કૉન્ગ્રેસ રામાયણમાંથી રાવણ લઈ આવી : પીએમ

02 December, 2022 10:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોટો ૫૧ કિલોમીટરનો રોડ શો અમદાવાદમાં યોજ્યો નરેન્દ્ર મોદીએ, જબરદસ્ત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું

અમદાવાદમાં ગઈ કાલે રોડ-શોમાં જનમેદની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાને સંબોધતાં કૉન્ગ્રેસને ‘રાવણ’નો જવાબ આપતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાર્ટી રામના અસ્તિત્વનો જ સ્વીકાર નથી કરતી અને મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈને આવી.’

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોટો રોડ શો ગઈ કાલે સાંજે નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજ્યો હતો. અમદાવાદની તમામ વિધાનસભા બેઠકોને સાંકળી લેતા ૫૧ કિલોમીટરના રોડ શો દરમ્યાન નરેન્દ્ર મોદી ફૂલોથી શણગારેલી કેસરી કલરની જીપમાં ઊભા રહીને લોકોનું સતત અભિવાદન ઝીલતા રહ્યા હતા. રસ્તામાં આવતી સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સહિતના દેશના મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ કરતાં નરોડાથી ચાંદખેડા સુધીની પુષ્પાંજલિ યાત્રા યોજાઈ હતી.

આ પહેલાં , નરેન્દ્ર મોદીએ કાલોલ, બોડેલી અને હિંમતનગરમાં ચૂંટણીસભાઓ સંબોધી હતી. કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા નરેન્દ્ર મોદી માટે બોલાયેલા રાવણ શબ્દનો જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને આડે હાથ લીધી હતી. કાલોલની ચૂંટણીસભામાં કૉન્ગ્રેસ સામે વાક્પ્રહાર અને આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના આલા કમાન્ડે આદરણીય ખડગેજીને અહીં મોકલ્યા હતા. હું તેમને ઓળખું છું. તેમનો આદર કરું છું, પણ ખડગેજીએ એ બોલવું પડે જે તેમને ત્યાંથી ભણાવીને મોકલ્યા હોય. કૉન્ગ્રેસ પાર્ટીને ખબર નથી કે આ રામભક્તોનુ ગુજરાત છે. રામભક્તોની ધરતી પર રામભક્તની સામે તેમની પાસે બોલાવડાવવામાં આવ્યું કે તમે મોદીને ૧૦૦ માથાવાળો રાવણ કહો. કૉન્ગ્રેસ પાર્ટી રામના અસ્તિત્વનો જ સ્વીકાર નથી કરતી. આ કૉન્ગ્રેસ પાર્ટીને અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરમાં પણ વિશ્વાસ નથી. આ કૉન્ગ્રેસ પાર્ટીને રામસેતુ સામે પણ વાંધો છે, એવી કૉન્ગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવી.’

અમદાવાદમાં ગઈ કાલે રોડ-શોમાં બીજેપીના કાર્યકર્તાઓ

તેઓએ એમ કહીને ઉપસ્થિત સૌને પ્રશ્ન કર્યો હતો કે ‘મને લાગે છે કે કૉન્ગ્રેસ પાર્ટી મોદીને ગાળો દેવી, આ દેશના વડા પ્રધાનને અપમાનિત કરવા, તેમને નીચા દેખાડવાને પોતાનો અધિકાર સમજે છે. ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે આટલી બધી નફરત, આટલું બધું ઝેર, કીચડ ઉછાળવાનો, આ રસ્તો તમારો. જે મોદીને તમે જોયા હોય એ મોદીનું અપમાન એ તમારું અપમાન છે કે નહીં? આ કૉન્ગ્રેસના લોકોને હવે સુધારવા પડે કે નહીં? સુધારવાનો રસ્તો કયો? પાંચમી તારીખ આવે છે. કમળ ઉપર બટન દબાવો.’ 

gujarat gujarat news gujarat elections gujarat election 2022 ahmedabad narendra modi Gujarat Congress congress bharatiya janata party Gujarat BJP shailesh nayak