કોરોનાએ છીનવી લીધા રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા

09 May, 2021 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુવા બૉલરે તાજેતરમાં જ IPLની કમાણીથી પિતાની સારવાર કરાવવાની વાત કરી હતી

ચેતન સાકરીયાની ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals)ના ફાસ્ટ બોલર ચેતન સાકરીયા (Chetan Sakariya)ના માથે દુઃખનો ડુંગર તુટી પડ્યો છે. બૉલરના પિતાનું કોરોના વાયરસ (COVID-19)ને કારણે નિધન થયું છે.

ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરીયા​​​​​​નો કોરોના રિપોર્ટ આઠ દિવસ પહેલા પૉઝિટિવ આવ્યો હતો. ત્યારે તેના પિતાને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ તબિયત લથડતા આજ રોજ સવારે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રૉયલ્સના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી બૉલરના પિતાના નિધનના સમાચાર આપવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, ‘આજે સવારે કાનજીભાઈ સાકરિયા કોરોના સામેની જંગ હારી ગાય તે જણાવતા અમને ખુબ દુઃખ થાય છે. અમે ચેતન સકારિયાના સંપર્કમાં છીએ. આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે’.

તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં ચેતન સાકરિયાએ જણાવ્યું હતું કે, ‘ઘણા લોકો કહેતા હતા કે IPL રદ્દ થવી જોઈએ પરંતુ હું કઈંક કહેવા માંગુ છું, મારા પરિવારમાંથી હું એકલો જ રોજી-રોટી કમાઈ શકું એમ છું. ક્રિકેટ જ મારી કમાણીનો એક માત્ર સોર્સ છે. IPLની કમાણી થકી હું મારા પિતાને સૌથી સારી સારવાર આપી શકું એમ છું. જો આ ટૂર્નામેન્ટ એક મહિના માટે નહીં થાય તો મને આર્થિક દૃષ્ટીએ ઘણું નુકસાન પહોંચશે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે અને IPLએ મારી આખી જીંદગી બદલી નાખી છે’.

આ પણ વાંચોઃ આઇપીએલની કમાણીથી કોરોનાગ્રસ્ત પપ્પાની બેસ્ટ સારવાર કરાવી શકીશ

તમને જણાવી દઈએ કે, ૨૩ વર્ષીય ચેતન સાકરીયા ભાવનગરના વરતેજ ગામનો રહેવાસી છે. આ વર્ષે જ તેને ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સ્થાન મળ્યું હતું.

આ પણ વાંચોઃ ફૅમિલી ક્રાઇસિસ વચ્ચે પણ ચમત્કાર કર્યો ચેતને

આઇપીએલમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું હતું. જ્યારે યુવા બૉલર આઇપીએલમાં કેટલીક મેચ રમીને ખુબજ સુંદર પ્રદર્શન કરી ચુક્યો છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેની બોલિંગના વખાણ કરી ચુક્યા છે. આઇપીએલ ૨૦૨૧માં ચેતન સકારિયાએ ૭ વિકેટ લીધી હતી.

coronavirus covid19 sports sports news indian premier league ipl 2021 rajasthan royals chetan sakariya