મહારાષ્ટ્રમાં વધશે ગરમીનો પારો, ગુજરાતના તાપમાનમાં પણ થશે વધારો

25 February, 2023 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગે કરી કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ જણાવ્યું છે કે, આવનારા થોડા દિવસો સુધી દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, દેશના કયા કયા રાજ્યોમાં વરસાદ પડવાનો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્ર (Maharashtra), ગુજરાત (Gujarat), ઓડિશા (Odisha) અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી ૩૭ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી વધારે છે.

આઈએમડીની આગાહી પ્રમાણે, આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતના મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ચોવીસ કલાક પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો - મુંબઈમાં હજી પારો એકાદ-બે ડિગ્રી નીચે જવાની શક્યતા

મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે. ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.  તો ગુજરાતમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે.

ભારતના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ, મધ્ય ભારત, પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી વધુ વધશે.

આ પણ વાંચો - મુંબઈની હવાની ગુણવત્તા હજી પણ `નબળી` શ્રેણીમાં, ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લો આ વાતો

હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. આઈએમડીની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૭ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir), ઉત્તરાખંડ (Uttarakhand) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થશે. તે જ સમયે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને તેની આસપાસના ઉત્તર-પશ્ચિમના મેદાની વિસ્તારોમાં ૨૮ ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પંજાબ, હરિયાણા અને ચંદીગઢના વિસ્તારોમાં ૨૮ માર્ચથી બીજી માર્ચ સુધી હળવો વરસાદ પડી શકે છે.

national news Weather Update mumbai weather maharashtra gujarat odisha west bengal jammu and kashmir uttarakhand himachal pradesh indian meteorological department