૧ દિવસમાં ૧૯ મૅચમાં ૨૦ સેન્ચુરી અને ૧ ડબલ સેન્ચુરી : વિજય હઝારે ટ્રોફીનો ધમાકેદાર પ્રારંભ

25 December, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ દિવસે બન્યા અનેક રેકૉર્ડ : રોહિત શર્માની ૬૨ બૉલમાં, વિરાટ કોહલીની ૮૩ બૉલમાં સદી : બિહારના કૅપ્ટન સાકિબુલ ગનીની લિસ્ટ A ક્રિકેટમાં ૩૩ બૉલમાં ભારતની ફાસ્ટેસ્ટ સેન્ચુરી, ઈશાન કિશનની સેકન્ડ ફાસ્ટેસ્ટ ૩૨ બૉલમાં

વિરાટ કોહલીએ ૧૩૧ રન ફટકાર્યા હતા, રોહિત શર્માએ ૧૫૫ રન ફટકાર્યા હતા

ગઈ કાલે ૫૦-૫૦ ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીનો ધૂમધડાકા સાથે શુભારંભ થયો હતો. ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતીય ક્રિકેટરો માટે આ ટુર્નામેન્ટની ઓછામાં ઓછી બે મૅચ રમવાનું ફરજિયાત કરવાના નિર્ણય બાદ અચાનક આની ચર્ચા થવા માંડી હતી અને ચાહકો પણ તેમનો કયો ફેવરિટ ખેલાડી ક્યારે રમવાનો છે એની જાણકારી મેળવવા લાગ્યા હતા. મોટા ભાગે વિરાટ કોહલી અને રોહિત શર્માના વર્ષો બાદ આ ટુર્નામેન્ટમાં કમબૅકને લીધે આ ટુર્નામેન્ટની ચર્ચા ખૂબ વધી ગઈ હતી અને એ બન્નેએ ગઈ કાલે સેન્ચુરી ફટકારીને ચાહકોને રાજીના રેડ કરી દીધા હતા.

આ ઉપરાંત જયપુરમાં રોહિતની અને બૅન્ગલોરમાં વિરાટની એક ઝલક જોવા માટે હજારો ચાહકો ઊમટી આવ્યા હતા અને તેને સતત ચિયરઅપ કરતા જોવા મળ્યા હતા. રોહિતે જવાબમાં ૯૫ બૉલમાં ૧૫૫ રન ફટકારીને મુંબઈને સિક્કિમ સામે ૮ વિકેટે દમદાર જીત અપાવી હતી. વિરાટ કોહલીએ ૧૦૧ બૉલમાં ૩ સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૩૧ રન ફટકારીને દિલ્હીને આંધ્ર પ્રદેશ સામે ચાર વિકેટે જીત અપાવી હતી.

રાંચીમાં બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની ટક્કરમાં તો અનેક રેકૉર્ડ બન્યા હતા. બિહારે ત્રણ-ત્રણ સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૫૭૪ રન બનાવીને તથા ૩૯૭ રનથી જીત મેળવીને એક નવો રેકૉર્ડ રચ્યો હતો.

અમદાવાદમાં કર્ણાટક અને ઝારખંડની મૅચમાં કુલ ૮૨૫ રન બન્યા હતા. ઝારખંડે આપેલો ૪૧૩ રનનો ટાર્ગેટ કર્ણાટકે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. 
મણિપુર અને નાગાલૅન્ડની ટક્કર સંઘર્ષમય રહી હતી અને મણિપુરે માત્ર એક વિકેટે જીત મેળવી હતી.

ગુજરાત રાજ્યની ત્રણેય ટીમો ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાએ જીત મેળવી હતી.

વિરાટના ૧૬,૦૦૦ રન, સચિન કરતાં ફાસ્ટેસ્ટ

૧૫ વર્ષ બાદ પહેલી વાર વિજય હઝારે ટ્રોફી રમી રહેલા વિરાટ કોહલીએ પહેલી જ મૅચમાં ૧૩૧ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને ચાહકોને દીવાના કરી દીધા હતા. એ ઉપરાંત સચિન તેન્ડુલકરના રેકૉર્ડને પણ તેણે તોડી નાખ્યો હતો. આ ઇનિંગ્સ દરમ્યાન લિસ્ટ A ક્રિકેટમાં વિરાટ ફાસ્ટેસ્ટ ૧૬,૦૦૦ બનાવનાર બૅટર બન્યો હતો. વિરાટે ૩૩૦મી ઇનિંગ્સમાં આ કારનામું કરીને લેજન્ડ સચિનનો ૩૯૧ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ સાથે લિસ્ટ A ક્રિકેટમાં ૧૦,૦૦૦ બાદ દરેક હજાર રન, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને હવે ૧૬ હજારનો થયો. 

૩૮ વર્ષના રોહિતે કરી ડેવિડ વૉર્નરની બરાબરી

૭ વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફીમાં કમબૅક કરી રહેલા રોહિત શર્માએ ૬૨ બૉલમાં તેની લિસ્ટ A કરીઅરની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. આ પહેલાં તેણે વન-ડે વર્લ્ડ કપની અફઘાનિસ્તાન સામે ૬૩ બૉલમાં ફટકારેલી સેન્ચુરી ફાસ્ટેટ હતી. વિજય હઝારે ટ્રોફીમાં આ તેની બીજી સેન્ચુરી હતી. પહેલી સેન્ચુરી તેણે ૨૦૦૮માં ડેબ્યુ સીઝનમાં ફટકારી હતી.  ૧૫૫ રનની ઇનિંગ્સ સાથે તેણે આ ફૉર્મેટમાં સૌથી વધુ ૯ વાર ૧૫૦થી વધુ રનના ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી હતી. એ ઉપરાંત ૩૮ વર્ષ ૨૩૮ દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારનાર આ ટુર્નામેન્ટનો સેકન્ડ ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો હતો. બંગાળનો અનુસ્તૂપ મજુમદાર આ મામલે સૌથી ઓલ્ડેસ્ટ (૩૯ વર્ષ) છે.

રોહિતને લીધે જયપુરમાં જામ્યો મુંબઈ જેવો માહોલ

કરીઅરના આખરી પડાવમાં રમી રહેલા વિરાટ અને રોહિતને માણવા ચાહકો એક પણ મોકો ચૂકવા નથી માગતા. આથી જયપુરમાં મુંબઈ અને સિક્કિમ વચ્ચેની ટક્કરમાં રોહિતને વધાવવા ૧૦,૦૦૦થી વધુ ચાહકો મેદાનમાં ઊમટી આવ્યા હતા અને એવું લાગી રહ્યું હતું જાણે મૅચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાહકો સવારે પ્રૅક્ટિસ-સેશનથી જ મેદાનમાં આવી પહોંચ્યા હતા. સિક્યૉરિટીએ તેમને કન્ટ્રોલમાં રાખવા ખૂબ મહેનત કરવી પડી હતી. જોકે રોહિતે તેના ચાહકોને જરાય નિરાશ નહોતા કર્યા. બૅટિંગમાં તેનો અસલી ટચ બતાવ્યો હતો અને સાથે ફીલ્ડિંગ દરમ્યાન પણ ઓવરની વચ્ચે-વચ્ચે તે ચાહકો સાથે હાથ મિલાવી લેતો હતો અને અમુક સાથે તો ફોટો પણ પડાવ્યા હતા. 

સૂર્યવંશી અને બિહારનો રેકૉર્ડ, કૅપ્ટન ગની ફાસ્ટેસ્ટ

વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે માત્ર ૮૪ બૉલમાં ૧૫ સિક્સર અને ૧૬ ફોર સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા

એક પછી એક દરેક સ્ટેજ પર ધમાકેદાર એન્ટ્રી કરવાનો ક્રમ બિહારના ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે પણ જાળવી રાખ્યો હતો. માત્ર ૮૪ બૉલમાં ૧૫ સિક્સર અને ૧૬ ફોર સાથે ૧૯૦ રનની લાજવાબ ઇનિંગ્સ રમીને અનેક રેકૉર્ડ તેના નામે કરી લીધા હતા. સૂર્યવંશીએ ૩૨ બૉલમાં ૧૫૦ રન માત્ર ૫૯ બૉલમાં કર્યા હતા. તે ૧૦ રનથી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. આ સાથે તેણે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ૧૫૦ રનનો સાઉથ આફ્રિકન દિગ્ગજ એબી ડિવિલિયર્સનો ૬૪ બૉલનો રેકૉર્ડ તોડ્યો હતો.

૧૪ વર્ષ ૨૭૨ દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારીને સૂર્યવંશી લિસ્ટ A મેન્સ ક્રિકેટમાં યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. આ પહેલાંનો રેકૉર્ડ ઝહૂર ઇલાહીના નામે હતો જે તેણે ૧૯૮૬માં રેલવેની ટીમ સામે ૧૫ વર્ષ ૨૦૯ દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારીને બનાવ્યો હતો.

સાકિબુલ ગની

સૂર્યવંશી ઉપરાંત આયુષ લોહારુકા (૧૧૬) અને કૅપ્ટન સાકિબુલ ગની (૧૨૮)ની સેન્ચુરીના જોરે બિહારે ૬ વિકેટે ૫૭૪ રનનો રેકૉર્ડબ્રેક સ્કોર બનાવ્યો હતો. લિસ્ટ A મેન્સ ક્રિકેટમાં આ સૌથી મોટો ટીમ-સ્કોર હતો. આ પહેલાંનો રેકૉર્ડ તામિલનાડુનો ૫૦૬ રનનો હતો. નવાઈની વાત એ છે કે આ બન્ને સ્કોર અરુણાચલ પ્રદેશની ટીમ સામે જ બન્યા છે.

બિહારના કૅપ્ટન સાકિબુલ ગનીએ તેની સેન્ચુરી માત્ર ૩૨ બૉલમાં પૂરી કરીને લિસ્ટ A મેન્સ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ભારતીય સેન્ચુરીનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. 

ઈશાન કિશનની સેન્ચુરી થઈ પણ ટીમ હારી ગઈ

ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પર્ફોર્મન્સને લીધે T20 વર્લ્ડ કપની ટીમમાં પહોંચી ગયેલા ઈશાન કિશને ફૉર્મ જાળવી રાખતાં ૩૯ બૉલમાં ૧૪ સિક્સર અને ૭ ફોર સાથે ૧૨૫ રનની ગજબનાક ઇનિંગ્સ રમ્યો હતો. છઠ્ઠા ક્રમાંકે રમતાં તેણે માત્ર ૩૩ બૉલમાં સેન્ચુરી પૂરી કરીને તે આ ટુર્નામેન્ટનો બીજા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. ઈશાનની આ ઇનિંગ્સના જોરે ઝારખંડે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૧૨ રન બનાવ્યા હતા. જવાબમાં કર્ણાટકે દેવદત્ત પડિક્કલના ૧૧૮ બૉલમાં ૧૪૭ રનના જોરે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો. આમ ઈશાનની સેન્ચુરીને પડિક્કલે ઝાંખી પાડી દીધી હતી.

જોકે ઈશાને આ ઇનિંગ્સ દ્વારા T20 વર્લ્ડ કપમાં રિષભ પંત અને જિતેશ શર્માને બદલે તેની પસંદગીની ટીકા કરી રહેલાઓને બરાબરનો જવાબ આપી દીધો હતો. 

ઓડિશાના ઓપનર સ્વસ્તિક સમલની ડબલ સેન્ચુરી

સૌરાષ્ટ્ર સામે ઓડિશાના ઓપનર બૅટર સ્વસ્તિક સમલે ૧૬૯ બૉલમાં ૮ સિક્સર અને ૨૧ ફોર સાથે ડબલ ધમાકો કરતાં ૨૧૨ રન બનાવ્યા હતા. ૨૫ વર્ષનો સ્વસ્તિક વિજય હઝારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ટુર્નામેન્ટનો આઠમો અને ઓડિશાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે તેની આ ડબલ કમાલ છતાં તેની ટીમ સૌરાષ્ટ્ર સામે પાંચ વિકેટે હારી ગઈ હતી. 

vijay hazare trophy cricket news sports sports news virat kohli rohit sharma vaibhav suryavanshi ishan kishan jaipur bengaluru ranchi arunachal pradesh sikkim mumbai bihar andhra pradesh ahmedabad karnataka jharkhand manipur nagaland gujarat saurashtra baroda