21 September, 2025 06:39 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) ના 2,400 કરોડ રૂપિયાના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેમાં કેટલીક બાબતો સામેલ છે. વડા પ્રધાને કરેલા શિલાન્યાસમાં ટુના-ટેકરા ખાતે મલ્ટી-પરપઝ કાર્ગો બર્થનો વિકાસ, ગ્રીન બાયો-મિથીનોલ પ્લાન્ટની સ્થાપના, પોર્ટ વિસ્તારની સુરક્ષા માટે સ્ટેટિક એન્ટી-ડ્રોન ટેકનોલોજી સિસ્ટમ, માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર, ઓઈલના જેટ્ટી અને વિવિધ નાગરિક કાર્યો વગેરે પણ બનાવવામાં આવશે.
કંડલા મેગા પોર્ટ ટર્મિનલ
આ અવસરે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ)ના અધ્યક્ષ સુશિલકુમાર સિંહ (આઈઆરએસએમઈ) દ્વારા આવનારા કંડલા મેગા પોર્ટ ટર્મિનલ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 6 કિ.મી. વોટરફ્રન્ટ ધરાવતો આ પ્રોજેક્ટ પ્રતિ વર્ષે 135 મિલિયન મેટ્રિક ટન કરતાં વધુ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતની સમુદ્રી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને વૈશ્વિક વેપારમાં દેશની ભૂમિકા મજબૂત બનાવશે. ભાવનગર ખાતેના કાર્યક્રમમાં શિપિંગ રાજ્ય મંત્રી રાજ , ડી.પી.એ ઉપાધ્યક્ષ નીલાભ્ર દાસ ગુપ્તા, શિપિંગ સચિવ રામચંદ્રન, નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી વિગેરે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીધામમાં લાઈવ પ્રસારણ કરવા આવ્યું
આ અવસર પર ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ ગાંધીધામ ખાતે સ્થિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગમાં પણ આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
વિકસિત ભારત તરફનું એક પગલું
‘સમુદ્ર સે સમૃદ્ધિ’ હેઠળ જાહેર થયેલા આ પ્રોજેક્ટ્સ સમુદ્રી ક્ષેત્રના પરિવર્તનની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. સસ્ટેનેબિલિટી સાથે સ્કેલ અને ગ્રીન એનર્જી સાથે પોર્ટ આધુનિકીકરણને જોડતા આ પ્રયત્નો વડા પ્રધાનના 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં કૅટાલિસ્ટ સાબિત થશે. વડા પ્રધાન ગઈ કાલે ગુજરાતની વિઝિટ પર હતા. ભાવનગરમાં ઍરપોર્ટથી ગાંધી મેદાન સુધી એક કિલોમીટરનો રોડ-શો કર્યો હતો. લોકોએ આ રોડ-શો દરમ્યાન ફૂલવર્ષા કરીને નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. રોડ પર ઑપરેશન સિંદૂરના વિજયનાં બૅનરો અને GST સુધાર માટે થૅન્ક યુ કહેતાં પોસ્ટર્સ લગાવ્યાં હતાં.
ભાવનગરના ગાંધી મેદાનમાં વડા પ્રધાને ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ સહિત ૩૪,૦૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં હતાં. એ પછી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સૌથી પહેલાં ગુજરાતીમાં બોલવાનું શરૂ કરીને પછી હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને એ પહેલાં કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ સાથે દેશભરના લોકો જોડાયેલા છે એટલે માફ કરજો મારે હિન્દીમાં ભાષણ કરવું પડશે.’ ભાવનગરમાં ૩૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ કરીને સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વડા પ્રધાને ટ્રમ્પના H-1B વીઝાના ફીવધારાનો આડકતરો જવાબ આપ્યો.