12 September, 2025 08:09 AM IST | Vadodara | Shailesh Nayak
પાંજરાપોળમાં પ્લૅટફૉર્મ પર ગાયો માટે લાઇનસર પતરાળાં મૂકીને એમાં ભોજન પીરસીને ગાયોને બોલાવીને જમાડી હતી, પાંજરાપોળમાં ભોજન કરી રહેલી ગાયો.
વડોદરા પાસે મિયાગામ કરજણમાં આવેલી પાંજરાપોળમાં ૫૦૦ જેટલી ગાયોને પતરાળાંમાં રોટલી, શાક, કઠોળ, દાળ–ભાત, મિષ્ટાન્ન અને ફ્રૂટ પીરસીને જમાડી: પાંચ રસોઇયા બોલાવીને બનાવી રસોઈ : ૨૦૦૦ રોટલી, ૫૦૦ કિલોથી વધુ શાક અને ૫૦૦ કિલો ફાડા લાપસી બનાવીને શ્રાદ્ધપક્ષમાં ગાયો માટે કર્યો જમણવાર
હાલમાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યા છે ત્યારે વડોદરા પાસે મિયાગામ કરજણમાં આવેલી પાંજરાપોળમાં બુધવારે ડાઇનિંગ ટેબલ પર ગાયોને ભોજન પીરસાયું હતું. પરંપરાગત રીતે પતરાળાં પાથરીને એમાં રોટલી, શાક, કઠોળ, દાળ–ભાત, મિષ્ટાન્ન અને ફ્રૂટ પીરસીને ૫૦૦ જેટલી ગાયોને જમાડવામાં આવી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશને પાંચ રસોઇયા બોલાવીને ગાયો માટે રસોઈ બનાવી હતી. એમાં ૨૦૦૦ રોટલી, ૫૦૦ કિલોથી વધુ શાક અને ૫૦૦ કિલો ફાડા લાપસી બનાવીને શ્રાદ્ધપક્ષમાં ગાયો માટે જમણવાર કર્યો હતો.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામેલા સ્વજનોના આત્માની શાંતિ માટે લોકો આ શ્રાદ્ધપક્ષમાં શ્રાદ્ધવિધિ કરતા હોય છે. ઘણા લોકો સેવા અને પુણ્યદાન કરતા હોય છે તેમ જ ઘણા લોકો પોતાના સ્વજનોની પાછળ લોકોને ભોજન કરાવતા હોય છે ત્યારે અમારી સંસ્થાને લાગ્યું કે શ્રાદ્ધપક્ષમાં ગાયો માટે પણ ભોજન-સમારોહ યોજીને એમને પણ જમાડી શકાય છે. આ વિચાર આવ્યા બાદ મિયાગામ કરજણમાં આવેલી પાંજરાપોળમાં ગાયોને જમાડવાનું આયોજન કર્યું હતું. એક અઠવાડિયા પહેલાંથી અમે તૈયારી કરી હતી. અંદાજે ૫૦૦ જેટલી ગાયોને જમાડવા માટે ગરમ રસોઈ બનાવવી હતી એટલે પાંચ રસોઇયાને બોલાવ્યા હતા અને બધી જ રસોઈ બનાવડાવી હતી. બુધવારે ગાયો માટે જમણવાર યોજ્યો હતો જેમાં ૨૦૦૦ રોટલી, ૫૦૦ કિલોથી વધુ મિક્સ શાક, કઠોળમાં ચણા, ૫૦૦ કિલોથી વધુ ફાડા લાપસી તેમ જ તરબૂચ પણ ગાયોને પીરસ્યાં હતાં.’
નીરવ ઠક્કરે કહ્યું હતું કે ‘ગાયોને શાંતિથી જમાડવી હતી એટલે પાંજરાપોળમાં આવેલા પ્લૅટફૉર્મ પર જ્યાં ગાયો માટે જમવાનું મુકાય છે ત્યાં પહેલાં પતરાળાં અને પડિયા મૂકીને એમાં રસોઈ પીરસી હતી અને એ પછી ગાયોને લાવીને જમાડી હતી. પતરાળાં મૂકીને ભોજન પીરસાતાં ગાયો પણ શાંતિથી જમી હતી. આવું પહેલી વાર થયું હતું કે પતરાળાંમાં ગાયોને જમાડવામાં આવી હોય. આપણા સમાજમાં પહેલાં પગંત પાડીને જમણવાર થતો હતો. અમે એવો પ્રયાસ કર્યો હતો જેમાં પ્લૅટફૉર્મ પર સામસામે પતરાળાં પાથરીને એમાં રસોઈ પીરસી હતી. પ્લૅટફૉર્મની બન્ને સાઇડ પર ગાયો ઊભી રહી ગઈ હતી અને જાણે કે પંગત પડી હોય એ રીતે જમી હતી.’