નેધરલૅન્ડ્સે ભારતને બરાબરનું હંફાવ્યું માત્ર ૧૭ રનથી જીતી ટીમ ઇન્ડિયા

19 February, 2026 10:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ૩૦૦ પારની અપેક્ષા સામે ૨૦૦ના પણ વાંધા પડ્યા : વર્લ્ડ નંબર વન બૅટર અભિષેકની ઝીરોની હૅટ-ટ્રિકની નામોશી, ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે શિવમ દુબે બન્યો હીરો

૬૬ રન અને બે વિકેટના ઑલ રાઉન્ડ પર્ફોર્મન્સ સાથે શિવમ દુબે બન્યો મૅન ઑફ ધ મૅચ

ગઈ કાલે અમદાવાદમાં હૉટ-ફેવરિટ ભારતીય ટીમ અપેક્ષા પ્રમાણેનો પર્ફોર્મન્સ ન કરવા છતાં માંડ-માંડ ૧૭ રનથી નેધરલૅન્ડ્સને હરાવીને લીગ રાઉન્ડમાં અણનમ રહી હતી. ચારેય લીગ મૅચમાં જીત મેળવ્યા બાદ હવે ભારત રવિવારે આ જ મેદાનમાં ગયા T20 વર્લ્ડ કપમાં જેમને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું એ સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

શર્માએ શરમાવ્યા, દુબેએ દમ બતાવ્યો

સિરાજની જર્સી પણ કામ ન આવી બન્ને મૅચમાં નામોશી બાદ ગઈ કાલે કોઈક કારણોસર અભિષેક શર્મા મોહમદ સિરાજની જર્સી પહેરીને મેદાનમાં આવ્યો હતો. જોકે આ તિકડમ છતાં એ ખાતું નહોતો ખોલાવી શક્યો

ટૉસ જીતીને ભારતીય ટીમે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ T20 વર્લ્ડ કપમાં પહેલી વાર ૩૦૦ રનનો આંકડો પાર થશે એવી અપેક્ષાઓ તો હજી સુધી પૂરી નહોતી થઈ, પણ અમદાવાદની ફ્લૅટ પિચ પર જો ભારત પહેલાં બૅટિંગ કરશે તો થઈ જ જશે એવું લાગી રહ્યું હતું. જોકે ટુર્નામેન્ટ પહેલાં મેદાન ગજવી રહેલો અભિષેક શર્મા સતત ત્રીજી મૅચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં અને મૅન ઇન ફૉર્મ ઈશાન કિશન માત્ર ૧૮ રન બનાવી આઉટ થઈ જતાં મેદાનમાં સોપો પડી ગયો હતો અને ૨૦૦ રનનાં પણ ફાંફાં પડવા લાગ્યાં હતાં. તિલક વર્માના ૨૭ બૉલમાં ૩૧, કૅપ્ટન સૂર્યકુમાર યાદવના ૨૮ બૉલમાં ૩૪ અને હાર્દિક પંડ્યાના ૨૧ બૉલમાં ૩૦ રન ઉપરાંત શિવમ દુબેની ૩૧ બૉલમાં ૬ સિક્સર અને ચાર ફોર સાથે ૬૬ રનની ધમાકેદાર ઇનિંગ્સને લીધે ભારત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૩ રન સુધી પહોંચી શક્યું હતું. નેધરલૅન્ડ્સ વતી લોગન વૅન બીકે ૩ અને આર્યન દત્તે ૪ ઓવરમાં માત્ર ૧૯ રન આપીને અભિષેક અને કિશનની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

વરુણની જાળમાં ફસાયા

બિનઅનુભવી નેધરલૅન્ડ્સ ટીમ અનુભવી ભારતીય બોલિંગ-અટૅક સામે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૬ રન બનાવી શકી હતી અને એણે માત્ર ૧૭ રનથી હાર જોવી પડી હતી. વર્લ્ડ નંબર વન સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૩ ઓવરમાં ૧૪ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. દુબેએ ૩૫ રનમાં બે તેમ જ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી. 

લીગ રાઉન્ડમાં અભિષેક ઝીરો

ચારમાંથી ૩ મૅચમાં રમેલો વર્લ્ડ નંબર વન બૅટર અભિષેક શર્મા આ વર્લ્ડ કપમાં એક રન પણ નથી બનાવી શક્યો. ટુર્નામેન્ટ પહેલાં ગજબના પર્ફોર્મન્સને લીધે આ આ વર્લ્ડ કપનો હાઇએસ્ટ સ્કોર બનશે એવી અપેક્ષાઓ સામે તે હજી સુધી ખાતું પણ ખોલાવી નથી શક્યો. બીજી લીગમાં ખરાબ તબિતયને લીધે તે નામિબિયા સામે નહોતો રમી શક્યો, પણ પ્રથમ મૅચમાં અમેરિકા સામે પહેલા જ બૉલે, પાકિસ્તાન સામે ચોથા બૉલે અને ગઈ કાલે ત્રીજા બૉલે ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન પાછો આવી ગયો હતો. અત્યાર સુધી ભલે શાંત રહ્યો, પણ અમદાવાદમાં તે બધી જ કસર પૂરી કરી લેશે એવી અપેક્ષા સાથે સ્ટે‌ડિયમમાં ઊમટી પડેલા ચાહકોને જોકે ભારે નિરાશ થયું પડ્યું હતું.

આ કારનામા સાથે અભિષેક T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય ઓપનરોમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થનારમાં ૬ વાર સાથે બીજા નંબરે પહોંચી ગયો હતો. રોહિત શર્મા સૌથી વધુ ૧૦ વાર ખાતું નથી ખોલાવી શક્યો.

T20 રૅન્કિંગ્સમાં અભિષેકે નંબર વનનું ‍સ્થાન જાળવ્યું, કિશનનો મોટો જમ્પ

T20 વર્લ્ડ કપમાં નબળા પર્ફોર્મન્સ છતાં અભિષેક શર્માએ ગઈ કાલે જાહેર થયેલા ICC T20 રૅન્કિંગમાં નંબવ વન બૅટર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે તેના રેટિંગ-પૉઇન્ટ ઘટીને ૯૦૮માંથી ૮૯૧ થઈ ગયા છે. બીજી તરફ પાકિસ્તાન સામે ધમાકેદાર ઇનિંગ્સ રમનાર ઈશાન કિશન રૅન્કિંગમાં ૧૭ સ્થાનનો મોટો જમ્પ મારીને આઠમા ક્રમાંકે પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયા સામે સેન્ચુરી ફટકારનાર પથુમ નિસાંકા છઠ્ઠાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. બીજા સ્થાને ઇંગ્લૅન્ડનો ઓપનર ફિલ સૉલ્ટ છે. તિલક વર્મા પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગયો છે.

અભિષેક છેલ્લી ૭ મૅચમાં પાંચ વાર ઝીરો પર આઉટ થયો છે.

T20 વર્લ્ડ કપમાં અભિષેકે સૌથી વધુ ૩ વાર શૂન્ય પર આઉટ થવાના આશિષ નેહરાના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે.

અભિષેક શર્મા T20 ઇન્ટરનૅશનલ મૅચોમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનારા ખેલાડીઓમાં બીજા નંબરે પહોંચી ગયો છે. જો આ વર્ષે વધુ એક વાર આવું કરશે તો પાકિસ્તાની ઓપનર સાઇમ અયુબની છ વારની નામોશીની બરાબરી કરી લેશે.

સુપર 8માં કોણ ક્યારે ટકરાશે?

૨૧ ફેબ્રુઆરી

શનિવાર

ન્યુ ઝીલૅન્ડ v/s પાકિસ્તાન

કોલંબો

સાંજે ૭

૨૨ ફેબ્રુઆરી

રવિવાર

શ્રીલંકા v/s ઇંગ્લૅન્ડ

પલેકેલે

બપોરે ૩

૨૨ ફેબ્રુઆરી

રવિવાર

ભારત v/s સાઉથ આફ્રિકા

અમદાવાદ

સાંજે ૭

૨૩ ફેબ્રુઆરી

સોમવાર

વેસ્ટ ઇન્ડીઝ v/s ઝિમ્બાબ્વે

વાનખેડે

સાંજે ૭

૨૪ ફેબ્રુઆરી

મંગળવાર

ઇંગ્લૅન્ડ v/s પાકિસ્તાન

પલેકેલે

સાંજે ૭

૨૫ ફેબ્રુઆરી

બુધવાર

શ્રીલંકા v/s ન્યુ ઝીલૅન્ડ

કોલંબો

સાંજે ૭

૨૬ ફેબ્રુઆરી

ગુરુવાર

સાઉથ આફ્રિકા v/s વેસ્ટ ઇન્ડીઝ

અમદાવાદ

બપોરે ૩

૨૬ ફેબ્રુઆરી

ગુરુવાર

ભારત v/s ઝિમ્બાબ્વે

ચેન્નઈ

સાંજે ૭

૨૭ ફેબ્રુઆરી

શુક્રવાર

ઇંગ્લૅન્ડ v/s ન્યુ ઝીલૅન્ડ

કોલંબો

સાંજે ૭

૨૮ ફેબ્રુઆરી

શનિવાર

શ્રીલંકા v/s પાકિસ્તાન

પલેકેલે

સાંજે ૭

૧ માર્ચ

રવિવાર

સાઉથ આફ્રિકા v/s ઝિમ્બાબ્વે

દિલ્હી

બપોરે ૩

૧ માર્ચ

રવિવાર

ભારત v/s વેસ્ટ ઇન્ડીઝ

કલકત્તા

સાંજે ૭

 

t20 world cup world cup international cricket council netherlands india team india indian cricket team ahmedabad narendra modi ishan kishan abhishek sharma tilak varma suryakumar yadav hardik pandya shivam dube rinku singh washington sundar varun chakaravarthy jasprit bumrah arshdeep singh cricket news sports sports news