01 December, 2024 03:19 PM IST | Girnar | Shailesh Nayak
અંબાજી મંદિરની ડ્રોન તસવીર.
સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જેનું માહાત્મ્ય વર્ણવેલું છે એ ગરવો પર્વત ગિરનાર અને ત્યાં આવેલાં મંદિરો આધ્યાત્મિકતાની આલબેલ પોકારીને ધર્મપ્રિયજનોમાં અલખનો એકાકાર કરાવી રહ્યાં છે. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદીનો વિવાદ ઊઠ્યો છે ત્યારે આવો જાણીએ આ મંદિરની જાણીઅજાણી આધ્યાત્મિક વાતો. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીએ લગ્ન બાદ છેડા છોડવાની વિધિ ત્યાં કરી હતી
સોરઠ ધરા ન સંચર્યો
જે ના ચઢ્યો ગઢ ગિરનાર
જે ના નાહ્યો દામો કે રેવતી
તેનો એળે ગયો અવતાર
આપણા લોકસાહિત્યમાં જેનો મહિમા ગવાયો છે અને લોકવાયકા એવી પણ છે કે જેને હિમાલયના દાદા તરીકે ગણાવવામાં આવે છે એ ગરવો ગઢ ગિરનાર આજકાલ ચર્ચામાં છે, વિવાદમાં આવ્યો છે. ગિરનાર પર આવેલા અંબાજી માતાના મંદિરની ગાદીનો વિવાદ ઊઠ્યો છે.
ગિરનાર પર આવેલા અંબાજી મંદિરમાં અંબે માતાજીનાં દર્શન.
આર્તનાદે અંબા રીઝે, દેવ દિન દયાળી છે
તનની જાણે, મનની જાણે, ઘટ ઘટમાં સમાઈ છે
દોષ ન જોતી મા બાળકના, ને માફ કરે અપરાધોને
જે જન શરણે આવે, તેનાં સંકટ સઘળાં ટાળે છે
માડી સંકટ સઘળાં ટાળે છે
સૌનાં સંકટ દૂર કરતી આદ્યશક્તિ અંબે માતાજી ગરવા ગઢ ગિરનાર પર જ્યાં બિરાજમાન છે એ જગ્યામાં વિવાદ થાય ત્યારે સ્વાભાવિક રીતે માઈભક્તોને થોડું દુઃખ પહોંચે. થોડા દિવસ પહેલાં મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા બાદ ગિરનાર પર આવેલા અંબાજી મંદિરની ગાદીનો વિવાદ થયો છે. કહેવાય છે કે ભવનાથ મંદિરના મહંત હરિગિરિજીએ તેમના શિષ્યની ત્યાં ચાદરવિધિ કરતાં આ વિવાદ વકર્યો છે. વિવાદ થયો, પણ આ સતની જગ્યાનું માહાત્મ્ય એમ કંઈ થોડું ઓછું થઈ જવાનું? આવો જાણીએ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરની જાણીઅજાણી આધ્યાત્મિક વાતો જ્યાં કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીએ લગ્ન બાદ છેડા છોડવાની વિધિ કરી હતી.
સૌરાષ્ટ્રમાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક નગર જૂનાગઢની પાદરમાં આવેલા ગિરનાર પર્વત પર ૫૦૦૦ પગથિયાં ચડીને આદ્યશક્તિ અંબે માતાજીના મંદિરમાં આજે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. લોકસાહિત્યમાં એમ જ નથી ગવાતું...
ગિરનાર પર આવેલું અંબાજી મંદિર.
ઊંચા ઊંચા રે માડી તારા બેસણા રે લોલ
ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
માડી તમે ગરબે રમવા આવજો રે લોલ
શ્રદ્ધાળુઓ જીવનમાં એક વાર તો ગિરનાર પર્વતની અવશ્ય મુલાકાત લે છે એવા આ પર્વત પર આવેલા અંબે માતાજીના મંદિર વિશે વાત કરતાં અંબાજી મંદિરમાં સેવા આપતા વિજય ત્રિવેદી ‘મિડ-ડે’ને કહે છે, ‘ગિરનાર પર અંબે માતાજીનું આ મંદિર પ્રાચીન છે. અંદાજે સાડાપાંચ હજાર વર્ષ પુરાણું આ પૌરાણિક મંદિર છે. અંબે માતાજીની આ પ્રાગટ્યપીઠ કહેવાય છે. દર પોષી પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યદિન ઊજવાય છે. મારા ગુરુજી અને આ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી મહારાજ જેઓ થોડા દિવસ પહેલાં બ્રહ્મલીન થયા તેઓ કહેતા હતા કે ગિરનાર પર્વતના કાળમીંઢ પથ્થરોથી આ મંદિરનું નિર્માણ મંત્રવિદ્યાથી થયું છે. ૫૦૦૦ પગથિયાં ચડીને આ મંદિરમાં અવાય છે. આખું મંદિર નકશીકામ કરેલા ૮૪ સ્તંભ પર ઊભું છે. મંદિરમાં માતાજીનો ગોખ છે, રંગમંડપ છે, નૃત્યમંડપ છે એવું વિશાળ ત્રણ ઘુમ્મટવાળું મંદિર છે જેમાં એકસાથે ૨૦૦થી વધુ ભક્તો ઊભા રહી શકે છે. મંદિરમાં માતાજીની મૂર્તિ કે છબિ નથી, પણ માતાજીના મુખારવિંદનાં દર્શન થાય છે. માત્ર એક પથ્થર મુખારવિંદ સ્વરૂપે છે જેના પર શ્રૃંગાર થાય છે. અહીં માતાજી સ્વયં પ્રગટ થયાં હોવાની લોકવાયકા છે.’
દેવાધિદેવ મહાદેવ, માતા પાર્વતી અને સ્વયં શ્રીકૃષ્ણે જે ભૂમિને પાવન કરી છે એ ગરવા ગઢ ગિરનાર પર આવેલા અંબે માતાજીના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ આવ્યા હોવાની દંતકથા બાબતે વિજય ત્રિવેદી કહે છે, ‘આ પૌરાણિક મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા હોવાની વાત છે. અંબે માતાજી ભગવાન શ્રીકૃષ્ણનાં કુળદેવી કહેવાતાં. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ થયા એ પછી છેડા છોડવા માટે ભગવાન અને રુક્મિણીજી આ મંદિરે આવ્યાં હતાં અને છેડા છોડવાની વિધિ અહીં થઈ હોવાની લોકવાયકા છે.’
એમ પણ કહેવાય છે કે આ જગ્યા પર માતાજીના ઉદરનો ભાગ પડ્યો હતો એટલે એને લોકો ઉદરપીઠ તરીકે પણ ઓળખે છે એની વાત કરતાં વિજય ત્રિવેદી કહે છે, ‘ગિરનાર પર આવેલા અંબે માતાજીના મંદિરને લોકો ઉદયન પીઠ તરીકે પણ ઓળખે છે. કહેવાય છે કે માતાજીની ઉદરનો ભાગ અહીં પડ્યો હોવાથી આ મંદિરને ઉદરપીઠ તરીકે પણ લોકો જાણે છે. આ મંદિર સમુદ્રની સપાટીથી ૩૫૦૦ ફુટ ઊંચે છે. ગમે એટલા ભારે ઝંઝાવાતી પવનો વાયા હોય કે ભૂકંપ આવ્યો હોય છતાં આ મંદિર આટલી ઊંચાઈએ અડીખમ ઊભું છે. આર્કિટેક્ચરના અભ્યાસી લોકો આ વાત જાણીને અચરજ પામી જાય છે.’
વિવાદ વહીવટદારનો
જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા કહે છે, ‘જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરનાં શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર આ ત્રણેય મંદિરના મહંત તનસુખગિરિજીનું અવસાન થવાથી આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. તનસુખગિરિજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક ૧૯૮૩માં થઈ હતી. જે-તે સમયે તેમના ગુરુજીએ વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરે તેમની નિમણૂક કરી હતી. હવે તનસુખગિરિજીનું અવસાન થવાથી ત્રણેય મંદિરોના મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે આમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. મહંતની નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર બાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજી સમય લાગી શકે એમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના સમય દરમ્યાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે જૂનાગઢ શહેરના મામલતદારની નિમણૂક તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.’
અનિલ રાણાવસિયા વધુમાં કહે છે, ‘બીજો વિષય ભવનાથ મંદિરના મહંત બાબતે છે. હાલના જે મહંત છે હરિગિરિજી તેમની નિમણૂક ૨૦૨૫ની ૩૧ જુલાઈ સુધી થઈ છે. જે પણ વાંધા અમને સંતો તરફથી મળ્યા છે એ બાબતે તપાસ સોંપવામાં આવી છે. ખાસ વાંધા મળ્યા છે તે એ છે કે જે શરતોએ તેમની નિમણૂક થઈ છે એનું પાલન થાય છે કે નથી થતું એના માટે તાબાના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તપાસના અંતે અમારી પાસે જે રિપોર્ટ આવશે એના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.’