ICCની તાજેતરની રેંકિંગમાં ઇંગ્લેન્ડને પાછળ મૂકી ન્યૂઝીલેન્ડ આગળ, ભારતને નુકસાન

03 May, 2021 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાર્ષિક રેંકિંગમાં ટીમ ઇન્ડિયાએ પોતાના બીજા નંબરની પૉઝિશન ગુમાવી દીધી છે અને હવે તે ત્રીજા નંબરે પહોંચી છે.

પ્રતીકાત્મક તસવીર

આઇસીસીની વાર્ષિક વનડે રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પાછળ મૂકતા નંબર એકના સ્થાન પર કબજો કરી લીધો છે. ઇંગ્લેન્ડની ટીમને ભારે નુકસાન થયું છે અને તે નંબર ચાર પર સરકી ગઈ છે. ન્યૂઝીલેન્ડ વનડે રેંકિંગમાં ત્રીજા નંબરે હતી અને ટીમે બે સ્થાન ઉપર પહોંચીને નંબર વનની પૉઝિશન મેળવી લીધી છે. વાર્ષિક રેંકિંગમાં ટીમ ઇન્ડિયાએ પોતાના બીજા નંબરની પૉઝિશન ગુમાવી દીધી છે અને હવે તે ત્રીજા નંબરે પહોંચી છે.

આઇસીસીની તાજેતરની રેંકિંગમાં ઑસ્ટ્રેલિયાને જબરજસ્ત ફાયદો થયો છે અને કંગારૂ ટીમ ચોથા સ્થાનથી સીધી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝ 3-0થી પોતાને નામ કરી હતી અને તે જ ટીમને ફાયદો મળ્યો છે. ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ વનડે સીરિઝમાં હારનો સામનો કર્યો હતો, જેનું વળતર ઇંગ્લિશ ટીમને ભરવું પડ્યું. જો કે, ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં નંબર એકના સ્થાનને બચાવવામાં સફળ રહી છે. ટૉપ 4ની ટીમ સિવાય વનડે રેંકિંગમાં ખાસ કોઇ ફેરફાર થયા નથી. સાઉથ આફ્રિકા 5મા અને પાકિસ્તાનની ટીમ 6ઠ્ઠા નંબરે જળવાયેલી છે.

તાજેતરની વનડે રેંકિંગ બાદ ન્યૂઝીલેન્ડની રેટિંગ હવે 118થી વધીને 121 થઈ ગઈ છે, જ્યારે બીજા સ્થાને રહેલી ઑસ્ટ્રેલિયાની રેટિંગ 111થી વધીને 118 પહોંચી છે. ટીમ ઇન્ડિયાની રેટિંગમાં ઘટાડો થયો છે અને વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ 119થી 115 પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડ અને ભારતની રેટિંગ હાલ સમાન સ્તરે છે. ઇંગ્લેન્ડને ભારત વિઝિટ દરમિયાન ત્રણેય ફૉર્મેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

cricket news sports news sports international cricket council new zealand australia england india