ટીમ ઇન્ડિયાએ ત્રણ સદી બાદ પણ સૌથી ઓછા ટોટલનો શરમજનક રેકૉર્ડ કર્યો

23 June, 2025 06:56 AM IST  |  Leeds | Gujarati Mid-day Correspondent

રિષભ પંતની ધમાકેદાર સેન્ચુરી, પણ ભારત ૪૭૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું : ત્રણ વિકેટે ૨૦૯ રન કરનાર ઇંગ્લૅન્ડ હજી ૨૬૨ રન પાછળ

બુમરાહે ક્રૉલીની વિકેટ લીધા પછી ભારતનું સેલિબ્રેશન

હેડિંગ્લી ટેસ્ટ-મૅચના બીજા દિવસની રમતમાં બન્ને દેશ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે ત્રણ સેન્ચુરીના આધારે ૧૧૩ ઓવરમાં ૪૭૧ રનનો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડના બૉલર્સની શાનદાર બોલિંગને કારણે ભારત ૧૦૨મી ઓવરમાં ૪૩૦-૩ના સ્કોરથી ૪૭૧-૧૦ના સ્કોર સુધી પહોચ્યું હતું. ઇંગ્લૅન્ડે બીજા દિવસના અંતે શતકવીર ઑલી પોપની ઇનિંગ્સના આધારે ૪૯ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૯ રન કર્યા હતા. પહેલી ટેસ્ટમાં ભારત પાસે હજી ૨૬૨ રનની લીડ છે.

૮૬મી ઓવરમાં ૩૫૯ રનના સ્કોરથી શરૂઆત કરીને ભારતીય કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટનની જોડીએ ૩૦૧ બૉલમાં ૨૦૯ રનની ભાગીદારી કરીને ૧૦૨ ઓવરમાં ભારતનો સ્કોર ૪૩૦ સુધી પહોંચાડ્યો હતો. કૅપ્ટન શુભમન ગિલે ૧૯ ફોર અને એક સિક્સની મદદથી ૨૨૭ બૉલમાં પોતાની ટેસ્ટ-કરીઅરની ૧૪૭ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. રિષભ પંતે પણ ૧૨ ફોર અને ૬ સિક્સની મદદથી ૧૭૮ બૉલમાં ૧૩૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.

આ બન્નેની પાર્ટનરશિપ તૂટી ત્યાર બાદ ભારતે ૪૧ રનની અંદર ૭ વિકેટ ગુમાવતાં ૫૦૦ રનનો આંકડો પાર થઈ શક્યો નહોતો. કરુણ નાયર (ચાર બૉલમાં ઝીરો), રવીન્દ્ર જાડેજા (૧૫ બૉલમાં ૧૧ રન), શાર્દૂલ ઠાકુર (૮ બૉલમાં ૧ રન), જસપ્રીત બુમરાહ (પાંચ બૉલમાં ઝીરો), પ્રસિદ્ધ ક્રિષ્ના (૩ બૉલમાં ૧ રન) અને મોહમ્મદ સિરાજ (૭ બૉલમાં ૩ રન અણનમ) ભારતની ઇનિંગ્સને આગળ વધારી શક્યા નહોતા. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બેન સ્ટોક્સ (૬૬ રનમાં ચાર વિકેટ) અને જૉશ ટૉન્ગ (૮૬ રનમાં ચાર વિકેટ)ને સૌથી વધુ વિકેટ મળી હતી.

વરસાદના વિઘ્ન બાદ ઇંગ્લૅન્ડે પહેલી ઓવરમાં ઓપનર ઝૅક ક્રૉલી (૬ બૉલમાં ૪ રન) વિકેટ ગુમાવ્યા બાદ શાનદાર કમબૅક કર્યું હતું.  ઓપનર બેન ડકેટે (૯૪ બૉલમાં ૬૨ રન) બીજી વિકેટ માટે ઑલી પોપ (૧૩૧ બૉલમાં ૧૦૦ રન અણનમ) સાથે ૧૬૬ બૉલમાં ૧૨૨ રનની ભાગીદારી કરી હતી. ૧૩ ફોર ફટકારનાર ઑલી પોપ સાથે ત્રીજી વિકેટ માટે ૮૦ રનની ભાગીદારી કરીને જો રૂટ (૫૮ બૉલમાં ૨૮ રન) અંતિમ ઓવર્સમાં બુમરાહ સામે ટેસ્ટમાં દસમી વાર આઉટ થયો હતો.

ઑલી પોપે અણનમ સદી ફટકારી

યંગ બૅટર હૅરી બ્રુક (૧૨ બૉલમાં ઝીરો અણનમ)ને બુમરાહની ઓવરમાં નો-બૉલને કારણે જીવનદાન મળ્યું હતું. ભારત તરફથી માત્ર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૪૮ રનમાં ત્રણ વિકેટ)ને જ સફળતા મળી છે. યશસ્વી જાયસવાલે બે અને રવીન્દ્ર જાડેજાએ તેની ઓવરમાં કેટલાક સરળ કૅચ છોડ્યા હતા.

147

આટલી સૌથી વધુ કુલ વિકેટ સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર લેનાર એશિયન બૉલર બન્યો જસપ્રીત બુમરાહ. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ (૧૪૬ વિકેટ)નો રેકૉર્ડ તોડ્યો.

૯ વર્ષ જૂનો આ શરમજનક રેકૉર્ડ તોડ્યો ભારતીય ટીમે

ભારતીય ટીમ ત્રણ સેન્ચુરી છતાં એક ઇનિંગ્સમાં સૌથી ઓછો સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. આ પહેલાં આ રેકૉર્ડ જાન્યુઆરી ૨૦૧૬માં સાઉથ આફ્રિકાએ બનાવ્યો હતો. ઓપનર સ્ટીફન કૂક, ત્રીજા ક્રમના બૅટર હાશિમ અમલા અને વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડી કોકની સેન્ચુરી બાદ સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૩૨ ઓવરમાં ૪૭૫ રન પર ઑલઆઉટ થઈ હતી. 

india england test cricket indian cricket team cricket news sports sports news yashasvi jaiswal kl rahul shubman gill sai sudharsan Rishabh Pant karun nair ravindra jadeja shardul thakur jasprit bumrah mohammed siraj prasidh krishna ben stokes joe root