Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફૅમિલી ક્રાઇસિસ વચ્ચે પણ ચમત્કાર કર્યો ચેતને

ફૅમિલી ક્રાઇસિસ વચ્ચે પણ ચમત્કાર કર્યો ચેતને

14 April, 2021 12:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇપીએલ ઑક્શનના ત્રણ વીક પહેલાં નાના ભાઈએ કરેલા સુસાઇડના શૉકમાં રાજસ્થાન રૉયલ્સનો ચેતન સાકરિયા અઠવાડિયા સુધી ગુમસૂમ રહ્યો અને માંડ ચારેક વખત જમ્યો હતો: સોમવારે પહેલી જ મૅચમાં ૩ વિકેટ ઝડપી અને એક અફલાતૂન કૅચ પકડીને ભારે વાહવાહી મેળવી

ચેતન સાકરિયા

ચેતન સાકરિયા


વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની ટક્કરમાં સંજુ સૅમસન, લોકેશ રાહુલ, દીપક હૂડા અને અર્શદીપ સિંહના લાજવાબ પર્ફોર્મન્સ વચ્ચે ભાવનગરના ૨૩ વર્ષના ચેતન સાકરિયાએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પહેલી જ મૅચમાં ૪ ઓવરમાં ૩૧ રન આપીને પંજાબ કિંગ્સના બે ધુરંધર બૅટ્સમેન લોકેશ રાહુલ અને મયંક અગરવાલની સાથે ઝ્‍‍યે રિચર્ડસનની વિકેટ લઈને ચેતન રાજસ્થાન રૉયલ્સનો સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ઉપલબ્ધિ બાદ નૅચરલી ચેતન અત્યંત ખુશ છે, પણ તેની આ ખુશીનું કારણ જુદું છે. ડેબ્યુ મૅચના બે મહિના અગાઉ પરિવારમાં આવી પડેલા આઘાતમાંથી તેને બહાર લાવવામાં તે ઑલમોસ્ટ સફળ રહ્યો એની ખુશી ચેતનને વધારે છે. ડાબોડી મીડિયમ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને આ વર્ષે રાજસ્થાન રૉયલ્સ ટીમે ૧.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

ભાવનગરથી ૧૦ કિલોમીટર દૂર આવેલા વરતેજ નામના નાના ગામના ચેતન સાકરિયાથી એક વર્ષ નાના એવા ભાઈ આયુષે બે મહિના પહેલાં જ આત્મહત્યા કરી હોવાથી આખી ફૅમિલી પર આભ તૂટક્ષ પડ્યું હતું. ચેતન સાકરિયાનાં મમ્મી વર્ષાબહેને એ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘એ સમયે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમતો હતો. ભાઈની આત્મહત્યાના સમાચાર અમે તેને ૧૦ દિવસ સુધી આપ્યા જ નહોતા. તેની રમત પર આ માઠા સમાચારની ખરાબ અસર થશે એવું વિચારીને તેના પિતાએ ચેતનથી એ વાત છુપાવવાનું મુનાસીબ માન્યું. ચેતન અમને રોજ ફોન કરતો અને દરેક ફોનમાં તે પપ્પા અને ભાઈનું અમને પૂછતો, પરંતુ અમે એ વાત ટાળવાનો પ્રયત્ન કરતા, પણ એક માનું હૃદય કેટલા દિવસ સુધી આવી વાત છાની રાખી શકે. ૧૦ દિવસ પછી મેં ચેતનને આ વાત કરી. આઘાતના સમાચાર સાંભળ્યા બાદ તેનું મન ક્રિકેટ તરફ લાગતું જ નહોતું. તે એક અઠવાડિયા સુધી કોઈની સાથે વાત પણ નહોતો કરતો. એટલું જ નહીં, તે બરાબર જમતો પણ નહીં. ચેતનને અમે બધાએ સમજાવ્યો એ પછી તેણે ભાઈ માટે ક્રિકેટ રમવાની આશાથી સારું પ્રદર્શન કરવાની તૈયારી દાખવી.’




ચેતન સાકરિયાનો પરિવાર અત્યંત ગરીબીમાં રહેતો હતો. પિતા કાનજીભાઈ ટેમ્પો-ડ્રાઇવર હતા, પણ ત્રણ વાર અકસ્માત નડ્યા બાદ તેમણે સર્જરી કરાવવી પડી અને ત્યારથી તેઓ પથારીવશ છે. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ છે. એમાંય માબાપ અને ત્રણ બાળકોનો પરિવાર, એવામાં દીકરાને ક્રિકેટ ઍકૅડેમીમાં મોકલવવાનું કયા મા-બાપને પોસાય. ચેતનના પિતાએ હિંમત કરીને તેને ક્રિકેટ પાછળ ધ્યાન આપવાનું જણાવ્યું. પરિવારને એટલી આશા હતી કે જો છોકરો સારું ક્રિકેટ રમીને કોઈ નોકરી કરશે તો પરિવારનાં દુઃખ દૂર થશે. ચેતનના ઘરે ટીવી પણ છેલ્લાં પાંચ વર્ષમાં આવ્યું છે. પરિવારને આર્થિક મદદ થાય એ માટે તે પોતાના મામાની સ્ટેશનરીની દુકાને કામ કરતો. તેની મમ્મી વર્ષાબહેન આજે પણ સાડીને એમ્બ્રૉઇડરી કરવાનું કામ કરે છે. સૌરાષ્ટ્ર વતી ક્રિકેટ રમ્યા બાદ પરિવારની સ્થિતિ થોડા ઘણા અંશે સુધરી છે. ચેતનને ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ટીમમાં નેટ બોલર તરીકે રાખેલો. ચેતનનો આદર્શ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ છે. 

વર્ષાબહેન કહે છે, ‘બાળક સફળતા મેળવે એ દરેક મા-બાપનું સપનું હોય. ચેતનનો આઇપીએલ કૉન્ટ્રૅક્ટ અમારા પરિવારના ઘા પર મલમ સમાન છે. આઇપીએલમાં મળેલા પૈસાથી તે રાજકોટમાં ઘર ખરીદવા માગે છે. ચેતને પરિવારને આગળ લાવવા ઘણી મહેનત કરી છે અને ભગવાન હવે એનું ફળ અમને આપી રહ્યો છે.’


પહેલાં શૂઝ શેલ્ડન જૅક્સને આપ્યાં હતાં

જુનિયર લેવલે કમાલ કર્યા બાદ ચેતન સિનિયર ટીમમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યો હતો. ટ્રેઇનિંગ દરમ્યાન ચેતને સૌરાષ્ટ્રના સિનિયર બૅટ્સમૅન શેલ્ડન જૅક્સનને આઉટ કરતાં તે ભારે ઇમ્પ્રેશ થયો અને શેલ્ડને તેને બૂટ આપ્યાં. મધ્યમવર્ગીય ચેતનને પહેલી વાર પ્રોપર સ્પોર્ટ્સ શૂઝ મળ્યાં હતાં. ત્યાર બાદ ચેતન અને જૅક્સન વચ્ચે અતૂટ નાતો બંધાઈ ગયો હતો. શેલ્ડન જૅક્સન પણ મૂળ ભાવનગરનો છે. એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં જતાં પહેલાં ચેતન સાકરિયાએ શેલ્ડન જૅક્સન સાથે અઢળક પ્રૅક્ટિસ કરી હતી જેને લીધે ફાઉન્ડેશનમાં પણ ચેતનની લાઇન-લેન્ગ્થથી કોચ ઇમ્પ્રેસ રહ્યા.

ફાસ્ટ બોલરને મળે માન...

રાજકોટથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા વરતેજનો ચેતન શરૂઆતમાં બૅટ્સમૅન બનવા માગતો હતો, પણ ૧૨મા ધોરણમાં ભણતો ત્યારે ફાસ્ટ બોલિંગમાં રસ જાગ્યો. આ રસ જાગવાનું કારણ એટલું જ કે એ સમયે સ્કૂલમાં ફાસ્ટ બોલરને બહુ માન આપવામાં આવતું હતું. ચેતને થોડા સમય પહેલાં રાજકોટમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાસ્ટ બોલરને જે રિસ્પેક્ટ મળતું એ જોઈને મેં પણ ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવ્યો અને લાઇન-લેન્ગ્થ સારાં હતાં એટલે તરત મને સાચી દિશા મળવા માંડી અને સ્કૂલની ટીમમાં પણ સ્થાન મળી ગયું.’

કેવી રીતે ખૂલ્યાં આઇપીએલનાં દ્વાર?

૨૦૧૮-’૧૯ની ડોમેસ્ટિક સીઝનમાં સોરાષ્ટ્રની સિનિયર ટીમમાં ચેતને એન્ટ્રી કરી. ચેતન અત્યાર સુધીમાં ૧૫ ફર્સ્ટ ક્લાસ મૅચ, સાત લિસ્ટ-એ અને ૧૬ ટી૨૦ મૅચ રમ્યો છે. માર્ચ ૨૦૨૦માં તે રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્ર ટીમનો મેમ્બર હતો. જોકે થોડા સમય પહેલાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં તેના માત્ર ૪.૯૦ની અફલાતૂન ઇકૉનૉમી સાથે ૧૨ વિકેટના પર્ફોર્મન્સને આઇપીએલ ટીમનું ધ્યાન ખેંચ્યું હતું. મુંબઈ અને રાજસ્થાન માટે ટ્રાયલ આપી હતી અને ઑક્શનમાં રાજસ્થાને તેની ૨૦ લાખની બેઝ પ્રાઇસ સામે ૧.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ખરીદાયા પછી ચેતને ભાવનગરમાં કહ્યું હતું કે ‘પ્રાઇસ પર મારું કોઈ ધ્યાન છે જ નહીં, મને ટીમમાં રમવા મળે એ જ મારું ધ્યેય છે.’

ચેતનનું એ ધ્યેય ફળ્યું છે અને સામા પક્ષે રાજસ્થાન રૉયલ્સનો ભરોસો પણ પાર પડ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK