હંગામા 2 રિવ્યુ: નો મોર ‘હંગામા’

25 July, 2021 10:32 AM IST  |  Mumbai | Harsh Desai

પરેશ રાવલ, ટિકુ તલસાણિયા અને મનોજ જોષી જેવી ટૅલન્ટનો ઉપયોગ નથી કરી શકાયો : રાજપાલ યાદવ, જૉની લીવર અને આશુતોષ રાણા જેવા ઍક્ટર્સ હોવા છતાં ફિલ્મમાં કૉમેડીનો અભાવ : સ્ટોરી, ડાયલૉગ અને સૉન્ગ્સ દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ ‘હંગામા’ નહીં

હંગામા 2નો એક સીન

ફિલ્મઃ હંગામા 2

કાસ્ટ : શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મીઝાન જાફરી, પ્રણીતા સુભાષ, પરેશ રાવલ, ટિકુ તલસાણિયા અને મનોજ જોષી

ડિરેક્ટર : પ્રિયદર્શન

રિવ્યુઃ ઠીક

‘હંગામા 2’ની રિલીઝને લઈને ઘણો હંગામા મચ્યો હતો, પરંતુ એની રિલીઝ બાદ એટલો જ જોરમાં શાંત પણ થઈ ગયો. પ્રિયદર્શન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ કૉમેડી ફિલ્મ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. એ દ્વારા શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ફિલ્મોમાં કમબૅક કર્યું છે. જોકે આ ફિલ્મ દ્વારા પ્રિયદર્શને પણ તેમની ફેવરિટ અને માહેર હોય એ પ્રકારની કૉમેડી ફિલ્મોમાં કમબૅક કર્યું એમ કહેવું ખોટું નથી. જોકે બે કલાક અને ૩૬ મિનિટની આ ફિલ્મ કેવી છે એ જોઈએ...

સ્ટોરીથી કોસો દૂર

આ ફિલ્મમાં આકાશ (મીઝાન જાફરી) બજાજ (મનોજ જોષી)ની દીકરી સાથે લગ્ન કરવાનો હોય છે. બજાજ અને કપૂર (આશુતોષ રાણા) ખૂબ સારા મિત્રો છે એથી કપૂર પરિવારમાં બજાજ તેમની દીકરીને સોંપવા જઈ રહ્યો હોય છે. ત્યાં જ કપૂર-ફૅમિલીમાં આકાશની જૂની પ્રેમિકા વાણી (પ્રણીતા સુભાષ) તેની દીકરીને લઈને એન્ટ્રી કરે છે. વાણીનું કહેવું છે કે આ દીકરી તેની અને આકાશની છે. આકાશ આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે અંજલિ (શિલ્પા શેટ્ટી કુન્દ્રા)ની મદદ લે છે. જોકે આ મદદ દરમ્યાન તિવારી (પરેશ રાવલ)ને એવું લાગે છે કે તેની પત્ની અંજલિનું અફેર આકાશ સાથે છે. આકાશ અને અંજલિનું અફેર હોય કે નહીં અને આકાશની દીકરી હોય કે નહીં એના પર આ ફિલ્મની સ્ટોરી ટકી છે.

સ્ક્રિપ્ટ પડી ભારે

પ્રિયદર્શન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ તેમની અગાઉની તમામ ફિલ્મો કરતાં એકદમ કંગાળ ફિલ્મ છે. કૉમેડી અને મલ્ટિસ્ટારર ફિલ્મોમાં ‘હંગામા’ મચાવવામાં માહેર પ્રિયદર્શન આ ફિલ્મમાં માર ખાઈ ગયો છે. કંગાળ સ્ક્રિપ્ટને કારણે પ્રિયદર્શનની ફિલ્મમાં જોઈએ એવી મજા નથી રહી. સ્ક્રીનપ્લે પર નજર કરીએ તો એવું લાગે છે કે લૉકડાઉન પૂરું થવા આવ્યું છે, જલદી સ્ક્રીનપ્લે પૂરો કરો અને ડિરેક્શન પર નજર કરીએ તો એવું લાગે છે કે જલદી શૂટિંગ પૂરું કરો, લૉકડાઉન થવા જઈ રહ્યું છે. ટૂંકમા કહીએ તો, ફિલ્મની કાચી સ્ટોરીને ઉતાવળમાં પાકી બનાવવાની રહી ગઈ હોય એવું લાગે છે.

એક-એકથી ચડિયાતા ઍક્ટર્સ વેડફાયા

એક-એકથી ચડિયાતા ઍક્ટર્સનો બગાડ કેવી રીતે કરવો એનું ઉદાહરણ આપવું હોય તો આ એક પર્ફેક્ટ ફિલ્મ છે. મનોજ જોષી, પરેશ રાવલ, ટિકુ તલસાણિયા, જૉની લીવર, રાજપાલ યાદવ અને આશુતોષ રાણા જેવા ક્લાસિક ઍક્ટર્સ હોવા છતાં એક પણ દૃશ્યમાં તેમને જોવાની મજા નથી આવતી. ‘હલચલ’માં એકદમ નાનકડું પાત્ર ભજવતા મનોજ જોષીને જોવાની મજા આવી હતી, પરંતુ અહીં તેમને જોઈને કોઈ આશ્ચર્ય નથી થતું. તમામ ઍક્ટર્સની ટૅલન્ટનો બગાડ કરવામાં આવ્યો છે. ગ્લૅમરના નામ પર શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને પ્રણીતા સુભાષ પણ હતી. શિલ્પા અને પ્રણીતા પણ ખૂબ સારી ઍક્ટર્સ છે, પરંતુ એમ છતાં તેમને ગ્લૅમર કે ઍક્ટિંગ ટૅલન્ટનો પણ જોઈએ એવો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ‘હેલો ચાર્લી’માં આદર જૈને જે કૉમેડી કરવાની કોશિશ કરી હતી એમાં તે રણબીર કપૂર જેવો દેખાતો હતો. આ ફિલ્મમાં પણ મીઝાન જાણે રણબીરની ઍક્ટિંગ કરતો હોય એવું લાગે છે અને ઘણી વાર એ કામ વગરની ઊછળકૂદ કરતો હોય એવું લાગે છે. અક્ષય ખન્ના પણ સ્પેશ્યલ રોલમાં છે, પરંતુ તેની એન્ટ્રીથી પણ સ્ટોરી પર કોઈ અસર નથી પડતી.

મ્યુઝિક

સ્ક્રિપ્ટ અને ડાયલૉગ્સમાં કંગાળ એવી આ ફિલ્મનાં ગીતો પણ એટલાં જ સામાન્ય છે. એક પણ ગીત ફરી સાંભળવાનું મન નથી થતું. અનુ મલિક દ્વારા આપવામાં આવેલું મ્યુઝિક ખૂબ જ નીરસ છે. જોકે ‘ચૂરા કે દિલ મેરા’ના ઓરિજિનલ ગીતને કારણે એનું નવું વર્ઝન એક વાર સાંભળી શકાય, પરંતુ એ પણ ઠીક છે.

આખરી સલામ

પ્રિયદર્શને ખૂબ નિરાશાજનક ફિલ્મ આપી છે. ફિલ્મ ખૂબ લાંબી છે, પરંતુ એમ છતાં એમાં કૉમેડીનો સમાવેશ કરવાનું ચૂકી ગયા હોય એવું લાગે છે.

entertainment news bollywood bollywood news bollywood movie review shilpa shetty rajpal yadav johnny lever ashutosh rana paresh rawal manoj joshi harsh desai