27 April, 2025 03:11 PM IST | Surat | Shailesh Nayak
મોરબીમાં પોતાને ગમતું પુસ્તક લઈને એ નોંધાવવા માટે લાઇન લાગી હતી.
દર મહિનાના પહેલા રવિવારે સવારે સાડાસાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૫૦ પુસ્તક-પરબ ભરાય છે જ્યાં પુસ્કતપ્રેમીઓ ઊમટે છે. ફેરિયાથી લઈને BMWમાં ફરતા વાંચનપ્રેમી લોકો પણ પોતાનાં મનપસંદ પુસ્તકો નિઃશુલ્ક લઈ જાય છે વાંચવા
આધુનિક જમાનામાં મોબાઇલ, લૅપટૉપ, ટૅબ્લેટ જેવાં હાથવગાં સાધનોની મદદથી દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી જઈને અવનવી માહિતીનો ઢગલો આંગળીને ટેરવે મેળવી લેતા લોકોની વચ્ચે આજે પણ કંઈ કેટલાય લોકો પુસ્તકને ભૂલ્યા નથી. ગુજરાતમાં માતૃભાષા અભિયાનની પુસ્તક-પરબે લોકોને વાંચનઘેલા કર્યા છે અને સાત વર્ષમાં ૧૨ લાખથી વધુ પુસ્તકો વિના મૂલ્યે લોકો સુધી પહોંચ્યાં અને પુસ્તકપ્રેમીઓએ તેમનાં મનપસંદ પુસ્તકોને વાંચીને વાંચનની સાથે-સાથે તેમની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરી છે અને કરી રહ્યા છે.
સંસ્કૃતિના જતન માટે શરૂઆત
ભાષા અને સંસ્કૃતિના જતન માટે શરૂ થયેલા માતૃભાષા અભિયાન દ્વારા ૨૦૧૬થી પુસ્તક-પરબ નામથી લોકોને એક રૂપિયાના ખર્ચ વગર પુસ્તકો વાંચવા મળે એ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પાંચ પુસ્તક-પરબથી શરૂ કરેલી આ અનોખી પુસ્તક-પરબની યાત્રા આજે સમગ્ર ગુજરાતમાં ૧૫૦ પુસ્તક-પરબ સુધી પહોંચી છે. દર મહિનાના પહેલા રવિવારે સવારે સાડાસાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ શહેરો અને નગરો તેમ જ ગામોમાં પણ પુસ્તક-પરબ ભરાય છે જ્યાં પુસ્કતપ્રેમીઓ ઊમટે છે. હવે તો એવું બન્યું છે કે ઘણીબધી જગ્યાએ પુસ્તકપ્રેમીઓ મહિનાનો પહેલો રવિવાર આવે એની રાહ જોતા હોય છે. જોકે આ અભિયાન કોરોનાકાળમાં લગભગ બે વર્ષ બંધ રહ્યું હતું.
વડોદરામાં પોતાનાં મનગમતાં પુસ્તકો શોધતા પુસ્તકપ્રેમીઓ.
માતૃભાષા અભિયાનના અગ્રણી અને સાહિત્યકાર રાજેન્દ્ર પટેલે ‘મિડે-ડે’ને પુસ્તક-પરબ વિશે કહ્યું હતું કે ‘વાચકને તેમને મનગમતાં પુસ્તકો મળે અને સમાજમાં વાંચન વધે અને ભાષાનું, જ્ઞાનનું વર્ધન થાય, ભાષાનો પ્રચાર-પ્રસાર થાય એ હેતુ સાથે પુસ્તક-પરબ શરૂ કરી હતી, જેમાં એક પણ રૂપિયાની આપ-લે વગર પુસ્તકપ્રેમીઓ તેમની પસંદગીનાં પુસ્તકો લઈ જાય છે. સમાજમાંથી અમને વધારાનાં પુસ્તકો મળે છે અને જેમને પુસ્તકો વાંચવાં છે તેમના સુધી અમે પુસ્તક-પરબ દ્વારા પુસ્તકો પહોંચાડીએ છીએ. પુસ્તક-પરબની મહત્ત્વની કામગીરી એ છે કે વાંચકોને એનું મનગમતું પુસ્તક મળે; જેમ કે કોઈને નવલકથામાં, કોઈને વાર્તામાં, કોઈકને ઇતિહાસમાં તો અન્ય કોઈને આયુર્વેદમાં કે અન્ય કોઈ વિષયનાં પુસ્તકોમાં રસ હોય અને એ વાંચવાં હોય તો પુસ્તક-પરબમાંથી ઉપલબ્ધ પુસ્તક મુજબ તેમને પુસ્તક મળી રહે છે અને મનગમતાં પુસ્તકો લઈ જાય છે. જે વ્યક્તિ પુસ્તક લઈ જાય છે તે વાંચશે, કેમ કે તે તેની પસંદગીનું પુસ્તક લઈ જાય અને એના માટે કોઈ પૈસા આપવાના નથી.’
અમદાવાદમાં યોજાતી પુસ્તક-પરબ.
‘વાંચે ગુજરાત’ બન્યું પ્રેરણા
પુસ્તક-પરબ અભિયાન કેવી રીતે શરૂ થયું અને એનો હેતુ શું હતો એ વિશે વાત કરતાં રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘મારી પાસે ઘણાં પુસ્તકો આવે છે. એ પૈકી એવાં ઘણાં પુસ્તક પણ હોય કે જે કદાચ મારા માટે વાંચવાલાયક ન પણ હોય, પરંતુ બીજા માટે એ પુસ્તક વાંચવાલાયક હોય. તો હું એ પુસ્તક બીજા સુધી પહોંચાડું તો એનો ઉપયોગ થાય અને લોકો વાંચે પણ ખરા; આ એક નાનકડી વાત ક્લિક થઈ અને પુસ્તક-પરબ શરૂ થઈ. બીજી વાત એ પણ છે કે આની પ્રેરણા મને વાંચે ગુજરાત અભિયાનમાંથી મળી હતી. વાંચે ગુજરાત અભિયાન પ્રોજેક્ટ શરૂમાં મેં અને મહાદેવ દેસાઈએ હૅન્ડલ કર્યો હતો. પુસ્તક-પરબ સમાજમાં જ્ઞાનનું વર્ધન કરે છે અને સમાજમાં એકતાનું વાતાવરણ ઊભું કરે છે. લોકો સારું વાંચતા રહે, ખાસ કરીને યુવા પેઢી વાંચતી થાય એ હેતુ છે અને એમાં સફળતા પણ મળી રહી છે, યંગટર્સ સહિતનાં લોકો પુસ્તક લેવા આવે છે. પુસ્તક-પરબ શરૂ કર્યા પછી અનુભવ થયા છે કે ફેરિયાથી માંડીને BMWમાં આવનારી યુવતી ફુટપાથ પર ચાલતી પુસ્તક-પરબ પર આવે છે અને તેમના મનપસંદ પુસ્તકનો લાભ લે છે. એટલે પુસ્તક-પરબ સમાજમાં એકત્વતા સ્થાપે છે. લોકો પુસ્તક વાંચવા લઈ જાય છે એમ ઘણાબધા લોકો પુસ્તકો આપવા પણ આવે છે.’
દુર્લભ પુસ્તકોનું ડિજિટાઇઝેશન
સરસ્વતીચંદ્ર નવલકથા, બાળજીવન, વેદ વ્યાસ અને મહાભારત સહિતનાં કેટલાંક રેર પુસ્તકો પણ આ પરબમાંથી ઉપલ્બધ થયાં છે એની વાત કરતાં રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘આ પુસ્તક-પરબમાંથી રેર પુસ્તકો પણ મળ્યાં છે. ઘણા લોકો પુસ્તકો આપી જાય છે એમાં કેટલાંક એવાં પણ પુસ્તકો આવ્યાં છે કે હવે એ પુસ્તકો ફરી નથી છપાવાનાં. આવાં પુસ્તકોનું અમે ડિજિટાઇઝેશન કરવાના છીએ જેથી એ સચવાઈ રહે.’
અમદાવાદ, સુરત, વડોદરા, સાવલી, ગાંધીધામ, ભુજ, અંજાર, પાલનપુર, ધાનેરા, મોરબી, ગોધરા, દાહોદ, વાંકાનેર, ટંકારા, કિલ્લા પારડી સહિતનાં સ્થળોએ મહિનાના પહેલા રવિવારે પુસ્તક-પરબ યોજાય છે અને સ્થાનિક લોકો તેમને ગમતાં પુસ્તકો લઈ જાય છે.