30 July, 2025 10:37 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અંબાજી મંદિરથી ગબ્બર સુધીના માસ્ટરપ્લાનનું મૉડલ.
ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન અને ગુજરાતની સરહદે અરવલ્લીના ડુંગરોની વચ્ચે આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીને ગુજરાત સરકારે મૉડલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવાની તૈયારી કરી છે અને એના માટે રાજ્ય સરકારે ૧૬૩૨ કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ રહેશે કે માતાજીનો ચાચર ચોક ત્રણગણો વિસ્તરશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ અંબાજી માતા મંદિર પરિસરને અગામી ૫૦ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે જે બે તબક્કામાં લાગુ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ માસ્ટર પ્લાન પર કામ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એની દેખરેખ રાખી રહ્યા છે. અંબાજી ગબ્બર પર્વત પર દેવી સતીનું હૃદય છે જ્યારે નીચે અંબાજીમાં અંબાજી માતાના મંદિરમાં વીસા યંત્ર છે. આ બન્ને પવિત્ર સ્થળોને જોડવામાં આવશે અને અંબાજી મંદિર તેમ જ ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરઍક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે. ગબ્બર અને અંબાજી મંદિર વચ્ચે જોડાણ કરવા માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્ત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે.
શું-શું થશે?
પ્રથમ તબક્કામાં અંદાજે ૯૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કૉરિડોરનું નિર્માણ કરાશે. શક્તિ કૉરિડોર ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું વ્યાપક નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા વિશાળ શક્તિ ચોકને ગબ્બર દર્શન ચોક સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અન્ડરપાસ, અંબાજી ચોકનો વિકાસ, મલ્ટિલેવલ કાર-પાર્કિંગ, યાત્રીભવન, દિવ્ય દર્શન પ્લાઝા, શક્તિપથ, સતી ઘાટ વિસ્તાર-વિકાસ અને ગબ્બર આગમન પ્લાઝાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે ૬૮૨ કરોડ રૂપિયાના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર-વિકાસ તથા સતી સરોવરનાં વિકાસ કાર્યો કરાશે. ચાચર ચોકનું ત્રણગણું વિસ્તરણ કરાશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ-પ્લાઝા અને ગરબા-મેદાન વિકસાવવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવેનો સમાવેશ કરાશે.