18 January, 2026 12:10 PM IST | Mumbai | Shailesh Nayak
અથાણા માટેનાં મરચાંની તૈયારી કરતાં સેવાભાવી ભાઈઓ-બહેનો.
જેમ અંબાજીનો મોહનથાળનો પ્રસાદ સુપ્રસિદ્ધ છે એમ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૨૦૦ વર્ષથી બનતું આવેલું પરંપરાગત લીંબુ-મરચાંનું અથાણું એની ક્વૉલિટીની સાથે સ્વાદ અને સોડમના કારણે વખણાય છે દેશ-વિદેશમાં : ગાંધીનગર, માણસા તેમ જ વાસદની આસપાસનાં ગામોનાં દેશી મરચાં અને મધ્ય પ્રદેશનાં નિમાડી લીંબુ લાવીને પરંપરાગત દેશી પદ્ધતિથી લાકડાની કોઠીઓમાં બંધ કરીને બનાવાઈ રહ્યું છે ૫૨૦૦ મણ લીંબુ-મરચાંનું શુદ્ધ અને સાત્ત્વિક અથાણું : વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ જાળવી રાખી છે મંદિર પ્રશાસને : ઑગસ્ટથી શરૂ કરીને છેક ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રોસેસ કરીને બનાવાય છે અથાણું : સંતોની સાથે ૩૦૦ હરિભક્તો પણ લાગ્યા છે અથાણું બનાવવાના સેવાકાર્યમાં
એકાદ-બે મહિનામાં અથાણાંની સીઝન ચાલુ થવા જઈ રહી છે અને જાતભાતનાં અથાણાં બજારમાં ઠલવાશે ત્યારે આજકાલ વડતાલ સ્વામીનારાયણ મંદિરનું અથાણું ચર્ચામાં આવ્યું છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી જાઓ તો કોઈ પણ માઈભક્ત અવશ્ય મોહનથાળનો પ્રસાદ ખાય જ. એવી જ રીતે મધ્ય ગુજરાતમાં આવેલા વડતાલના સ્વામીનારાયણ મંદિરનું લીંબુ-મરચાંનું અથાણું પણ હરિભક્તો અવશ્ય માગે જ. દેશી લીંબુ-મરચાંને આથવા એમાં મીઠું, હળદર તેમ જ લીંબુનો રસ ભેળવીને પ્રભુનું નામ સ્મરણ કરતાં- કરતાં આપણી પરંપરાગત દેશી પદ્ધતિથી એવું તો અથાણું તૈયાર કરાય છે કે હરિભક્તોમાં એની કાયમ ડિમાન્ડ રહે છે.
શ્રાવણમાં આથવામાં આવેલાં લીંબુ કોઠીમાંથી બહાર કાઢવામાં આવે છે.
આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે જ્યાં દેવદર્શન માટે ધાર્મિક જનો જતા હોય ત્યાં વળી લાખ્ખો કિલો અથાણું બને? અને એય સ્વાદિષ્ટ અને ક્વૉલિટીવાળું. પણ આ લીંબુ-મરચાંના અથાણાંની વાત પણ આ અથાણાં જેવી જ ખટ્ટીતીખી છે. કેવી રીતે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં અથાણાં બનાવવાની પરંપરા શરૂ થઈ અને હજી પણ આ પ્રથા કેમ ચાલી આવી છે અને કેમ આ અથાણાની દેશવિદેશમાં ડિમાન્ડ હોય છે એવી બધી રસપ્રદ બાબતો વિશે જાણીએ.
લીંબુમાં મરચાં ઉમેરવામાં આવે છે.
અથાણાંની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં હાલમાં અથાણું બનાવવા માટે સંતો અને હરિભક્તો કામે લાગ્યા છે. લીંબુ-મરચાંની મિક્સિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મંદિર કેમ આ અથાણું બનાવી રહ્યું છે અને આ અથાણાંની પરંપરા કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના ચૅરમૅન ડૉ. સંતવલ્લભદાસ સ્વામી ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાંના જમાનામાં હોટલો અને રેસ્ટોરાં નહોતાં. એવા સમયે જ્યારે હરિભક્તો ધર્મસ્થાનોમાં જતા ત્યારે તેમની સાથે રોટલા, થેપલાં લઈને જતા. વડતાલમાં સ્વામીનારાયણ મંદિરને ૨૦૨ વર્ષ પૂરાં થયાં. વર્ષો પહેલાં આ મંદિરે જ્યારે હરિભક્તો દર્શન માટે આવતા ત્યારે ઘરેથી થેપલાં, ઢેબરાં અને રોટલા લઈને આવતા હતા. હરિભક્તો જમવા બેસતા ત્યારે તેમને મંદિરમાંથી લીંબુ- મરચાંનું અથાણું અને છાસ આપવામાં આવતાં હતાં. લીંબુ-મરચાંનું અથાણું એટલા માટે અપાતું કે એ બનાવ્યા પછી લાંબો સમય સુધી ચાલતું હતું. એટલે વર્ષો પહેલાંથી જ મંદિર દ્વારા લીંબુ-મરચાંનું અથાણું બનાવવામાં આવતું હતું. પહેલાં અથાણું માત્ર મંદિરે આવતા યાત્રાળુઓ પૂરતું બનાવતા હતા પરંતુ મંદિરમાં ક્વૉલિટી મેઇન્ટેન કરીને સંતો અને હરિભક્તો દ્વારા જ શુદ્ધ સાત્ત્વિક રીતે અથાણું બનાવવામાં આવતું હોવાથી અને આ અથાણું પરંપરાગત રીતે દેશી પદ્ધતિથી બનતું હોવાથી એનો સ્વાદ સારો રહેતો. લાંબા સમય સુધી આ અથાણું ટકે છે એટલે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં તેમ જ વિદેશના હરિભક્તો પણ આ અથાણું ઘરે લઈ જવા માટે માગતા હતા. અથાણાની ડિમાન્ડ રહેતાં હવે અથાણું વધારે બનાવવામાં આવે છે. હાલમાં મંદિરમાં અથાણું બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ વર્ષે ૫૨૦૦ મણ લીંબુ-મરચાંનું અથાણું બનાવી રહ્યા છીએ. લગભગ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં થાળીમાં આ અથાણું પીરસાશે.’
લીંબુ અને મરચાંને મિક્સ કરીને ફરી લાકડાની કોઠીમાં પૅક કરી દેવાય છે.
અથાણું બનાવવા સંતો સાથે મળીને કરે છે આયોજન
અથાણું બનાવવા માટે બજારમાં જઈને લીંબુ-મરચાં લાવી દેવાનાં એમ નહીં, એના માટે તકેદારી રાખીને કયાં દેશી લીંબુ અને દેશી મરચાં સારાં પાક્યાં હશે એની તપાસ કરીને પછી જ લીંબુ-મરચાંની ખરીદી કરવામાં આવે છે એટલું જ નહીં, અથાણું બનાવવા માટે સંતો સાથે મળીને આયોજન કરે છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લાં ૧૬ વર્ષથી અથાણું બનાવવાની કામગીરી સંભાળી રહેલા શ્યામવલ્લભ સ્વામી આ વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘મંદિરમાં છેલ્લાં ૨૦૦ વર્ષથી લીંબુ-મરચાંનું અથાણું બનાવવામાં આવી રહ્યું છે. વર્ષમાં એક વાર બનાવવામાં આવતાં અથાણાં માટે ઍડ્વાન્સમાં તૈયારી થાય છે. વડતાલ મંદિરના ચૅરમૅન ડૉ. સંતવલ્લભદાસ સ્વામી અને મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાસદાસ સ્વામી સહિતના સંતોના માર્ગદર્શનમાં તૈયારીઓ થાય છે. સંતો સાથે બેસીને આયોજન કરે છે. ગયા વર્ષે ૧ લાખ ૪૮ હજાર કિલો અથાણું બનાવ્યું હતું. આ વર્ષે ૧ લાખ ૪ હજાર કિલો એટલે કે ૫૨૦૦ મણ જેટલું અથાણું બનાવવાનું છે, કેમ કે આ વખતે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે માલ જોઈએ એવો ન મળ્યો એટલે માપનું રાખ્યું છે. લીંબુ-મરચાં તપાસીને મગાવીએ છીએ. માણસોને જે-તે જગ્યાએ મોકલીએ છીએ. તેઓ લીંબુ-મરચાં ચેક કરે છે. કેમિકલ વગરનાં અને પ્રાકૃતિક રીતે ઉગાડેલાં દેશી લીંબુ અને દેશી મરચાં લાવીએ છીએ. આ વખતે ગાંધીનગર પાસે મુબારકપુરા તેમ જ માણસા પંથક અને વાસદ પંથકનાં ગામોમાંથી દેશી મરચું લાવ્યા છીએ કેમ કે વઘારનું કે રેગ્યુલર મરચું અથાણામાં ન ચાલે. માર્કેટમાં ૫૦ પ્રકારનાં મરચાં મળે પણ બીજાં મરચાં અથાણાંમાં નાખો તો અથાણું બગડી જાય, જોઈએ એવી મજા ન આવે. અથાણું બ્લૅક થઈ જાય એવી સમસ્યા રહેતી હોય છે એટલે સ્પેશ્યલ દેશી મરચું આવે એનો ઉપયોગ કરીએ છીએ.’
વડતાલ સ્વામીનારાયણ મંદિરના ચૅરમૅન ડૉ.સંતવલ્લભદાસ સ્વામી.
નિમાડી લીંબુનો ઉપયોગ
કદાચ નિમાડી લીંબુનું નામ ઘણાએ પહેલી વાર વાંચ્યું હશે. વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં બની રહેલા લીંબુ-મરચાંના અથાણામાં નિમાડી લીંબુનો ઉપયોગ થઈ રહ્યો છે. એના વિશે વાત કરતાં શ્યામવલ્લભ સ્વામી કહે છે, ‘નિમાડી લીંબુ એ દેશી લીંબુ છે અને એને ચકાસીને લાવ્યા છીએ. મધ્ય પ્રદેશમાં કુક્ષીની આસપાસ નિમાડી નામનો પ્રદેશ આવેલો છે. ત્યાં થતાં લીંબુને નિમાડી લીંબુ કહે છે. આ લીંબુની ખાસિયત એ છે કે એ લીંબુની દેશી જાત છે. આ લીંબુને આથીએ તો બગડતું નથી. એનું પડ સારું હોય છે એટલે અથાઈ જવામાં સરળતા રહે છે અને અથાણું સારું બને છે. આ લીંબુ ટેસ્ટમાં બેસ્ટ હોય છે એટલે આ નિમાડી લીંબુ ખાસ મગાવ્યાં છે. અથાણા માટે લીંબુ-મરચાંનો જથ્થો લાવતાં પહેલાં એનાં સૅમ્પલ મગાવીને એને ચેક કરીને ઓકે થાય પછી જ લીંબુ-મરચાં મગાવીએ છીએ.’
અથાણાની સામગ્રી અને ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ
૨૦,૦૦૦ કિલો નિમાડી લીંબુ
૮૦,૦૦૦ કિલો મરચાં
૧૬,૦૦૦ કિલો મીઠું
૨૦૦૦ કિલો હળદર
૬૦૦ લીટર લીંબુનો રસ
૧૫ મણની એક એવી લાકડાની ૩૫ કોઠીઓ
૫ મણનું એક એવાં ૨૫૦ પ્લાસ્ટિકનાં પીપ
અથાણું બનાવવાની કામગીરીમાં સામેલ શ્યામવલ્લભ સ્વામી.
અથાણું બનાવવાની પ્રક્રિયા
કોઈ પણ ખાદ્ય સામગ્રીને સ્વાસ્થ્યવર્ધક, ક્વૉલિટીવાળી અને ટેસ્ટી બનાવવી હોય તો એની રેસિપી પણ એવી ખાસ હોવી જોઈએ. વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં અથાણું પરંપરાગત રીતે બને છે એના માટે લીંબુ-મરચાં કયા મહિનામાં આવે છે અને અથાણું કેવી રીતે બને છે એ પ્રક્રિયા વિશે વાત કરતાં શ્યામવલ્લભ સ્વામી કહે છે, ‘લીંબુ શ્રાવણ માસમાં, ઑગસ્ટ મહિનામાં આવે છે. મરચાં ડિસેમ્બર–જાન્યુઆરીમાં મગાવીએ છીએ. અથાણું બનાવવાની પ્રક્રિયા બે ભાગમાં થાય છે. શ્રાવણ મહિનામાં લીંબુ આવે ત્યારે અથાણું બનાવવાનું કામ શરૂ થાય છે. લીંબુ આવે એટલે એને ધોઈ નાખીને એક લીંબુમાં ચાર કાપા મૂકીને એમાં મીઠું-હળદર ભેળવી દઈએ છીએ. પછી એને લાકડાની કોઠીઓમાં નાખીને એના પર થોડું લીંબુનું પાણી ઍડ કરી એને પૅક કરી દઈએ છીએ. ચાર મહિના સુધી એને કોઠીમાં જ રહેવા દઈએ છીએ. દર ૧૫ દિવસે કોઠીઓ ખોલીને નજર કરી લઈએ છીએ. લીંબુ પર મીઠાનો ક્ષાર જામ્યો હોય એને કાઢી લઈએ છીએ. ચાર મહિનામાં લીંબુ મીઠું અને હળદરમાં એકરસ થઈને અથાઈને તૈયાર થઈ જાય છે કેમ કે લીંબુની રગેરગમાં હળદર અને મીઠું ઊતરી જાય છે. આ કમ્પ્લીટ થયા પછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં મરચાં લાવીએ છીએ. મરચાંને ધોઈને સૂકવી દઈએ. એક-એક મરચામાં બેત્રણ કાણાં પાડીએ છીએ. પછી એ મરચાં સાથે આથેલાં લીંબુ નાખીએ છીએ અને ઉપરથી મીઠું અને હળદર નાખીને એને મિક્સ કરી દઈને ફરી લાકડાની કોઠીઓમાં નાખીને એના પર થોડું લીંબુનું પાણી નાખીએ છીએ. એ પછી લાકડાની કોઠીઓને લૉક કરીએ છીએ. દર અઠવાડિયે કોઠીઓ ખોલીને ચેક કરીએ છીએ અને ક્ષાર આવ્યો હોય તો એને કાઢી લઈએ છીએ. આમ કરતાં ૬૦ દિવસ પૂરા થઈ જાય એટલે અથાણું તૈયાર થઈ જાય છે.
ડિસેમ્બર–જાન્યુઆરીમાં તમે આ પ્રોસેસ કરી હોય એટલે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં લીંબુ-મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ જાય છે. આ પછી એને કોથળીઓમાં પૅક કરી દઈએ છીએ. અત્યારે હાલમાં લીંબુ-મરચાંના અથાણાને આથવાની પ્રોસેસ ચાલી રહી છે. આ વખતે લીંબુ સેવામાં આવ્યાં છે, જ્યારે મીઠું દર વર્ષે સેવામાં આવે છે. અથાણું બનાવવાનો ખર્ચ મંદિર ઉપાડે છે.’
લાકડાની કોઠીઓમાં ભરાયેલા લીંબુ-મરચાંના અથાણાનું ચેકિંગ.
અથાણાંની વહેંચણી
અથાણું બનીને તૈયાર થઈ જાય એટલે એની વહેંચણી વિશે વાત કરતાં શ્યામવલ્લભ સ્વામી કહે છે, ‘લીંબુ-મરચાંનું અથાણું તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલાં ભગવાનને થાળમાં ધરાવીએ છીએ. ભગવાન માટે અલગથી અથાણું કાઢી લઈએ છીએ. એ પછી સંતો અને હરિભક્તોને જમવામાં આપવા માટેનું અથાણું અલગથી રાખવામાં આવે છે. એ પછી હરિભક્તોને લઈ જવું હોય તેમના માટે અલગથી અથાણું રાખવામાં આવે છે. અથાણાનો ૫૦ ટકા ઉપયોગ જમવા માટે થાય છે. બાકી જે યજમાન હોય, ડોનર હોય તેમ જ કાયમી સેવક હોય તેને સેવામાં અથાણું આપીએ છીએ અને જે હરિભક્તોને પૈસાથી લેવું હોય તેમને અથાણું આપીએ છીએ. અથાણું લઈ જવા માટે લોકોની માગણી વધી છે. અથાણું ગુજરાત અને મુંબઈ ઉપરાંત ભારતના જુદાં-જુદાં રાજ્યો તેમ જ આફ્રિકા, લંડન, ઑસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ હરિભકતો લઈ જાય છે. મંદિર અથાણાનો બિઝનેસ નથી કરતું. આ એક પરંપરા છે. જેમ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને વખણાય છે એમ વડતાલ સ્વામીનારાયણ મંદિરનું લીંબુ- મરચાંનું અથાણું વખણાય છે. લોકો એને પ્રસાદીનાં મરચાં તરીકે ઓળખે છે. પ્રસાદીનાં મરચાં મળશે? એવું બધા બોલે છે અને લીંબુ-મરચાંના અથાણાનો પ્રસાદ હરિભક્તો લઈ જાય છે.’
૩૦૦ હરિભક્તો કરી રહ્યા છે સેવા
હાલમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં લીંબુ-મરચાંનું અથાણું બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં જલુંધ, દેવા, પેટલી, વટાદરા, બામણગામ, તારાપુર, મોગરી અને સેવાલિયા સહિતનાં નગરો અને ગામોના ૩૦૦થી વધુ ભાઈઓ-બહેનો સેવામાં જોડાયાં છે. આ ઉપરાંત સહાયક કોઠારી ગુણસાગર સ્વામી અને અમૃત સ્વામી પણ સેવામાં જોડાયા છે. આ વખતે મોહન પાટીદાર, મધુસૂદન પાટીદાર અને સતીશ પાટીદાર દ્વારા ૧ હજાર મણ લીંબુ સેવામાં અપાયાં છે.