વિપક્ષોની વિરોધ કરવાની નીતિથી બીજેપી વીફરી

28 May, 2023 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેજરીવાલ અને મમતા સહિત ૧૧ મુખ્ય પ્રધાનોએ નીતિ આયોગની મીટિંગમાં ભાગ ન લેતાં રવિશંકર પ્રસાદે સવાલ કર્યો કે મોદીના વિરોધમાં કઈ હદ સુધી જશો

નવી દિલ્હીમાં ગઈ કાલે નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ દરમ્યાન પ્રધાનો, મુખ્ય પ્રધાનો, ઉપરાજ્યપાલો અને અધિકારીઓની સાથે ગ્રુપ ફોટોગ્રાફમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈ કાલે નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ યોજાઈ હતી.

વડા પ્રધાને ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા માટે સમાન વિઝન ડેવલપ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને રાજ્યોને નાગરિકોનાં સપનાંને સાકાર કરનારા કાર્યક્રમોને પૂરા કરી શકે એવા આર્થિક રીતે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે જણાવ્યું હતું. આ મીટિંગમાં અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને કેન્દ્રીય પ્રધાનોએ ભાગ લીધો હતો. નીતિ આયોગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘નીતિ આયોગની મીટિંગમાં વડા પ્રધાને જણાવ્યું છે કે જ્યારે રાજ્યો ગ્રોથ કરે છે ત્યારે ભારત ગ્રોથ કરે છે.’

દરમ્યાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલે આ મીટિંગમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ અને આસામ અને ઝારખંડના મુખ્ય પ્રધાનોએ પણ આ મીટિંગમાં ભાગ લીધો હતો.

નીતિ આયોગના સીઈઓ બી. વી. આર. સુબ્રમણ્યમે કહ્યું હતું કે ‘૧૧ મુખ્ય પ્રધાનોએ મીટિંગમાં ભાગ નહોતો લીધો. જોકે અનેક મુખ્ય પ્રધાનોએ ભાગ લીધો હતો. મેં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આ પહેલાંની મીટિંગમાં પણ આટલી જ હાજરી જોઈ છે. તેમનાં કદાચ વ્યક્તિગત કારણો હશે.’

બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે આ મીટિંગમાં ભાગ ન લેનારા મુખ્ય પ્રધાનોની ટીકા કરતાં કહ્યું હતું કે ‘નીતિ આયોગ દેશના વિકાસ અને યોજનાઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ બેઠક માટે ૧૦૦ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. હવે જે મુખ્ય પ્રધાનો આવ્યા નથી, તેઓ પોતાના રાજ્યની જનતાનો અવાજ અહીં લાવી શક્યા નથી. આખરે તેઓ મોદીના વિરોધમાં કઈ હદ સુધી જશે.’
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજી, બિહારના સીએમ નીતીશ કુમાર, તેલંગણના સીએમ કે. ચન્દ્રશેખર રાવ, તામિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિન, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોટ અને કેરલાના સીએમ પિનારાયી વિજયને આ મીટિંગમાં ભાગ નહોતો લીધો.

નોંધપાત્ર વાત એ છે કે બીજું જનતા દળે નવા સંસદભવનના ઉદ્ઘાટનને અટેન્ડ નહીં કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક ગઈ કાલે આ મીટિંગમાં હાજર નહોતા. 

national news india bharatiya janata party narendra modi new delhi arvind kejriwal punjab mamata banerjee west bengal bihar nitish kumar telangana tamil nadu Ashok Gehlot rajasthan karnataka kerala odisha manipur