સૂર્યકુમાર યાદવની વર્તમાન સ્ક્વૉડ કરતાં રોહિત શર્માની ચૅમ્પિયન ટીમ ૧૦ ટકા વધુ સારી હતી : અનિલ કુંબલે

05 February, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ સ્પિનર અને કોચ અનિલ કુંબલેએ ભારતની વર્તમાન અને ૨૦૨૪ની વર્લ્ડ કપ ટીમની સરખામણી કરી મોટું નિવેદન આપ્યું

અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ સ્પિનર અને કોચ અનિલ કુંબલેએ ભારતની વર્તમાન અને ૨૦૨૪ની વર્લ્ડ કપ ટીમની સરખામણી કરી મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘વર્તમાન T20 વર્લ્ડ કપની સ્ક્વૉડ માટે ટુર્નામેન્ટ હજી પણ પડકારજનક રહેશે. પરિસ્થિતિઓની દૃષ્ટિએ ૨૦૨૪નો T20 વર્લ્ડ કપ ખૂબ જ અલગ હતો. હું કદાચ ૨૦૨૪ની ટીમને આ ટીમ કરતાં ૧૦ ટકા આગળ રેટ કરીશ, પરંતુ મને હજી પણ લાગે છે કે આ ટીમ ચૅમ્પિયન ટીમની ખૂબ નજીક પહોંચી શકે છે.’

પંચાવન વર્ષના અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘જો તમે અનુભવ વિશે વાત કરો છો તો તેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મિસ કરશે, પરંતુ જો તમે સંતુલનની વાત કરો છો તો મને લાગે છે કે આ ટીમ પણ સારી છે, કારણ કે તમારી પાસે બોલિંગ-વિકલ્પો છે અને ટોચના ક્રમમાં એક અલગ બૅટિંગ-શૈલી છે. નિર્ણાયક ક્ષણોમાં સૂર્યકુમાર યાદવ જેવો ખેલાડી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.’

વર્તમાન ભારતીય સ્ક્વૉડમાં કોની પાસે કેટલી T20 મૅચ રમવાનો અનુભવ?

સૂર્યકુમાર યાદવ ૧૦૪ T20 ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૩૫૧ T20 મૅચ રમ્યો છે. હાર્દિક પંડ્યા ૧૨૯ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૩૧૯ T20 મૅચ, અક્ષર પટેલ ૮૭ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૩૦૨ T20 મૅચ, જસપ્રીત બુમરાહ ૮૭ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૨૬૨ T20 મૅચ, અર્શદીપ સિંહ ૭૬ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૮૬ T20 મૅચ, વૉશિંગ્ટન સુંદર ૫૯ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૫૯ T20 મૅચ, સંજુ સૅમસન ૫૭ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૩૨૫ T20 મૅચ, શિવમ દુબે ૫૫ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૯૩ T20 મૅચ, કુલદીપ યાદવ ૫૩ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૮૮ T20 મૅચ, તિલક વર્મા ૪૦ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૩૪ T20 મૅચ, રિન્કુ સિંહ ૪૦ ઇન્ટરનૅશનલ મૅચ સહિત  ૧૮૦ T20 મૅચ, અભિષેક શર્મા ૩૮  ઇન્ટરનૅશનલ મૅચ સહિત  ૧૭૩ T20 મૅચ, ઈશાન કિશન ૩૬ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૨૨૦ T20 મૅચ, વરુણ ચક્રવર્તી ૩૬ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૧૪૧ T20 મૅચ અને હર્ષિત રાણા ૯ ઇન્ટરનૅશનલ મૅચ સહિત ૪૭ T20 મૅચનો અનુભવ ધરાવે છે.

વર્તમાન ભારતીય વર્લ્ડ કપ સ્ક્વૉડનો ઇન્ટરનૅશનલ મૅચનો ટોટલ અનુભવ ૯૦૬ મૅચનો છે. ગયા T20 વર્લ્ડ કપમાં રિટાયરમેન્ટ લેનાર રોહિત શર્મા (૪૬૩ મૅચ), વિરાટ કોહલી (૪૧૪ મૅચ) અને રવીન્દ્ર જાડેજા (૩૪૬ મૅચ) પોતાની આખી કરીઅરમાં ટોટલ ૧૨૨૩ T20 મૅચ રમ્યા છે જે વર્તમાન ભારતીય T20 ઇન્ટરનૅશનલ અનુભવ કરતાં પણ વધારે છે.

૨૦૨૪ અને ૨૦૨૬ની ભારતીય વર્લ્ડ કપ સ્ક્વૉડમાં શું છે તફાવત?

૨૦૨૪નો T20 વર્લ્ડ કપ રમનાર ૮ પ્લેયર્સ વર્તમાન ૨૦૨૬ની વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજુ સૅમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમનો ભાગ હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશસ્વી જાયસવાલ, રિષભ પંત, યુઝવેન્દ્ર ચહલ જેવા ૭ પ્લેયર્સ વર્તમાન વર્લ્ડ કપ સ્ક્વૉડનો ભાગ નથી.

રોહિત શર્માની સરખામણીમાં કેવો રહ્યો છે કૅપ્ટન સૂર્યાનો રેકૉર્ડ?

ભારતીય ટીમના T20 કૅપ્ટન તરીકે રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવ સૌથી સફળ સુકાની છે. રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ મૅચ સુધીમાં ૭૯.૦૩ જીતની ટકાવારી સાથે આ ફૉર્મેટમાં સૌથી સફળ કૅપ્ટન રહ્યો છે. કૅપ્ટન સૂર્યા હાલમાં ૭૪.૪૧ જીતની ટકાવારી ધરાવે છે. ૨૦૧૭ થી ૨૦૨૪ સુધી રોહિત શર્માના નેતૃત્વમાં ભારત ૬૨ T20માંથી ૪૯ મૅચ જીત્યું હતું. ૧૨ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ ટાઇ થઈ હતી. સૂર્યાની આગેવાની હેઠળ ભારત ૪૩માંથી ૩૨ મૅચ જીત્યું છે. ૭ મૅચમાં હાર મળી છે અને બે-બે મૅચ ટાઇ અને નો-રિઝલ્ટ રહી છે.

t20 world cup india indian cricket team team india anil kumble cricket news sports sports news rohit sharma suryakumar yadav hardik pandya axar patel jasprit bumrah arshdeep singh washington sundar sanju samson shivam dube Kuldeep Yadav tilak varma rinku singh abhishek sharma ishan kishan varun chakaravarthy harshit rana virat kohli ravindra jadeja