્રભુ નેમની સ્પર્શનાએ પાવન બનેલી ગિરનારની પવિત્ર ભૂમિ પર આ વખતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચાતુર્માસ યોજાયા છે. ૨૦૨૫ની પાંચ અને છ જુલાઈએ ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસર તેમ જ પરમ ગુરુપૂર્ણિમા અવસર મહાન ધર્મગુરુઓ, દિલ્હી અને ગાંધીનગરના રાજપુરુષો, સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્રના ૧૦૮થી વધુ સંઘો, શ્રેષ્ઠીવર્યો અને ૫૦૦૦થી વધારે ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો છે.
શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર સાધનાને અનુકૂળ એવા પારસધામ ગિરનારના આંગણે આ ચાતુર્માસમાં દરરોજ સવારથી ધ્યાન-સાધના, પ્રવચન, સત્સંગ, પ્રભુ સાથે વાત કરાવતી ભક્તિ-સંધ્યાનાં વિશેષ આયોજન થશે. આ ઉપરાંત NRI માટે શિબિર, પૉઝિટિવ પેરન્ટિંગ શિબિર, સાસુ-વહુ સ્પેશ્યલ શિબિર, યંગસ્ટર્સ માટેની યુવા સંસ્કાર શિબિર આદિ અનેક શિબિરનાં આયોજન થશે. પર્યુષણ મહાપર્વ, પરમોત્સવ-માનવતા મહોત્સવ અને ૧૧ દિવસીય સંયમભાવ સાધના ઉપધાન શિબિરના મંગલકારી આયોજન થશે. મૉડર્ન ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે ભવ્ય પ્રેરણાત્મક એક્ઝિબિશનનું અનોખું સર્જન પણ કરવામાં આવ્યું છે.
સમગ્ર ચાતુર્માસનો પુણ્યવંતો લાભ રાજકોટનાં ધર્મવત્સલા માતુશ્રી કાશ્મીરાબહેન કાંતિભાઈ શેઠ-રત્નકુક્ષિણી હેતલબહેન સંજયભાઈ શેઠ પરિવારે લઈને ચાતુર્માસમાં પધારનાર દરેક વ્યક્તિ માટે આવાસ-નિવાસ અને ભોજનની તમામ વ્યવસ્થાઓ અને સેવા તેમણે સ્વીકારેલી છે.
ચાતુર્માસસંબંધી વધુ જાણકારી માટે +91 73030 00666 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. દરેક આયોજનની વ્યવસ્થા પારસધામ, રૂપાયતન રોડ, ગીર ફાર્મ, ભવનાથ, જૂનાગઢ, ગુજરાત ખાતે કરવામાં આવી છે.