મોહમ્મદ સિરાજ ૧૨ સ્થાનની છલાંગ મારીને ICC ટેસ્ટ-રૅન્કિંગ્સમાં સર્વોચ્ચ ૧૫મા સ્થાને પહોંચ્યો

08 August, 2025 07:00 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ક્રિષ્ના પચીસ સ્થાનનો કૂદકો મારીને ટૉપ-૬૦ બોલર્સમાં સામેલ થયો: જાયસવાલે ટૉપ-ફાઇવ બૅટર્સના લિસ્ટમાં વાપસી કરી, બુમરાહ બોલર્સ અને જાડેજા આૅલરાઉન્ડ રૅન્કિંગમાં નંબર-વનના સ્થાને યથાવત્

મોહમ્મદ સિરાજ

ઓવલ ટેસ્ટ-મૅચમાં મૅજિકલ બોલિંગ કર્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ICC ટેસ્ટ બોલિંગ-રૅન્કિંગમાં કરીઅરના સર્વોચ્ચ ૧૫મા સ્થાને પહોંચી ગયો છે. મૅચમાં નવ વિકેટ લીધા બાદ સિરાજે ૧૨ સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે. આખી સિરીઝમાં ૨૩ વિકેટ લેનાર સિરાજ (૬૭૪ રેટિંગ-પૉઇન્ટ) આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૪માં શ્રેષ્ઠ ૧૬મા સ્થાને જ પહોંચી શક્યો હતો. તે વન-ડેમાં ૫૯૩ રેટિંગ-પૉઇન્ટ સાથે ૧૪મા અને T20માં ૪૪૩ રેટિંગ-પૉઇન્ટ સાથે ૭૭મા ક્રમે છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૮૮૯) ટેસ્ટ-બોલર તરીકે નંબર-વનના સ્થાન પર જળવાઈ રહ્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૩૬૮)એ ૫૯મા સ્થાને પહોંચીને કરીઅરનું બેસ્ટ ICC રૅન્કિંગ પ્રાપ્ત કર્યું છે. તેને પચીસ સ્થાનનો ફાયદો થયો હતો. ફાસ્ટ બોલર આકાશ દીપ (૫૭મા ક્રમે), સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા (૧૭મા ક્રમે) અને વૉશિંગ્ટન સુંદર (બાવનમા ક્રમે)ના બોલિંગ-રૅન્કિંગમાં ઘટાડો થયો છે.

ટેસ્ટ-બૅટર્સના રૅન્કિંગમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ (૭૯૨) ત્રણ સ્થાન ઉપર ચડીને ફરી ટૉપ-ફાઇવમાં પાંચમા ક્રમે આવી ગયો છે. રિષભ પંત (૭૬૮) એક સ્થાનના નુકસાન સાથે આઠમા ક્રમે અને શુભમન ગિલ (૭૨૫) ચાર સ્થાનના નુકસાન સાથે ૧૩મા ક્રમે પહોંચ્યા છે. ઇંગ્લૅન્ડનો અનુભવી બૅટર જો રૂટ (૯૦૮) પહેલા ક્રમે યથાવત્ છે, જ્યારે હૅરી બ્રૂકે (૮૬૮) ફરી નંબર-ટૂનું સ્થાન મેળવી લીધું છે. ઑલરાઉન્ડના રૅન્કિંગમાં રવીન્દ્ર જાડેજા (૪૦૫)એ પોતાનું નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું છે.  

mohammed siraj international cricket council india england test cricket indian cricket team cricket news sports news sports prasidh krishna ravindra jadeja Rishabh Pant yashasvi jaiswal jasprit bumrah akash deep washington sundar