સુરતમાં માણસ આવે એટલે સુરતી બની જાયઃ પીએમ મોદી

09 September, 2022 08:19 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઓલપાડમાં મેઘા મેડિકલ કૅમ્પમાં વર્ચ્યુઅલી સંવાદ કરી વડા પ્રધાને સુરતીઓને ઓળઘોળ કર્યા

સુરતના ઓલપાડમાં યોજાયેલા મેગા મેડિકલ કૅમ્પમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને સંવાદ કર્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડમાં ગઈ કાલે યોજાયેલા મેઘા મેડિકલ કૅમ્પમાં વર્ચ્યુઅલી રીતે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને ઓળઘોળ કરતાં કહ્યું હતું કે ‘સુરતમાં માણસ આવે એટલે સુરતી બની જાય. તેની બોલી બદલાઈ જાય, ખાનપાન બદલાઈ જાય, તે ગમે ત્યાંથી આવ્યો હોય; આ સુરતના પ્રેમની તાકાત છે.’

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગઈ કાલે ઓલપાડના વિધાનસભ્ય અને પ્રધાન મુકેશ પટેલના વડપણ હેઠળ જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કૅમ્પ યોજાયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૅમ્પમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સુરતના લોકોના સેવાકાર્યની પ્રશંસા કરી તેમને બિરદાવતાં કહ્યું હતું કે ‘સેવાભાવ શું હોય છે એને સુરત અને સુરતના લોકો બખૂબી સમજે છે. આતો સુરતીઓના લોહીમાં ભળેલું છે. સદાય જીવંતપણાનો અહેસાસ કરાવતા સુરત શહેરમાં સદ્ભાવના, સામર્થ્ય, ઇચ્છાશક્તિનાં દર્શન થાય છે. ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશાં રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે.’

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘અમારા માટે દેશનો સમાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. આવી જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ સરકારને બમણા વેગથી કામ કરવાની પ્રેરણા આપે છે. કોઈ એક જ સ્થળે હેલ્થ કૅમ્પ યોજી હજારો નાગરિકોના આરોગ્યની કાળજી લેવી એ ઈશ્વરીય કાર્ય છે. દેશની પ્રગતિમાં આરોગ્યમય નાગરિકો, સ્વસ્થ સમાજ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ કેન્દ્ર સરકારે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરે છે ત્યારે દેશ નિશ્ચિતપણે પ્રગતિના પંથે આગળ વધે છે.’ વડા પ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમણે મેળવેલા લાભો અને એના થકી જીવનધોરણમાં આવેલા બદલાવની વિગતો જાણી હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ‘સૌના જીવનમાં ખુશહાલી આવે એ માટે તમામ યોજનાઓનાં ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબૂત રીતે નાખ્યા હોવાથી આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.’

સુરતના ઓલપાડમાં યોજાયેલા મેગા મેડિકલ કૅમ્પમાં સંબોધન કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના પ્રધાનમંડળના સભ્ય કનુભાઈ દેસાઈ, મુકેશ પટેલ અને વિનોદ મોરડિયા ઉપરાંત સંસદસભ્યો, વિધાનસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

gujarat gujarat news surat narendra modi bhupendra patel shailesh nayak