આ સીઝનમાં બહુ જ ગમશે કૂલ-કૂલ થેરપી

16 May, 2023 02:31 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ખૂબ જ નીચા તાપમાનમાં આપવામાં આવતી આઇસકોલ્ડ અને ક્રાયોથેરપીની મદદથી સ્કિન-ટૅનિંગ, ઍક્ને, વૉર્ટ્‍સ જેવી ત્વચા સંબંધિત ​સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. કેટલાક ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર અને શરીર પરની વધારાની ચરબી દૂર કરવામાં પણ આ ટેક્નિક અસરકારક છે

રકુલપ્રીત ​સિંહ

હાલમાં રકુલપ્રીત સિંહના એક ઇન્સ્ટાગ્રામ વિડિયોએ તેના પ્રશંસકોને આશ્ચર્ય મૂકી દીધા છે. વિડિયોમાં અ​ભિનેત્રી માત્ર બિકિની પહેરીને માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં બરફના પાણીમાં ડૂબકી લગાવી રહી છે. પાણીની આસપાસ બરફ છવાયેલો જોવા મળે છે. ટિશ્યુઝને થયેલી ઈજા પર સારવાર કરવા માટે ઉપયોગી ક્રાયોથેરપી નામની આ મેડિકલ ટ્રીટમેન્ટમાં અત્યંત ઠંડા 
પાણીમાં સ્નાન કરવાનું હોય છે. અગાઉ ફરહાન અખ્તર અને એ વખતની તેની ગર્લફ્રેન્ડ શિવાની દાંડેકર (હાલમાં વાઇફ)એ પણ કોલ્ડ થેરપી લીધી હતી. તેઓ માઇનસ ૧૩૦ ડિગ્રી તાપમાનમાં ત્રણ મિનિટ સુધી રહ્યાં હતાં. રમતવીરો અને ફિલ્મી કલાકારોમાં પ્રચલિત ક્રાયોથેરપી શું છે, કોણે લેવી જોઈએ અને એનાથી શરીરને કેવા-કેવા ફાયદા થાય છે એ સમજીએ. 

કઈ રીતે થાય?

ક્રાયોથેરપી એવી ટ્રીટમેન્ટ છે જ્યાં શરીરના ખાસ ભાગને થોડી મિનિટો માટે એકદમ નીચા તાપમાનમાં રાખવામાં આવે છે. ત્વચાનું આરોગ્ય વધારવા માટે આ અસરકારક મનાય છે. આ ઉપચારની ઘણીબધી રેન્જ છે. જેમ કે આઇસ પૅક્સ લગાવવા, બરફના પાણીમાં ઊંડા ઊતરવું અથવા કોલ્ડ ચેમ્બર્સનો ઉપયોગ કરવો. આવી જાણકારી આપતાં ધ એસ્થેટિક ક્લિનિકસનાં ડર્મેટોસર્જ્યન ડૉ. રિંકી કપૂર કહે છે, ‘ક્રાયોથેરપીમાં લિક્વિડ નાઇટ્રોજન ગૅસ અથવા ડ્રાય આઇસ વાપરવામાં આવે છે. નાઇટ્રોજન ગૅસ કન્ટેનરને ક્રાયો સ્પ્રે પણ કહેવામાં આવે છે. જેમ પ્લાન્ટ્સ પર આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ એવી રીતે ત્વચાના ચોક્કસ ભાગ પર સ્પ્રે મારવામાં આવે છે. જેમ કે પિમ્પલ કે ઍક્નેની ટ્રીટમેન્ટ કરવાની હોય તો ચહેરા પર હિટ થતાં જ એ એરિયા બરફની જેમ થીજી જાય છે અને પિમ્પલને ડિસ્ટ્રૉય કરવામાં મદદ કરે છે.’

ઍક્ને રિડક્શન, વૉર્ટ્સ ગ્રોથ, સ્કિન-ટૅનિંગમાં પણ ક્રાયોથેરપી ઉપયોગી સારવાર છે એવી માહિતી આપતાં ડૉ. રિંકી કહે છે, ‘ત્વચાની અનેક સમસ્યાઓમાં ફ્રીઝિંગ ટેક્નિકનાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે. સ્પ્રે ઉપરાંત ડ્રાય આઇસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડના ફૉર્મમાં પણ કોલ્ડ થેરપી આપવામાં આવે છે. ક્રિસ્ટલ ફૉર્મમાં આઇસને ક્લોથમાં રૅપ કરીને અફેક્ટેડ એરિયામાં યુઝ કરવામાં આવે છે. ત્વચાની કોઈ સારવાર ચાલતી હોય ત્યારે ઘણી વાર દરદીની સ્કિન રિસ્પોન્ડ નથી કરતી. આવા કેસમાં છેલ્લા ઉપાય તરીકે ક્રાયોથેરપી આપવામાં આવે છે. જોકે એક વારમાં ઉપચાર નથી થતો. ત્વચાની સમસ્યાના પ્રકાર અને એ કઈ રીતે રિસ્પૉન્સ આપે છે એની તપાસ કર્યા પછી સેશન્સ નક્કી થાય છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે લેવામાં આવતી ક્રાયોથેરપી મહિલાઓમાં ખાસ્સી પૉપ્યુલર છે અને વધુ ખર્ચાળ પણ નથી.’

ફૅટ ફ્રીઝિંગ 

ક્રાયોથેરપી તમારી ત્વચાને સુંદર રાખવાની સાથે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે એમ જણાવતાં ડૉ. રિંકી કહે છે, ‘સ્કિન ક્રાયોથેરપી જેવી જ બીજી ટ્રીટમેન્ટ છે ક્રાયો લાયપોલોસિસ. આ ટેક્નિકમાં માઇનસ ૪૫ ડિગ્રી તાપમાનમાં ફૅટ્સને ફ્રીઝ કરી દેવામાં આવે છે. ફૅટ્સ ફ્રીઝિંગ એ સંપૂર્ણપણે બિનશસ્ત્રક્રિયા પદ્ધતિ છે જેમાં મશીનની સહાયથી શરીરનાં ચોક્કસ અંગોને ટાર્ગેટ કરીને ફૅટી ટિશ્યુઝને ફ્રીઝ કરી દેવામાં આવે છે. અતિશય ઠંડું તાપમાન શરીરમાં રહેલા ફૅટી ટિશ્યુઝની પ્રક્રિયાને શિથિલ કરી નાખે છે તેમ જ અગાઉથી જામી ગયેલા ચરબીના થરને તોડી નાખે છે. પ્રેગ્નન્સી પછી પેટની વધારાની ચરબી દૂર કરવા, જાંઘ, હડપચી અને અન્ડર-આર્મ્સની ફૅટ્સ માટે એ ખૂબ જ અસરકારક છે. ફૅટ ફ્રીઝિંગ માટેની સારવાર ઘણી એક્સપેન્સિવ હોવાથી વધુ પૉપ્યુલર નથી.’

આ પણ વાંચો: આર્ટ‍્સના વિદ્યાર્થીઓ જ છવાયેલા છે એન્ટરટેઇનમેન્ટથી આઇએએસ સુધી

ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર

જૉઇન્ટ્સ, બોન્સ અને નર્વ્સ પેઇન રિલીફમાં ફ્રીઝિંગ ટેક્નિક ઉપયોગી છે, પરંતુ ક્રાયોથેરપી જેવી ઍડ્વાન્સ્ડ ટ્રીટમેન્ટ કેટલી અસરકારક નીવડી શકે છે એ બાબતે વધુ સપષ્ટતા નથી. કેટલાંક તબીબી સંશોધનો ચાલી રહ્યાં છે એવી માહિતી આપતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. મનીષ છાબરિયા કહે છે, ‘ક્રાયોથેરપી બહુ વિચારીને આપવી પડે છે. આ ઉપચાર કરતી વખતે શરીર એકદમ ઠંડું પડી જાય છે તેથી ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરમાં ડાયરેક્ટ રેકમેન્ડ કરવામાં નથી આવતી. પેઇન રિલીફ તરીકે આજે પણ ડૉક્ટરો આઇસપૅક લગાવવાની સલાહ આપે છે. આઇસપૅક અપ્લાય કરવો કે શરીરના કોઈ ભાગ પર ફ્રિજનું ઠંડું પાણી રેડવું એ ફ્રીઝિંગ થેરપીની લો કૅટેગરી છે. બરફ લગાવીએ એટલે થોડી વાર માટે નર્વ્સ નમ થઈ જાય છે અને દરદીને રિલીફ ફીલ થાય છે. નર્વ્સ નમ કરી નાખવી એ ઍનેસ્થેસિયાનો હળવો પ્રકાર છે. શરીરના કોઈ ભાગ પર સોજો હોય તો બરફ ઘસવાથી સારું લાગે છે. બરફના પાણીમાં ડૂબકી ન મારી શકાય.’

માઇગ્રેઇન અથવા લાંબા સમય સુધી માથાનો દુખાવો રહેતો હોય એવા દરદીઓ માટે ઠંડા પાણીનો ઉપચાર અસરકારક છે એવી ભલામણ કરતાં ડૉ. મનીષ છાબરિયા કહે છે, ‘ઠંડું પાણી માઇગ્રેનનો દુખાવો ઓછો કરવાનો પ્રાકૃતિક ઉપચાર છે. બરફ જેવા ઠંડા પાણીથી નર્વ્સ ઇરિટેશનમાં રાહત થાય છે. ડિમેન્શિયાના દરદીઓના શરીરને પણ માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં અમુક ચોક્કસ સમય સુધી જ રાખી શકાય, કારણ કે આ ઉપચાર જોખમી છે. ક્રાયોથેરપીમાં વેઇન સ્રિન્ક થઈ શકે, બ્લડ-સપ્લાય ઓછી થઈ જાય. ફ્રીઝિંગ થેરપીથી ટેમ્પરરી રિલીફ થાય છે. સંપૂર્ણ ઇલાજ માટે દવાઓ લેવી જરૂરી છે. તડકામાં ન નીકળવું, બૉડીને હાઇડ્રેટેડ રાખવું, લાઇફસ્ટાઇલમાં ચેન્જ લાવવો વગેરેથી પણ ફરક પડે છે. ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરમાં ક્રાયોથેરપી આપવામાં આવે એવું ભવિષ્યમાં કદાચ બની શકે, પરંતુ હાલમાં આ ટ્રીટમેન્ટ સિલેક્ટેડ દરદીઓ માટે જ ઍક્સેસેબલ છે.’ ક્રાયોથેરપી પેઇન રિલીફ મીડિયમ તરીકે પણ કામ કરે છે. ખૂબ જ ઠંડા ચેમ્બરમાં થોડા સમય માટે દરદીને બંધ કરવામાં આવે છે, જેથી શરીરની માંસપેશીઓ અને સૂજેલી નસો ખૂલી જાય અને એનો યોગ્ય ઇલાજ થાય. આ થેરપી શરીરની માંસપેશીઓને હીલિંગ કરવાનું કામ તો કરે જ છે, ટ્રીટમેન્ટ પછી રીફ્રેશ પણ ફીલ કરે છો. 

સ્પોર્ટ્‍સ સાયન્સ 
 
VO... max : આ ટેક્નિકની મદદથી હૃદયના ધબકારા અંગે માહિતી મેળવી શકાય છે. ખેલાડીના ધબકારાથી તે કેટલો ફિટ છે એ જાણી શકાય છે.
હાઇપોક્સિક ચેમ્બર : ઑક્સિજનનો અભાવ હોય એવા લોકેશન પર પર્ફોર્મન્સ કરી શકે એ માટે હાઇપોક્સિક ચેમ્બરનો ઉપયોગ કરાય છે. સમુદ્રની સપાટી પર ઑક્સિજનનું કન્સન્ટ્રેશન ૨૦.૯ હોય છે, પરંતુ એને ૧૦.૦૧ ટકા સુધી ઘટાડીને પ્રૅક્ટિસ કરાવાય છે જેથી ખેલાડીનો સ્ટૅમિના વધે.
હાઇડ્રોથેરપી : સ્વિમિંગ-પૂલમાં કસરત કરાવાય છે. એનાથી માંસપેશીઓને આરામ મળે છે. સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.

કાઇરોથેરપી : માંસપેશીમાં દુખાવાથી છુટકારો અપાવે છે. ડૅમેજ્ડ ટિશ્યૂ દૂર કરે છે. એમાં માઇનસ ૧૮૦ ડિગ્રી સુધી તાપમાન ઘટાડી શકાય છે.

તકેદારી જરૂરી

ક્રાયોથેરપી કરાવવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ સાવધાની જરૂરી છે. હિલ સ્ટેશન પર કે ઊંચા પહાડો પર ફરવા જાઓ ત્યારે ફ્રોઝન ફિંગર થાય છે એવી જ રીતે કોલ્ડ ચેમ્બરમાં ટાઇમ-લિમિટ ક્રૉસ કરવાથી નેગેટિવ અસર થઈ શકે છે. તાપમાનને કન્ટ્રોલમાં રાખવા સુપરવિઝન જરૂરી છે. 

columnists health tips Varsha Chitaliya rakul preet singh life and style